પરિણામનો ઇન્તેજાર:શહેરને ફાટકલેસ કરવા વધુ એક સર્વે

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તારીખ પે તારીખની જેમ સર્વે પર સર્વે થઇ રહ્યા છે, ખરેખર શહેર રેલવે ફાટકથી મુક્ત થશે ખરૂં? થશે તો ક્યારે?
  • મહાનગરપાલિકા અને રેલ્વે વિભાગની ટીમે સંયુક્ત રીતે ફાટકોની સાઇટ વિઝીટ કરી

સમસ્યાના શહેર ગણાતા જૂનાગઢ શહેરમાં આમ તો જાત જાતની અને ભાતભાતની સમસ્યાઓના ઢગલા છે. તેમ છત્તાં આ તમામ સમસ્યામાં શિરમોર સમાન જો કોઇ સમસ્યા હોય તો તે છે શહેરમાંથી પસાર થતી રેલવે લાઇનના કારણે બનેલા ફાટકો. જૂનાગઢ શહેરની માથાના દુ:ખાવારૂપ આ સમસ્યાથી લોકો વર્ષોથી પિડીત છે.

અનેક વખત આમ તો ખાસ કરીને ચૂંટણી સમયે આ સમસ્યામાંથી મુક્ત કરવા શહેરીજનોને દિવાસ્વપ્નો બતાવાયા છે. વર્ષોથી શહેરને ફાટક મુક્ત કરવાની વાતો હજુ વાતો જ રહી ગઇ છે, કોઇ નક્કર કામગીરી થઇ નથી. ત્યારે વધુ એક વખત શહેરને ફાટક લેસ કરવા માટેનો સર્વે હાથ ધરાઇ રહ્યો છે. મહાનગરપાલિકા અને રેલવેના અધિકારીઓની ટીમે સંયુક્ત રીતે રેલવે ફાટકોની સાઇટ વિઝીટ કરી હતી. દરમિયાન જૂનાગઢના લોકોને તો હવે પરિણામનો ઇન્તેજાર છે. કારણ કે, તારીખ પે તારીખની જેમ સર્વે પર સર્વે થઇ રહ્યા છે.

ત્યારે ખરેખર શહેર રેલવે ફાટકથી મુક્ત થશે ખરૂં? થશે તો ક્યારે? આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, મનપાની સ્થાયી સમિતીની બેઠકમાં ઠરાવ નંબર 222 પરિપત્ર નંબર 8થી શહેરને રેલવે ફાટકથી મુક્ત કરવા માટે ઠરાવ કરાયો હતો.

ત્યારે આ ઠરાવને અનુસંધાને રેલવે વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આયોજનને વાસ્તવિક રીતે કામગીરી કરવાની દિશાને ધ્યાનમાં રાખી સાઇટ વિઝીટ કરાઇ હતી. આ તકે રેલવે વિકાસ નિગમ લીમીટેડના આયોજન અધિકારી બી.બી. ગોડા, મનપા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશ પણસારા, કાર્યપાલક ઇજનેર દિપકગીરી ગોસ્વામી વગેરે જોડાયા હતા.

ફાટકોને દૂર કરવા માટેનું પ્લાનીંગ થઇ ગયું છે
શહેરમાં જોષીપરા(ગીતાલોજ સામે), વૈભવ ફાટક, તળાવ દરવાજા, જયશ્રી ફાટક, ભૂતનાથ મંદિર ફાટક, ગ્રોફેડ, ગાંધીગ્રામ સહિતના શહેરના રેલવે ફાટકને દૂર કરવા માટેનું ફૂલપ્રુફ પ્લાનીંગ થઇ ગયું છે. એટલા માટે જ સાઇટ વિઝીટ કરાઇ હતી. હવે ટૂંક સમયમાં જ કામગીરી પણ શરૂ થઇ જશે. - હરેશ પણસારા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન.

વર્ષોથી પ્લાનીંગ, સાઇટ વિઝીટો થાય છે, કામ થતું નથી !!
શહેરને રેલવે ફાટકથી મુક્ત કરવા વર્ષોથી પ્લાનીંગ થાય છે, સાઇટ વિઝીટ થાય છે, કામ થતું નથી. પહેલા ફોરલેન એચ આકારનો ફ્લાય ઓવર બનાવવાનો હતો. પાછળથી ડિઝાઇનમાં ફેરફાર કરી એસ આકારનો ફ્લાય ઓવર બનાવવાનું નક્કી કરાયું છે. પરિણામે રેલવે સ્ટેશનથી આવનારને ફરજીયાત ગાંધીચોક, ગંધારી વાડી થઇને જોષીપરા જવું પડશેે. નીચે ફાટક બંધ હશે પરિણામે ફરજીયાત ફ્લાય ઓવર પરથી જ જવું પડશે. ત્યારે ફોર લેનને બદલે સીંગલ પટ્ટીનો ફ્લાય ઓવર બનતા ટ્રાફિકની સમસ્યા સર્જાશે. ટૂંકમાં પહેલા નીચે(રેલવે ફાટકે) ટ્રાફિક થતો હતો તે ઓવર બ્રિઝ પર થશે.

ધીરૂભાઇ ગોહિલ મેયર હતા ત્યારેસીએમ વિજય રૂપાણીની સભા યોજાઇ હતી. ત્યારેધીરૂભાઇ ગોહેલે કહ્યું હતું કે, 56 કરોડ છે, બાકીના આપોતો રેલવે ઓવર બ્રિઝ બને અને જૂનાગઢરેલવે ફાટકથી મુક્ત બને. ત્યારે વિજય રૂપાણીએ તુરત રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આમ, 82 કરોડમાં ફોરલેન ફ્લાય ઓવર બનવાનો હતો. વિજય રૂપાણી અને ધીરૂભાઇ ગોહેલ ગયા બાદ પ્લાન ફેરવાઇ ગયો. વળી, જિલ્લા પંચાયત જમીન સંપાદન કરવાનું કહે છે, મતલબ જમીનના પૈસા આપવાનું કહે છે. ત્યારે મનપાએ પૈસા ભર્યા નથી અને પૈસા વિના જમીન મળે તેમ નથી. - લલીત પણસારા, કોંગ્રેસી કોર્પોરેટર.

અન્ય સમાચારો પણ છે...