જૂનાગઢમાં મૃત થયેલી ગાયની અંતિમ વિધી પહેલા ચામડી કાઢીને દફનવીધી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દૂ પરિષદે મનપાના કમિશ્નરને રજૂઆત કરી છે. તેમજ આ ઘટનાને લઈ રોષ વ્યક્ત કરીને આવું કૃત્ય કરનારની સામે આકરા પગલા ભરવાની માંગ કરી હતી.
ગાયનું ચામડું ઉતારી નવાગામ દફનાવવા લઇ જવાતા હોવાના આક્ષેપ
જૂનાગઢ શહેરના ગીરીરાજ વિસ્તારમાં સ્થાનીક ગૌ પ્રેમીને ગાયના અવસાનની જાણ થતા તેઓએ મહાનગર પાલિકાને જાણ કરી હતી. જેથી મનપા દ્વારા ગાયના મૃત શરીરને ઉપાડવા માટે એક કર્મચારીને મોકલવામાં આવ્યો હતો. જે કર્મચારી આવી પહોંચતા સ્થાનીક ગૌ પ્રેમીઓએ આ ગાયનું અવસાન બાદ શું કરવામાં આવે છે ? કઇ રીતે ગાયની અંતિમ વીધી કરવામાં આવે છે? એવા પ્રશ્નો પુછ્યા હતા. જેથી કર્મચારીએ જણાવ્યું કે, મરેલી ગાયનું ચામડું ઉતારી તેને નવાગામ દફનાવવા લઇ જવાય છે.
ગૌ પ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠયો
કર્મચારી દ્વારા ગાયનું ચામડું ઉતારવાનું કહેતા ગૌ પ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. આ બાબતે સ્થાનીકોએ વિશ્વ હિન્દુ પરીષદ અને ધારાસભ્ય સંજય કોરડીયાને જાણ કરી હતી. જેથી ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાએ તુરંત જ મહાનગરપાલીકાના અધીકારીને ફોન કરી કર્મચારી તેમજ સ્થાનીક ગૌ પ્રેમી સાથે કોન્ફરન્સ કોલમાં ચર્ચા કરી અને આ ઘટનાની પુષ્ટી કરી હતી. જે બાદ મહાનગરપાલિકાના અધિકારી થોડા ગભરાઈ ગયા અને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જોકે, ગૌ પ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠયો છે.
ત્રણ દિવસની મુદતમાં આ તપાસ પુર્ણ કરવાની માંગ
આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને આક્ષેપ સાથે રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, આ કૃત્ય કરનાર કોણ છે એની અલગથી કમીટી બનાવી નિષ્પક્ષ તપાસ થવી જોઇએ તેવી માગ કરી હતી. તેમજ મહાનગર પાલીકા દ્વારા જે ઇજારો આપેલો છે જેમાં શું સ્પષ્ટ કરેલી છે તેની પણ તપાસ થવી જોઇએ. આ કૃત્ય પાછળ જે પણ અધિકારીનું નામ સંડોવાયેલું હોય તેને સસ્પેન્ડ કરી તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ ઉઠી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રણ દિવસની મુદતમાં આ તપાસ પુર્ણ કરવાની માંગ કરી છે.
જવાબદાર વ્યક્તિ પર કાયદેસર પગલાં લેવાશેઃ મનપા અધિકારી
આ ઘટનાને લઈ મનપાના સફાઈ અધિકારી ટોલિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મૃત ગાયને લઈ યુવનગર ખાતે આવેલા ડમ્પિંગ સ્ટેશન ખાતે દાટી દેવામાં આવે છે. પરંતુ આ જે ઘટના બની છે તે બાબતે જૂનાગઢ કમિશનરે કહ્યું કે, જે પણ જવાબદાર વ્યક્તિ હશે તેના પર કાયદેસર પગલાં લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.