• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • An Elderly Farmer From Ambalia Village In Manavadar Tried To Commit Suicide By Taking Poisonous Drug After Being Harassed By A Usurer.

વ્યાજની પઠાણી ઉઘરાણી:માણાવદરના આંબલિયા ગામના પ્રોઢ ખેડૂતે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજ ના આપી શકતા પ્રોઢના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હોવાની ફરિયાદ

માણાવદર તાલુકાના બાંટવા તાબેના આંબલીયા ગામમાં રહેતા પ્રૌઢ ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેઓને જૂનાગઢ સારવારમાં ખસેડાયા હતા. આ અંગે ખેડુતએ ફરિયાદ કરતા બાંટવા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માણાવદર તાલુકાના આંબલીયા ગામમાં રહેતા અને ખેતી કરતા પ્રૌઢ ખેડૂત અરજણભાઈ કેશુરભાઈ પાનેરા (ઉ.વ.55) એ ખેતી અને અન્ય ખર્ચ માટે પૈસાની જરૂરીયાત પડતા તેણે તેના ગામના પરબત અરશી ભેડા અને કમલેશ ગોકળ ભેડાને વાત કરી હતી. તેઓએ વચ્ચે રહી નારણ ભીમસીભાઈ ભેડા પાસેથી બે લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. તે રકમનું વ્યાજે લેવાનું હોવાથી અરજણભાઈએ સિક્યુરિટી પેટે ખેડૂતની નવ વીઘા જમીનનો સાટાખત નારણ ભીમશી ભેડાના નામનો કરી આપ્યો હતો. જેમાં 11 માસની મુદતનો સમય હતો.જે સમયગાળો પૂરો થયેલ તે સમયે ખેડૂત અરજણભાઈ પૈસા ભરી શકે તેમ ન હોવાથી વધુ ત્રણ માસની મુદતનો સાટાખત કરી આપેલ હતો. જેની મુદત તા.7-12-2021 ના રોજ પુરી થતી હોવાથી નારણભાઈ ભેડાએ અરજણ ભાઈને નોટિસ આપી જાણ કરી હતી.

જેથી સાટાખતનો સમય પૂર્ણ થવામાં થોડા દિવસો બાકી હતા ત્યારે જ ખેડૂત અરજણભાઈએ નોટીસનો જવાબ અને રૂ.2 લાખની રકમનો ચેક નારણ ભેડાને મોકલ્યો હતો પરંતુ તેણે ચેક ન સંભાળી પરત કરી દીધો હતો. બાદમાં તા.7 ડિસેમ્બરના રોજ સાટાખતનો સમય પૂર્ણ થતા પરબત અરશી ભેડા અને કમલેશ ગોકળ ભેડાએ અરજણભાઈ પાસે જઈ રૂપીયા આપી દેવા કહી સાટા ખતની મુદત પૂરી થઈ ગઈ છે. તમે સમય મર્યાદામાં પૈસા પરત આપ્યા નથી. એટલે જમીનનો દસ્તાવેજ નારણભાઇના નામે કરી આપવો પડશે તેમ કહેતા હતા. જેથી અરજણભાઈએ મેં ચેક મોકલ્યો હતો પરંતુ તે ચેક સ્વીકારતા નથી અને રૂબરૂ પૈસા આપવા પણ કહ્યું હતું.પરંતુ આ શખ્સોએ જમીનનો દસ્તાવેજ નહિ કરી આપો તો તમને અને તમારા દીકરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે વાતનું લાગી આવતા ગઈકાલે અરજણભાઈ પાનેરાએ ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ થતા પરીવારજનો પ્રથમ માણાવદર સરકારી દવાખાને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાનગી દવાખાને ખસેડેલ હતા.

આ અંગે અરજણભાઈ પાનેરાએ નારણ ભીમશી ભેડા, પરબત અરશી ભેડા અને કમલેશ ગોકળ ભેડા સામે ફરિયાદ નોંધાવતા બાંટવા પોલીસે આઇપીસી કલમ 506 (2), 114 તથા નાણા ધીરધાર અધિનિયમની કલમ 5, 33, 42 (A), (D) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...