માંગરોળ જીઆરડી વિભાગમાં ફરજ બજાવતા મહીલા કર્મચારીએ પોલીસ અને સાથી કર્મચારીઓ સામે કરેલા આક્ષેપો અને જીવન ટુંકાવી દેવાની ધમકી આપતો સોશ્યલ મિડીયામાં વાયરલ કરેલા વિડીયો અંગે અનુ. જાતિ સમાજના આગેવાનોએ આ મહીલાના ભૂતકાળ સબંધે મામલતદારને આવેદન પાઠવી ન્યાયિક તપાસની માંગ કરી છે. માંગરોળ પોલીસ સ્ટેશન હસ્તકના જીઆરડી વિભાગમાં ફરજ બજાવતા મહીલા કર્મચારી દ્વારા તાજેતરમાં જીઆરડી જમાદાર, પોલીસ તથા સહયોગી કર્મચારી સામે આક્ષેપ કરતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો અને ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
આ બાબતે આજે શહેર તથા આજુબાજુના આગેવાનોએ જીલ્લા કલેકટરને સંબોધી મામલતદાર તથા ડીવાયએસપીને આવેદન પાઠવી આ મહીલા કર્મચારીના ભૂતકાળ વિશે માહિતગાર કરી હકીકત ધ્યાને લેવા માંગણી કરી જણાવ્યું હતું કે આ મહીલા તાલુકાના મુળ ઢેલાણા ગામના રહેવાસી છે. શરૂઆતમાં બામણવાડા ગામે ભાડે મકાનમાં રહેતા હતા એ સમયે એક વ્યક્તિ સાથે ઝઘડો કરી, બ્લેકમેલ કરી, પૈસા પડાવી સમાધાન કર્યાનો આક્ષેપ કર્યો છે. ત્યારબાદ તાલુકાના વાડલા ગામે પણ નિર્દોષ લોકોને ભોગ બનાવ્યા હોવાનું જણાવ્યું છે.
આ ઉપરાંત ગોરેજ ગામે કેટલાક લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હોવાનું તથા જે વ્યક્તિના મકાનમાં રહેતા તેની સાથે ઝઘડો કરી મકાન પચાવી પાડવાની કોશિશ પણ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘણાં લોકોને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી, બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હોવાનો આક્ષેપ કરી આ બાબતે આખા ગામના લોકો સામે પડતા ગામમાંથી દુર કર્યા હતા.વધુમાં જણાવ્યું છે કે આ મહીલા સભ્ય સમાજને હેરાન પરેશાન કરવાની ગુનાહિત માનસિકતા ધરાવે છે.
તેમની સાથે અન્ય કેટલાક માણસો પણ સંડોવાયેલા હોવાનું જણાય છે. વાયરલ થયેલા વિડીયોમાં પોલીસ, સાથી કર્મચારીઓ સામે કરેલા આક્ષેપો તદન ખોટા છે. અને જીવ ટુંકાવી દેવાની ધમકી આપી યેનકેન પ્રકારે લોકો, સમાજ અને અધિકારીઓની સહાનુભૂતિ મેળવી પોતાનું ધાર્યુ નિશાન પાર પાડવાની ખેવના હોવાનો ઉલ્લેખ કરાયો છે. જીઆરડી તથા હોમગાર્ડ પોલીસની જ એક પાંખ છે.ત્યારે કોઈ કર્મચારી ખોટી રીતે બદનામ ન થાય કે ભવિષ્યમાં ખોટી રીતે કોઈ કર્મચારી ભોગ ન બને તે માટે કાર્યવાહી કરવા માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.