આંગડિયા લૂંટ CCTVમાં કેદ:ગીર સોમનાથના ઉના બસ સ્ટેન્ડ પર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 60 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ત્રણ શખ્સો ફરાર

વેરાવળ2 મહિનો પહેલા
  • ઉના બસ સ્ટેન્ડ પર વહેલી સવારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા
  • લૂંટ ચલાવી ભાગી રહેલા લૂંટારુઓને કર્મચારીઓ રોકવાના પ્રયાસો કર્યા
  • લૂંટારુઓની કાર રોકવાનો પ્રયાસ કરતા કર્મચારી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો

ગીર સોમનાથ જિલ્લાના ઉના બસ સ્ટેન્ડ પર આજે વહેલી સવારે પરોઢિયે આંગડિયા લૂંટની ઘટના બનતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બસ સ્ટેન્ડ પર મુસાફરોની અવરજવર હોવા છતા લૂંટારુઓએ બસની અંદર બેસેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 60 લાખના મુદ્દામાલ લૂંટી ફરાર થતા સનસનાટી મચી છે. લૂંટની સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના CCTVમાં કેદ થતા પોલીસે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

પટેલ સોમા રામદાસ આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
પટેલ સોમા રામદાસ આંગડિયા પેઢીનો કર્મચારી આજે સવારે 47 લાખ રોકડા અને 13 લાખના દાગીના ભરેલી બેગ લઈ ઉનાથી ભાવનગર જવા નીકળ્યો હતો. સવારે પોણા છ વાગ્યાના અરસામાં ઉના બસ સ્ટેન્ડ પર દીવ-ભાવનગર રૂટની બસ આવતા કર્મચારી તે બસમાં બેગ લઈ બેસી ગયો હતો. કર્મચારી જ્યારે બેસ્યો ત્યારે બસમાં લૂંટારુ બુકાની બાંધીને પહેલા જ હાજર હતો. બસ ઉપડે તે પહેલા જ લૂંટારુએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી થેલો આંચકી લઈ ભાગ્યો હતો. બસ નીચે અન્ય એક લૂંટારુ પણ ઉભો હતો. બંને લૂંટારુ ભાગવા લાગતા આંગડિયા પેઢીના કર્મચારીએ તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બસ સ્ટેન્ડ બહાર એક કાર ઉભી હતી તેમાં બને લૂંટારુઓ બેગ સાથે બેસી પલાયન થઈ ગયા હતા.

ઉના બસ સ્‍ટેન્‍ડમાં તપાસ કરી રહેલ પોલીસ અઘિકારીઓ
ઉના બસ સ્‍ટેન્‍ડમાં તપાસ કરી રહેલ પોલીસ અઘિકારીઓ

લૂંટની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
ઉના બસ સ્ટેન્ડ પર પરોઢિયે બનેલી લૂંટની ઘટનાના પગલે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. લૂંટારુઓ રોકડ અને દાગીના ભરેલી બેગ લઈને ભાગતા આંગડિયા પેઢીના કર્મચારીએ તેનો પીછો કર્યો હતો. પરંતુ, કર્મચારી લૂંટારુ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં લૂંટારુઓ કારમાં બેસી ગયા હતા. કર્મચારીએ કારની આડે આવી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, લૂંટારુઓએ કર્મચારી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી નાશી છૂટ્યા હતા. લૂંટની આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

પોલીસે CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
વહેલી સવારે બનેલી લૂંટની ઘટનાની જાણ થતા જ ઉના પોલીસના અધિકારીઓ સ્ટાફ સાથે બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા.ઘટનાને લઇ ઇન્‍ચાર્જ એસપી ઓમપ્રકાશ જાટ એલસીબી અને એસઓજીના સ્‍ટાફ સાથે ઉના દોડી ગયા છે. હાલ બસ સ્‍ટેન્‍ડના સીસીટીવી ફુટેજો કબ્‍જે લઇ પોલીસની જુદી-જુદી ટીમોએ અલગ અલગ દિશામાં લુંટારૂઓના સગડ મેળવવા તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. લૂંટની ઘટનાને ત્રણ લૂંટારૂઓએ જ અંજામ આપી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ છે. ઉના શહેરથી પંદરેક કિમી દૂર ગ્રામ્‍ય વિસ્‍તારના એક માર્ગ પરથી બિનવારસુ કાર પોલીસને મળી આવી છે. જે કાર લૂંટમાં વપરાયેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ઘરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

ઉનાની લૂંટમાં રોકડા રૂ.47 લાખ તથા રૂ.13.80 લાખની કિંમતના હિરા-સોનાના 8 પાર્સલોની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંઘાઇ
ઉનામાં થયેલ લૂંટની ઘટના અંગે આંગડિયા પેઢીના કર્મચારી બાબુ ઉર્ફે રમણલાલ પટેલે નોંઘાવેલ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, સવારે ભાવનગર જવા ઉના બસ સ્‍ટેન્‍ડમાં આવેલ દિવ-ભાવનગર રૂટની બસમાં કંડકટરની સીટની પાછળની સીટમાં બેસેલ હતો, ત્‍યારે સામેની સાઇડમાં મોઢા પર રૂમાલ બાંઘી પીળા કલરનું ટીશર્ટ અને બ્‍લુ જીન્‍સ પહેરી બેસેલ એક અજાણ્‍યો યુવાન અચાનક તેની પાસે આવી મોઢા પર ઝાપટ મારી તેનો થેલો આંચકી લઇ ભાગી ગયેલ હતો. જે થેલામાં ઉનાની પટેલ સોમાભાઇ રામદાસ આંગડીયા પેઢીમાંથી આપેલ હિરાના પાર્સલ નંગ-7 તથા સોનાનું પાર્સલ નંગ-1 બંન્‍ને મળી આઢેય પાર્સલની કિંમત રૂ.13,80,250 તથા રોકડા રૂપિયાના પાર્સલ નંગ-2 જેમાં કુલ રૂ.47,00,250 મળી કુલ રૂ.60,80,250 ની કિંમતના રોકડા અને સોના-હિરાના પાર્સલ રાખેલ થેલાની લુંટ થઇ છે. આ વિગતોના આઘારે પોલીસે ગુનો નોંઘી લૂંટારૂઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસની એલસીબી, એસઓજી, ટેકનિકલ સર્વેલન્‍સ, ડી-સ્‍ટાફ સહિતની ટીમોએ તપાસ હાથ ઘરી છે. લુંટની ઘટનાને અંજામ આપી લૂંટારૂઓ અમરેલી અથવા ભાવનગર તરફ નાસી ગયા હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં જણાયેલ છે.

બીજા પેસેન્જરો તમાશો જોતા રહ્યા
લૂંટ સમયે બસમાં 10થી 12 પેસેન્જરો હાજર હતા. લૂંટ કરવા આવેલો શખ્સ એકલો હતો. આમ છતાં 60 લાખ રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરીને તે ભાગ્યો પરંતુ અન્ય મુસાફરો પકડ્યો નહીં.

લૂંટારાએ પીળું ટીશર્ટ, જીન્સ પહેર્યા’તા
ફરિયાદમાં જણાવ્યા મુજબ, લૂંટ ચલાવનાર શખ્સે પીળું અડધી બાંયનું ટીશર્ટ અને બ્લુ જીન્સનું પેન્ટ પહેર્યું હતું. તેની ઉંચાઇ સાડા પાંચથી પોણા છ ફૂટ અને વાને ઉજળો હતો.

3 મિનિટમાં લૂંટને અંજામ આપ્યો
લૂંટારો બસમાં ચઢ્યો અને થોડીવાર બેસી. પછી તરત ઉભો થઇ બાબુભાઇ પાસેથી થેલો લૂંટીને ભાગી ગયો. ગણીને 3 મીનીટમાંજ તેણે ગુનાને અંજામ આપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...