તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંગલની રિતી:સમુહમાં રહેતા પ્રાણીઓ બિમાર જીવને અલગ કરી દે છે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાજા થવાની શક્યતા હોય તો મદદ કરે બાકી તેના હાલ પર છોડી દેવાય

કોરોના લાગુ પડે એને અલગ રૂમમાં આઇસોલેટ કરી દેવાય છે. જેના ઘરમાં જગ્યા ઓછી હોય એવા લોકો માટે સંખ્યાબંધ આઇસોલેશન સેન્ટરો ખુલ્યાં છે. આ તો વાત થઇ માનવીની. પણ જંગલની નિતીરિતી આનાથી જુદી છે. સમુહમાં રહેતા પ્રાણીઓમાં કોઇ ચેપી રોગનો ભોગ બને એટલે ગૃપ આપોઆપજ તેને ત્યજી દે છે. જંગલમાં વર્ષોથી ફરજ બજાવતા વનકર્મીઓના નિરીક્ષણ મુજબ, અગાઉ જ્યારે સિંહણને માંડ 2 બચ્ચાં જન્મતા તેમાં માંદલું અને બિમાર હોય અને જો બચવાની શક્યતા ન હોય તો એવા બચ્ચાંને માતાજ ગૃપથી જૂદું પાડી દે છે. આખું ગૃપ તેને છોડીને બીજે જતું રહે છે. અને જે તંદુરસ્ત બચ્ચું હોય તેને સલામત સ્થળે ખસેડી લે છે. આ રીતે જૂદું પડેલું બચ્ચું જો બીજા ગૃપના નરના ધ્યાને આવે તો તેને મારી જ નાંખે છે.

હા જો, બિમારી સામાન્ય હોય અને તેના સાજા થવાની શક્યતા હોય તો ગૃપ તેને છોડતું નથી. તેને શિકાર કરવામાં, ખાવામાં મદદ કરે. જોકે, હવે તો વનવિભાગનું સતત મોનીટરીંગ હોય છે. એટલે બિમાર સિંહ કે બીજા પ્રાણીને તુરત સારવાર પણ આપી દેવાય છે. ખાસ કરીને ચોમાસામાં લીલા ઘાસમાં રહેલી ઇતરડી સિંહના બચ્ચાને ચોંટી જાય. અને તેનું લોહી ચૂસી લે તો એવા સમયે સિંહ બાળના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ સર્જાય છે.

અને તે બિમાર પડે છે. જોકે, માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓ વચ્ચે એક ફરક ઉડીને આંખે વળગે એવો છે. હરણ, નિલગાય જેવા તૃણાહારી પ્રાણીઓ બિમાર જીવને તરત છૂટું નથી પાડી દેતા. હા, જો તેની હાલત અત્યંત ગંભીર અને બીજામાં પણ બિમારી ફેલાય એવી ગંભીર સ્થિતી હોય તો તેને અલગ કરી દે ખરા. પણ જો તેના નસીબ સારા હોય અને કોઇપણ રીતે સાજું થઇ જાય તો ગૃપ તેને ફરી સ્વિકારી પણ લે છે. આ રીતે જૂદું પડેલું તૃણાહારી પ્રાણી સિંહ-દીપડાનો આસાન શિકાર હોય છે.

પણ જો તે બિમાર હોય તો સિંહ કે દીપડાને તેની હોજરી અને શરીરમાંથી આવતી વાસ પરથી ખ્યાલ આવી જાય. તો પછી એ મારણ તે અધૂરુંજ છોડી દે છે. આ જોતાં માનવી એટલો ભાગ્યશાળી કે, બિમાર અથવા છેલ્લા શ્વાસ લેતો હોય તો તેને કોઇ ત્યજી નથી દેતું. અથવા બહુ ઓછા કિસ્સામાં એવું બને છે.

એકવાર જળકૂકડીને ગૃપે અલગ કરી હતી
અમે 5-6 વર્ષ પહેલાં એક કિસ્સામાં અલ્બિનો એટલેકે, જળકૂકડીનું નિરીક્ષણ કર્યું હતું. તેનો રંગ સામાન્ય રીતે કાળો હોય છે. પણ એ જળકૂકડીને કોઇ રોગને લીધે તેનો રંગ સફેદ થઇ ગયો હતો. તો તેના આખા ગૃપથી તે અલગ પડી ગઇ હતી. જોકે, તે હજુ વૈજ્ઞાનિક રીતે સાબિત નથી થઇ. - પ્રણવ વઘાસિયા, પક્ષીપ્રેમી

અન્ય સમાચારો પણ છે...