રજૂઆત:અનઅધિકૃત બાંધકામોની યાદી જાહેર કરી બોર્ડ પણ લગાવો

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ મનપાને વકિલનું પ્રજાલક્ષી સૂચન

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલ બજેટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ શહેરના કેટલાક પ્રશ્નોને લઇ નાગરિકો દ્વારા સૂચનો કરાયા છે તેને ધ્યાને લેવા રજૂઆત કરાઇ છે. આ અંગે ભારત સરકારના કોલ ઇન્ડિયાના ડાયરેકટર અને જૂનાગઢના વકિલ ભરતભાઇ ગાજીપરાએ પ્રજાલક્ષી સૂચન કરતા જણાવ્યું છે કે, શહેરમાં ગેરકાયદેસર બંધાયેલા બહુમાળી બિલ્ડીંગોમાં કે અન્ય બાંધકામમાં મકાનો લઇ અનેક લોકો છેતરાય છે.

ત્યારે આવા અનઅધિકૃત મંજૂરી વગરના બાંધકામોની ઓળખ કરી મહાનગરપાલિકાએ આવા ગેરકાયદેસર મકાનોની યાદી બહાર પાડવી જોઇએ. સાથે આ બિલ્ડીંગ ગેરકાયદેસર છે તેવું બોર્ડ પણ મારવું જોઇએ. આવા બિલ્ડીંગોની એક યાદી સબ રજીસ્ટ્રાર કચેરીને પણ મોકલવી જોઇએ જેથી ગેરકાયદેસર દસ્તાવેજની નોંધણી થઇ ન શકે.

આ ઉપરાંત મકાનવેરામાં કોઇ મિલ્કતમાં ભાડુઆત હોય તો લગભગ બમણો વેરો લેવાય છે. આ ગેરકાયદેસર પ્રથા હોય તેને બંધ કરવી જોઇએ. આ ઉપરાંત એ ડિવીઝન પોલીસ સ્ટેશનને ઝનાના હોસ્પિટલમાં ફેરવવા,આઝાદ ચોક પોલીસ સ્ટેશન સહિતની જગ્યામાં બહુમાળી પે એન્ડ પાર્ક બનાવવા તેમજ ઝાંસીની રાણીના સર્કલ પાછળના ત્રિકોણમાં બહુમાળી પે એન્ડ પાર્ક બનાવવાની જરૂર છે. શહેરના વિકસિત વિસ્તારમાં રિંગરોડ બનાવવા, ઝાંઝરડા ચોકડી બાજુ ફાયર સ્ટેશન બનાવવા, નવા વિકસિત વિસ્તારોમાં અધિકૃત શાક માર્કેટ બનાવવાની જરૂર છે જેથી ટ્રાફિક સમસ્યા હલ થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...