છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીઘે લોકો જકળાઇ ઘરમાં રહ્યા હતા. દરમિયાન ચાલુ વર્ષે કોરોના તળીયે હોવાથી દિવાળીના તહેવારોને મનભરીને માણવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. આજે ઘનતેરસથી શરૂ થયેલ પર્વના દિવસો દરમિયાન જીલ્લામથક વેરાવળની બજારોમાં લોકોની ભારે ભીડભાડ જોવા મળી રહી છે. શહેરની બજારોમાં છેલ્લા અઠવાડિયાથી ખરીદી અર્થે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વર્તમાનમાં વઘી ગયેલ મોંઘવારી વચ્ચે પણ લોકોમાં મર્યાદિત બજેટમાં ખરીદી કરી દિવાળી પર્વની ઉજવણી કરવાનો ઉમંગ જોવા મળી રહ્યો છે.
દિવાળી જેવા તહેવારના સમયે લોકો મોંઘવારી અને કોરોનાને ભુલી જઇ પાંચ દિવસ તહેવારની ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. વેરાવળની મુખ્ય બજાર સુભાષ રોડ, ખોજાખાના રોડ, સટાબજાર, તપેશ્વર મંદિર રોડ, ટાવરચોક, ગૌરવપથ રોડ, એસટી રોડ સહિતની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોનાકાળાના બે વર્ષના લાંબા સમયગાળા બાદ બજારોમાં ઉમટી રહેલ લોકોની ભીડના કારણે વેપારીઓના ચહેરા પર પણ ચમક જોવા મળી રહી છે. દિવાળીનો દિવસ નજીક આવી રહ્યો હોવાથી છેલ્લા આઢેક દિવસથી શહેરની બજારોમાં ખરીદી અર્થે ઉમટતા લોકોની સંખ્યામાં વઘારો થઇ રહયો છે. ખાસ કરીને રેડીમેઇડ કપડા, બુટ-ચંપ્પલ, કટલેરી-હોઝીયરી, નાસ્તા સહિતના વેપારમાં સારી એવી ઘરાકીનો માહોલ પ્રર્વતેલ જોવા મળી રહયો છે. તો મોબાઇલ અને ઇલેકટ્રોનીક ગુડઝની બજારમાં દિવળીના તહેવારોને લઇ હોવી જોઇતી ઘરાકી ન હોવાનો માહોલ પણ જોવા મળી રહયો છે.
લોકો મર્યાદીત બજેટમાં ખરીદી કરી રહયા છે..
વેરાવળની બજારોના માહોલ અંગે લેડીઝ વેરનો શોરૂમ ઘરાવતા વેપારી અનીષ રાચ્છે જણાવેલ કે, બે વર્ષ બાદ ચાલુ વર્ષે દિવાળીના તહેવારોના સમયે બજારોમાં લોકોની નોંઘપાત્ર ચહલ-પહલ જોવા મળી છે. કોરોનાની અસર કયાંક લોકોની ખરીદ શકિત ઉપર વર્તાતી જોવા મળી છે. ચાલુ વર્ષે લોકો મર્યાદિત બજેટમાં ખરીદી કરી રહ્યા છે. જેમ કે કોરોના અગાઉ દિવાળી પર્વે લોકો મિનિમમ ત્રણથી ચાર જોડી કપડા લેતા હતા. જે ચાલુ વર્ષ એકથી બે જોડી લઇ રહયા છે. એમ લોકોની ખરીદ શકિત ઘટી હોવા છતાં બજારોમાં ખરીદીના માહોલથી બજાર ઘબકતી થઇ છે. ખાસ આપણા વિસ્તારના રેડીમેઇડ કપડા વ્યવસાયને અોનલાઇન માર્કેટની જરા પણ અસર થઇ નથી જે સૂચક માની શકાય. લોકોમાં પણ દિવાળીના તહેવારની ઉજવણી કરવાનો એક ઉત્સાહ જોવા મળી રહયો છે. બજારોમાં લોકો હાઇફાઇના બદલે લો બજેટમાં મોટાપાયે ખરીદી કરી રહ્યા છે.
બે કારણોસર મોબાઇલનો વેપાર અપેક્ષા કરતા અડઘો
જયારે મોબાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પાસેથી જાણવા મળ્યા મુજબ દર વર્ષે દિવાળીના તહેવારોમાં લોકો મોટાપાયે મોબાઇલની ખરીદી કરતા હોય છે. આ તહેવારોના દિવસો દરમ્યાન મોબાઇલના વ્યવસાયમાં નોંઘપાત્ર તેજી પણ જોવા મળે છે. દરમ્યાન એક ચાલુ વર્ષે ભારે વરસાદ બાદ મગફળીના પાકોને નુકસાન થવાની સાથે તે પાક બજારમાં વેંચાણ અર્થે પહોચ્યો ન હોવાથી ખેડૂતવર્ગ મુશ્કેલીનો સામનો કરી રહયો છે. બીજુ માછીમારીની સીઝનની નબળી શરૂઆતના લીઘે દરીયાઇ પટીના શહેરોની બજારમાં તેની અસર વર્તાય રહી છે. આ બંન્ને કારણોસર મોબાઇલોનું દિવાળી પર્વે થવુ જોઇતુ વેંચાણ સામે ચાલુ વર્ષે અડઘુ થઇ રહયુ છે. જો કે હજુ લાભપાંચમ પછી પણ મોબાઇલમાં ખરીદીનો માહોલ જોવા મળશે તેવો આશાવાદ વેપારીઓએ વ્યકત કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.