ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગીર ગામની 32 વિઘા ખેતીની જમીનનો સોદો કરી સાટા કરાર કરી રૂપિયા 80 લાખની રકમ લઈ લીધા બાદ દસ્તાવેજ કરવાનો ઈન્કાર કરી દીધેલ અને રકમ પણ પરત ન આપતા હોવા અંગે ખરીદનારે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તાલાલા પોલીસે ગુનો નોંધી પાંચ શખ્સોની ધરપકડ કરતા ચકચાર ફેલાયેલ છે. આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ તાલાલા તાલુકાના ગુંદરણ ગીર ગામના અલગ-અલગ સર્વે નંબરની કુલ 32 વિઘા જમીનનો વેચાણ સોદો થયેલ હતો. જેમાં પ્રતિ એક વીઘા જમીનના રૂ.7 લાખ 11 હજાર લેખે નક્કી થયા મુજબ કુલ રૂ.2 કરોડ 27 લાખમાં સોદો કરી નોટરી કરાર કરી રૂ.80 લાખની રકમ જમીનના સોદા પેટે ટોકન લીધેલ હતુ. ત્યારબાદ આ જમીનનો દસ્તાવેજ કરી આપવા અંગે વેચાણકર્તાઓ આનાકાની કરી રહ્યા હોવાથી નોટરી કરારની મુદત વિતાવી દીધી હતી. બાદમાં જમીનનો દસ્તાવેજ કરવા ઈનકાર કરી દીધેલ અને સોદા પેટે ટોકનરૂપે લીધેલ રૂ.80 લાખની રકમ પરત આપવાનો પણ ઇનકાર કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. જેથી આ 32 વિઘા જમીન ખરીદનાર સુત્રાપાડાના હરિભાઈ રણધીરભાઈ બારડએ ઉપરોકત વિગતો સાથે પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા તાલાલા પોલીસે આઈપીસી કલમ 409, 420, 120 મુજબ ગુનો દાખલ નોંધી તપાસ હાથ ધરી છે.
જેના આધારે પોલીસે આરોપીઓ રામભાઈ ભગવાન કરમટા, કાળુ ભગવાન કરમટા, લખમણ ભગવાન કરમટા ત્રણેય રહે.ગુંદરણ ગીર, દિવ્યેશ ભીમસી બારડ રહે.માધુપુર ગીર, મજીદ મહમદ ખદરાણી રહે.તાલાલા ગીર વાળાને ઝડપી લીધા હતા. આરોપીઓએ ગુંદરણ ગીર ગામની વેંચી નાખેલ 32 વીઘા ખેતીની જમીનનું અન્ય લોકો સાથે પણ સાટાખત કર્યાનું પોલીસ ફરીયાદમાં જણાવ્યુ છે. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.