વધુ એક પેપર ફૂટ્યું?:સમાજ કલ્યાણ અધિકારીની પરીક્ષામાં પેપરનું સીલ તૂટેલું હોવાના આક્ષેપ; ​​​​​​​3-3.50 ઇંચ સીલ તૂટેલું, રોજકામ કર્યું 2.5 ઇંચનું!; પ્રૂફ આપવાની ના!

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જૂનાગઢની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ઉમેદવારોએ હોબાળો મચાવ્યો

જૂનાગઢમાં લેવાયેલ સમાજ કલ્યાણ વર્ગ 3ની પરીક્ષામાં પેપરનું સીલ તુટેલું હોવાના આક્ષેપ સાથે પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે, હોબાળાની જાણ થતા દોડી આવેલા ઉચ્ચ અધિકારીએ મામલો યેનકેન રીતે થાળે પાડ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ સ્વામિ વિવેકાનંદ સ્કૂલમાં રવિવાર 15 મેએ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3ની પરીક્ષા યોજાઇ હતી.

પરીક્ષા દરમિયાન પેપરનું સીલ તૂટેલું હોવાનું જણાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. એક વિદ્યાર્થીનીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, પેપરનું સીલ 3 થી 3.50 ઇંચ જેટલું તૂટેલું હતું. પરિણામે પરીક્ષાર્થીઓએ સહિ ન કરી. આ મામલે સુપરવાઇઝરને જાણ કરી. તેમણે પ્રિન્સીપાલને જાણ કરી અને તેમણે જાણ કરતા ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા. બાદમાં રોજકામ થયું. જોકે પેપરનું સીલ 3.50 ઇંચ તૂટેલું હતું, જ્યારે રોજકામ 2.50 ઇંચનું કરાયું!

આ અંગે પ્રુફ આપવાનું કહ્યું તો અધિકારીએ ના પાડી દીધી અને કહ્યું કે, પંચાયતમાંથી કે આરટીઆઇ કરીને જાણી લ્યો!! અધિકારીએ પેપરલીકનો બચાવ કરતા કહ્યું હતું કે, આટલામાંથી પેપર થોડું નિકળે?! ત્યારે આવો બચાવ મજબૂતીથી ઉભો રહે તે માટે જ 3.50 ઇંચના બદલે 2.5 ઇંચ જ પેપરનું સીલ તૂટેલું હોવાનું રોજકામ તો કરાયું નથી ને? તેવો સવાલ પરીક્ષાર્થીઓમાં ઉઠવા પામ્યો છે.

અધિકારીનો ફોન નો રિપ્લાય!!
આ મામલે સાચી હકિકત શું છે તે જાણવા માટે ડેપ્યુટી ડીડીઓનો 2 કલાકમાં જુદા જુદા સમયે 3 થી વધુ વખત સંપર્ક કરાયો હતો પરંતુ તેમનો ફોન રિસીવ થયો ન હતો. એટલું જ નહિ બાદમાં સામેથી ફોન કરી વિગત જણાવવાની તસ્દી પણ લીધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...