નેતાઓ, હવે તો બહાર આવો...:કોરોના બાદ વાવાઝોડામાં ફરી નેતાઓ ખોવાયા, ગામડાં નોધારાં, 12 કલાકથી વધુ સમયથી વીજળી ડૂલ, ગ્રામ્ય લોકોની ઉપર આભ, નીચે ધરતી જેવી સ્થિતિ

ઉના8 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
વેરાવળ નજીક ફર્નિચરના શો રૂમનાં પતરાં ઊડી ગયાં.
  • મંત્રીઓ જિલ્લા મથકે કચેરીમાં બેસી અધિકારીઓ સાથે કામ અંગે સમીક્ષા કરી રહ્યા છે

તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં તબાહી સર્જી દીધી હોય એવાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. ગઇકાલે સાંજથી શરૂ થયેલા તોફાની પવન અને વરસાદને કારણે ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એમાં પણ ગીર-સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર અને પ્રાચી આસપાસનાં ગામડાં સંપર્કવિહોણાં બન્યાં છે. કોરોના બાદ ફરી રાજકીય નેતાઓ ખોવાયેલા જોવા મળી રહ્યા છે. ગામડાં નોધારાં બન્યાં છે અને 12 કલાકથી વધુ સમયથી વીજળી ડૂલ થઇ ગઇ છે. ગ્રામ્ય વિસ્તારના લોકોની ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ફર્નિચરના શો રૂમમાંથી ગાદલાં ઊડી ગયાં
વેરાવળ-કોડીનાર વચ્ચે ફર્નિચરનો શો રૂમ ધરાવતા અલ્પેશભાઇ ઝાલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે શો રૂમના પતરાં ઊડી ગયાં છે અને અંદર રહેલો સામાન પણ પલળી ગયો છે. અંદાજે મારે 10થી 12 લાખનું નુકસાન થયું છે.

વીજપોલ ધરાશાયી થતાં વીજપુરવઠો ખોરવાયો.
વીજપોલ ધરાશાયી થતાં વીજપુરવઠો ખોરવાયો.

વેરાવળથી ઉના તરફ જતા મુખ્ય હાઇવે માર્ગ બંધ
દિવ્ય ભાસ્કરની ટીમ વેરાવળથી ઉના તરફ જતા રસ્તામાં આવતા પ્રાચી, કોડીનાર અને ઉના આસપાસનાં તમામ ગામોમાં રસ્તા પર વૃક્ષો, વીજપોલ, પતરાં, છત અને નાના વેપારીઓની કેબિન તોફાની પવનને કારણે ધરાશાયી થયેલી જોવા મળી હતી, જેને કારણે લોકોના ધંધા-રોજગાર પર પણ મોટી અસર પહોંચી છે.

ઉનાના ગામડાંમાં સૌથી વધુ નુકસાન થયું.
ઉનાના ગામડાંમાં સૌથી વધુ નુકસાન થયું.

મંત્રીઓ જિલ્લા મથકે કચેરીમાં બેસી સંકલન કરે છે
રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાના નિરીક્ષણ અને તંત્ર સાથે સંકલન માટે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જોકે પ્રભારી મંત્રીઓ જિલ્લા મથકે કચેરીમાં બેસી અધિકારીઓ સાથે કામ અંગે સમીક્ષા કરી રહ્યાં છે, પરંતુ ગ્રામ્ય વિસ્તાર સુધી પરિસ્થિતિનો ચિતાર મેળવવા પહોંચ્યા નથી. જો ખરા અર્થમાં મંત્રીઓ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી પરિસ્થિતિનો ચિતાર મેળવે તો તંત્ર સાથે તાલમેલ કરી ઝડપથી પરિસ્થિતિ કાબૂમાં લાવી શકાય તેમ છે.

રસ્તાઓ પર વીજપોલ ધરાશાયી થયેલા જોવા મળ્યા.
રસ્તાઓ પર વીજપોલ ધરાશાયી થયેલા જોવા મળ્યા.

વેરાવળથી ઉના હાઇવે પર વિનાશ વેર્યો
હાલ ઉના તાલુકા આસપાસનાં અનેક ગામો સંપર્કવિહોણા થયાં છે, જેમાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. વેરાવળથી ઉના હાઇવે પર રસ્તા પર વૃક્ષો, વીજપોલ, છત અને પતરાં તૂટેલાં નજરે પડ્યાં હતાં, જેને કારણે ગઇકાલે રાત્રિના 8 વાગ્યાથી વીજપુરવઠો ખોરવાયો છે.

અન્ય સમાચારો પણ છે...