જૂનાગઢના એડવોકેટ પ્રવિણભાઇ ડાયાભાઇ ચુડાસમાએ કમીશ્નરને પાઠવેલા પત્રમાં એવો આક્ષેપ કર્યો છે કે, મનપામાં દોઢ વર્ષથી સખી મંડળ ચાલે છે. જેમાં 300 બહેનો કામ કરે છે. અને તેમને મહિને રૂ. 7100 પગાર અપાય છે.
વોર્ડ નં. 9 ની સેનીટેશન ઓફિસ મેયરના ઘર પાસે છે. જ્યાં કાવેરી સ્વ સહાય જૂથ કામગીરી કરે છે. આ સખી મંડળ શરૂ થયું ત્યારથી મેયરના પુત્રવધૂ ચીત્રાબેન પ્રશાંતભાઇ પરમાર કામે આવતા નથી. આમ છત્તાં તેની દર મહિને હાજરી પુરાઇ જાય છે. અને ઘેરબેઠા પૂરો પગાર લે છે. આ ઉપરાંત તેમના પુત્રવધુનું ડી. જી. નાકરાણીના કોન્ટ્રાક્ટમાં પણ નામ છે. ત્યાં પણ કામ નથી કરતા અને ઘેરબેઠાં પગાર મેળવે છે.
આજ સખી મંડળમાં જયશ્રીબેન પ્રફૂલભાઇ પરમાર મેયરના દેરના પત્ની છે. એ પણ કામે આવતા નથી છત્તાં ઘેરબેઠા પગાર મેળવે છે. તો મધુવંતી સ્વ સહાય જૂથમાં કમળાબેન કમલેશભાઇ ચુડાસમા પણ કામે નથી આવતા અને હાજરી પુરાઇ જવા સાથે પગાર મેળવે છે. મેયરના પતિ સગાઓની ઘેરબેઠા હાજરી પુરવા એસઆઇ તેમજ પટ્ટાવાળાને દબાણ કરે છે. જે બહેનો ખરેખર કામ કરે છે તેમના હાથમાં મહિને રૂ. 3 થી 4 હજારનોજ પગાર આવે છે. આ અંગે તપાસ કરીને પગલાં લેવા માંગ કરી છે.
આખી વાત મનઘડંત અને પાયાવિહોણી: મેયરના પતિ
મેયરના પતિ મોહનભાઇ પરમારે કહ્યું છેકે, પ્રવિણભાઇએ છ માસ પહેલાં પણ આવી મનઘડંત ફરિયાદ કરી હતી. તેને મનઘડંત આક્ષેપોની ટેવ હોઇ કલેક્ટરે તો તેને બ્લેક લિસ્ટ કર્યો છે. એણે તો તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને છેક પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સામે પણ ફરિયાદ કરી છે. તેની અમારી સામેની ફરીયાદ સદંતર વજૂદ વિનાની અને મનઘડંત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.