કેસર કેરીના રસિયાઓ માટે ખુશખબર:જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીનું આગમન, 10 કિલોના ભાવ 2000થી 3000 રૂપિયા બોલાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાળો શરૂ થતાં જ ફળોના રાજા કેસર કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. યાર્ડમાં પ્રતિ 10 કિલો બોક્સના 2000થી 3000 રૂપિયા બોલાયા હતા. કેરીરસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે તાલાલા પંથકમાં આંબા પર સારા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હોઈ, કેસર કેરીનું ઉત્પાદન પણ વધવાની આશા છે. વેપારીઓના મતે આગામી 15 દિવસમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.

આતુરતાનો અંત, માર્કેટમાં આવી ગઈ છે કેસર કેરી
કેરીના રસિયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટ યાર્ડમાં થઈ ગયું છે. ગુજરાત સહિત દેશભરમાં તાલાલાની કેસર કેરી ખૂબ જ જાણીતી છે. તાલાલા પંથકની કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. આ કેરીના 10 કિલોના 2000થી 3000 રૂપિયા ભાવ બોલાયા હતા. ગુજરાતવાસીઓ કેરીની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે. તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની હાફુસ કેરી ગુજરાત અને દેશવિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે.

સામાન્ય રીતે કેરીની સીઝન મે મહિનામાં જામતી હોય છે
ગુજરાતમાં દર વર્ષે મોટા પ્રમાણમાં કેરી ખવાતી હોય છે. સામાન્ય રીતે કેરીની સીઝન મે મહિનામાં જામતી હોય છે. જોકે સીઝન સાનુકૂળ રહે તો એની સીઝન માર્ચ મહિનાથી શરૂ થઈ જાય છે અને એ જૂન કે જુલાઈ મહિના સુધી ચાલે છે. જો માવઠું ન થાય કે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર ન થાય તો કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં ઊતરતો હોય છે.

ઓર્ગેનિક કેરીનો પાક લેવાનું પ્રમાણ પણ વધ્યું
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓર્ગેનિક કેરીની માગમાં પણ વધારો થયો છે. તાલાલા સહિત ગીરમાં અને એની આસપાસ આવેલા આંબાવાડિયામાં ઓર્ગેનિક કેરીનો પાક લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. કેરીની સીઝન જામતાં ગુજરાતનાં વિવિધ શહેરોમાં આમ્રઉત્સવ અંતર્ગત ખેડૂતોને કેરીના વેચાણ માટે સીધું બજાર પણ પૂરું પાડવામાં આવતું હોય છે.

આગામી દિવસોમાં કેરીની આવક વધશે
જૂનાગઢ ફ્રૂટ્, માર્કેટના એક વેપારીએ જણાવ્યું હતું કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને 2000થી 3,000ના ભાવે 10 કિલો કેરી વેચાઈ રહી છે. આવનારા દિવસોમાં કેરીની આવક વધી જશે તો બીજી તરફ આ વર્ષે પાક સારો હોવાથી કેરી પણ સારા પ્રમાણમાં આવશે. હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તાલાલા ગીરની કેરીની આવક શરૂ થઈ છે અને આવનારા દિવસોમાં કેસર કેરી મોટા પ્રમાણમાં જૂનાગઢ યાર્ડમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...