બજેટમાં ગીર સોમનાથને ભેંટ:ઈણાજ ગામ ખાતે 12 એકર જમીનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ સંકુલ બનાવવાની જાહેરાત

ગીર સોમનાથ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકુલમાં સિન્થેટિક ટ્રેક સહિતની અદ્યતન સુવિધા ઉપલબ્ધ થશે
  • ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓની પ્રતિભાને વધુ નિખાર મળવાની આશા સેવતા સિનિયર કોચ કાનજી ભાલીયા

તાજેતરમાં રજુ થયેલ રાજ્ય સરકારના બજેટ 2022-23 ના બજેટમાં ગીર સોમનાથ જિલ્લાને મોટી ભેટ મળી છે. રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ સંકુલ બનાવવાની જાહેરાત કરી છે. જેથી જિલ્લાના રમત પ્રેમીઓમાં આનંદ લાગણી પ્રસરી ગઈ છે.

ગીર સોમનાથ જિલ્લાકક્ષાના સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે જિલ્લા મથક વેરાવળથી 12 કીમી દુર ઈણાજ ખાતે આવેલ જિલ્લા સેવા સદન કચેરી નજીક 12 એકર જેટલી વિશાળ જમીનની પણ તંત્ર દ્વારા ફાળવણી કરી દેવામાં આવી છે. જે અંગે વિગતો આપતા ગીર સોમનાથ જિલ્લાના સિનિયર કોચ કાનજી ભાલીયાએ જણાવેલ કે, રાજ્ય સરકારે બજેટ વર્ષ 2022-23 ના બજેટમાં ગીર સોમનાથ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનુ સ્પોર્ટસ સંકુલ બનાવવાની જાહેરાત કરી છે.

આ સ્પોર્ટસ સંકુલમાં સિન્થેટિક ટ્રેક, ઈનડોર હોલ, હોસ્ટેલ સહિતની અદ્યતન સુવિધા ઉભી કરવાનું આયોજન હાથ ધરાશે. આ સ્પોર્ટસ સંકુલમાં આઉટડોર ઉપરાંત ઈનડોર રમતની પણ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેથી જિલ્લાના તમામ રમતવીરો પોતાની પ્રતિભાને વધુ નિખાર આપી શકશે. ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, અને ગીર ગઢડામાં તાલુકા રમત સંકુલ બનાવવાની વિચારણા ચાલી રહી હોવાનું અંતમાં જણાવેલ છે.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ ઉપરાંત રાજ્યમાં વલસાડ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, મહીસાગર અરવલ્લી સુરત અને નવસારી ખાતે જિલ્લાકક્ષાના સ્પોર્ટસ સંકુલના નિર્માણ માટે રૂ.47 કરોડની પ્રથમ તબક્કામાં જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...