ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જૂનાગઢ આરટીઓ કચેરીમાં એજન્ટોનું રાજ, એજન્ટ વગર કોઇ કામ સમયસર થતા નથી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટર નેશનલ ડ્રાઇવિંગ પરમીટ 3ના બદલે 10 દિવસે પણ નથી મળતી
  • અધિકારીઓ પણ સમયસર હાજર રહેતા નથી, 10નો સમય હોવા છત્તાં 11:15 સુધી કચેરી ખાલી ખમ રહે છે

શહેરના ખામધ્રોળ રોડ સ્થિત આરટીઓ કચેરીમાં એજન્ટોનું રાજ ચાલતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એજન્ટ વગર કોઇ પણ કામ સમયસર રીતે થતા નથી. વળી સ્ટાફની મોડા આવવાની કુટેવ પણ જોવા મળી રહી છે. પરિણામે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે અતુલભાઇ શેખડાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ આરટીઓ કચેરીમાં એજન્ટોનો ભારે દબદબો રહે છે. કોઇપણ કામ સમયસર કરાવવું હોય તો એજન્ટોનો સંપર્ક કરવો પડે છે. જો એજન્ટ વગર ડાયરેક્ટ કામ માટે જાવ તો આ કામગીરી જાણી જોઇને લોચે ચડાવી દેવાય છે. પરિણામે અજદારોને અનેક ધક્કા ખાવા પડે છે અને કામ ન થતા હારી થાકીને એજન્ટોનો સહારો લેવા મજબૂર બને છે.

અતુલભાઇ શેખડાએ વધુમાં જણાવ્યું હતું કે, અહિં કુલ 43 પ્રકારની કામગીરી કરવામાં આવે છે. સાથે આ કામગીરી કેટલા સમય- દિવસમાં કરવાની હોય છે તેનું લીસ્ટ પણ છે. જોકે, આ લીસ્ટ માત્ર જગ્યા રોકવાનું કામ કરે છે. લીસ્ટમાં જણાવ્યા સમય- દિવસો મુજબ કોઇ કામગીરી થતી નથી. મારી વાત કરૂં તો મારે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ કઢાવવી હતી.

આ માટેનો સમય લીસ્ટમાં જણાવ્યા મુજબનો 3 દિવસનો છે. છત્તાં 10 દિવસે પણ કામ થતા નથી. એટલું જ નહિ ઓફિસનો ટાઇમ 10 વાગ્યાનો છે છત્તાં 11:15 સુધી ઓફિસ ખાલીખમ જોવા મળી હતી. સ્ટાફને સમય મળે ત્યારે આવે છે અને મનથાય ત્યારે જતો રહે છે. જાણે કોઇ રોકવા કે ટોકવા વાળું જ ન હોય. પરિણામે અજરદારો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ત્યારે આરટીઓમાં ચાલતા પોપાબાઇના રાજને અટકાવવા જરૂરી પગલાં લેવાની તાતી જરૂરિયાત છે.

અધિકારીઓના આંખ મિચામણાં આરટીઓમાં એજન્ટ વગર સમયસર કામ થતા નથી તે જગજાહેર વાત છે. તેમ છત્તાં આરટીઓના ઉચ્ચ અધિકારી આનાથી અજાણ હોય તેમ માની શકાય નહિ. ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ એજન્ટોના રાજ સામે આંખ મિચામણાં કરતા હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

આટલી કામગીરી કરવાની હોય છે
શિખાઉ લાયસન્સ, શિખાઉ ડ્રાઇવીંગ લાયસન્સ (પરિવહન માટે) લાયસન્સમાં ઉમેરો, પાકું ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા,ડ્રાઇવીંગ લાયસન્સ રિન્યુુ કરવા, ડ્રાઇવીંગ લાયસન્સની બીજી નકલ (ડુપ્લીકેટ) મેળવવા, ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમિટ મેળવવા,ડ્રાઇવીંગ લાયસન્સ પ્રમાણપત્ર-એનઓસી મેળવવા, ડ્રાઇવીંગ સ્કૂલનો પરવાનો આપવા બાબત(એમએસ),ડ્રાઇવીંગ સ્કૂલનો પરવાનો રિન્યુ કરવા, કન્ડકટરનું લાયસન્સ મેળવવા, રિન્યુ કરવા અને ડુપ્લીકેટ મેળવવા,નવા વાહનોની નોંધણી કરવા,વાહન તબદીલ કરવા,વાહનની ડુપ્લીકેટ આરસી બુક મેળવવા, વાહન રજીસ્ટ્રેશન રદ કરવા, વાહનમાં ફેરફાર કરવા,હરરાજીમાંથી ખરીદેલ વાહનોની તબદીલ કરવા, નેશનલ પરમિટ, ઓલ ઇન્ડિયા ટરિસ્ટ પરમિટ, હંગામી પરમિટ, સ્પેશ્યલ પરમિટ, ગુડ્ઝ કેરેજ પરમિટ, કોન્ટ્રાકટર કેરેજ પરમિટ, સ્ટેજ કેર પરમિટ,વાહન બિન વપરાશ મંજૂર કરવા, વાહનોની રીમુવલ પરમિશન મેળવવા, કર ભર્યાનું રિફંડ મેળવવા,પીયુસી સેન્ટરની માન્યતા, રિન્યુ કરવા, સીએનજી-એલપીજી કિટ માટેના સર્ટિફિકેટની માન્યતા સહિતની કુલ 43 કામગીરી કરવામાં આવે છે.

આક્ષેપો ખોટા છે
સ્ટાફ હાજર હોતો નથી તેવા આક્ષેપો ખોટા છે. હું પોતે 10:30 વાગ્યે ઓફિસમાં હાજર હતો. હાં ક્યારે ચેકીંગમાં ગયા હોય તો ઓફિસે મોડા પહોંચીએ તેવું બની શકે છે. જ્યારે એજન્ટોના હસ્તક્ષેપનો આક્ષેપ પણ ખોટો છેે. એજન્ટોને પ્રવેશ અપાતો નથી અને સ્ટાફને પણ સમયસર કામ કરવા માટેની કડક સૂચના છે.જો કામમાં મુશ્કેલી હોય તો મને મળીને રજૂઆત કરી શકે છે,યોગ્ય ઉકેલ લવાશે. જ્યારે ઇન્ટરનેશલ લાઇસન્સનો જે ઇશ્યુ થયો છે તેમાં ફોટા નોતા આવ્યા તેના કારણે પેન્ડીંગ હતું.
- યુ.બી. સોલંકી, એઆરટીઓ, જૂનાગઢ.

અન્ય સમાચારો પણ છે...