આર્ટ ગેલેરીનો અભાવ:જૂનાગઢના કલાકારોને પોતાની કૃતિ રજૂ કરવા બીજા શહેરમાં જવું પડે છે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ કલાનું ધામ પણ આર્ટ ગેલેરી ન હોવાથી બહારગામનો ખર્ચ વધી જાય છે

જૂનાગઢ શહેરમાં કલાનગરી એટલે જૂનાગઢ આ શહેરને ગઝલગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેરમાં 250 જેટલા જુદી-જુદી કલાના કસબીઓ વસવાટ કરે છે. પરંતુ આર્ટ ગેલેરી ન હોવાના કારણે જૂનાગઢના કલાકારોને તેની કલા પ્રદર્શિત કરવા માટે અન્ય શહેરની આર્ટ ગેલેરીઓમાં જવું પડે છે. જેના કારણે અનેક સમસ્યા તો છે. સૌથી મોટી વાત એ છે કે આ કલાકારોની કલાને નિહાળવાનો લાભ જૂનાગઢના લોકોને જ મળતો નથી.

જૂનાગઢના કલાકાર મધુસુદનભાઈ ભુવા એ આ અંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને મળી કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે જૂનાગઢમાં આર્ટ ગેલેરી ઉભી કરવાના મુદ્દે ચર્ચા કરી હતી. કલાકારોની વ્યથા એ છે કે, અહીંના કલાકારને પોતાની કલા લોકો સમક્ષ મૂકવા માટે ભાવનગર અથવા વડોદરાની આર્ટ ગેલેરીમાં જવું પડે છે. એ માટે પહેલા સંપર્ક કરવો પડે, ત્યાંથી સમય આપવામાં આવે ત્યારે જવું પડે, એડવાન્સ ચેક પેમેન્ટ કરવું પડે અને પ્રદર્શન ચાલે ત્યાં સુધી ત્યાં જ રોકાણ થાય છે.

જેના કારણે કલાકારને કલા પ્રદર્શિત કરવા મોટો ખર્ચ કરવો પડે છે. જૂનાગઢમાં વૃંદાવન સોલંકી, ગૌરાંગ દવે, મનોજ ગોહિલ, રજની અગ્રાવત, ઇરફાન સિદ્દીકી, દિગ્વિજય સોલંકી સહિતના નામાંકિત કલા કસબીઓ જૂનાગઢના છે. આ કલાને પ્રદર્શિત કરવા માટે જૂનાગઢમાં આર્ટ ગેલેરી શરૂ કરવામાં આવે તો જૂનાગઢના આજ કલાકારને પોતાના શહેરમાં પોતાની કલા લોકો સમક્ષ મૂકવાનો અવસર મળી શકે. આ મામલે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ હકારાત્મક વલણ અપનાવી આર્ટ ગેલેરી ઉભી કરવાની શક્યતાઓ ચકાસવા અને કોઈ યોગ્ય નિર્ણય ઉપર આવવા પ્રયત્ન થશે એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...