રજૂઆત:આવકના દાખલા માટે કેન્દ્ર ફાળવો : કલેકટર

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવકના દાખલા, જાતીના દાખલા કઢાવવા માટે મોટી સંખ્યામાં અરજદારોનો ધસારો
  • ત્રણ કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રિન્ટર ફાળવો : મામલતદાર

આવકના દાખલ કાઢવામાં તાલુકા સેવા સદન ખાતે વધુ કેન્દ્ર ફાળવવા માટે જિલ્લા કલેક્ટરે મામલતદારને પત્ર લખી આદેશ કર્યો હતો. સામે મામલતદારે આ માટે ત્રણ કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રિન્ટર ફાળવવા રજૂઆત કરી છે. આ અંગે મળતી વિગત મુજબ, મામલતદાર કચેરી ખાતે આવકના દાખલા, જાતીના દાખલા કઢાવવા માટે મોટી સંખ્યામાં અરજદારોનો ધસારો હોય છે. પરિણામે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યાના આંશિક ઉકેલ માટે અને તંત્રને મદદરુપ થવાના આશયથી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઇ રાવલે જિલ્લા કલેક્ટર રચિત રાજને પત્ર પાઠવ્યો હતો. પત્રમાં ટ્રસ્ટની સેવાકીય કાર્ય માટે સેન્ટર ફાળવવા તેમજ આ કાર્ય યોગ્ય રીતે થાય તે માટે બે વેરિફિકેશન અધિકારીની નિમણૂંક કરવા રજુઆત કરી હતી. આ રજૂઆતના સંદર્ભે જિલ્લા કલેક્ટર રચિત રાજે મામલતદારને પત્ર પાઠવ્યો હતો.

આ પત્રમાં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટની સેવાકાર્ય માટે આવકનો દાખલો, જાતિનો દાખલો કાઢવા સેન્ટર ફાળવવા જે રજૂઆત આવેલી છે તે ઉપરાંત આ કાર્ય માટે બે વેરીફિકેશન અધિકારીની નિમણૂંક કરવા અંગે નિયમાનુસાર કાર્યવાહી કરવા જણાવાયું હતું. દરમિયાન આ અંગે મામલતદારે જણાવ્યુ હતુ કે હાલ એટીવીટી શાખામાં બે કોમ્પ્યુટર પ્રિન્ટર સેટ છે.

અને તે સિસ્ટમ જૂની હોય બરાબર ચાલતી નથી. જેથી નવી સિસ્ટમ ફાળવવા જાણ કરવામાં આવી છે. સરકારની ગાઇડલાઇન મુજબ અરજીઓનો રોજે રોજ નિકાલ થઇ શકે તે હેતુ થી મામલતદાર કચેરી ખાતે એટીવીટીમાં ત્રણ કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રિન્ટર ફાળવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...