બેઠક:જૂનાગઢમાં કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવી પરીક્ષા પાસ કરે એજ એન્જીનિયર નકશા પાસ કરી શકશે !!

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 350થી વધુ રજીસ્ટ્રર અને 1,000થી વધુ અન્ય સિવીલ એન્જીનિયરો પર નવા કાયદાની લટકતી તલવાર
  • સિવીલ એન્જીનિયરોએ નવા કાયદાને કાળો કાયદો ગણાવી વિરોધ કર્યો
  • કાયદાની અમલવારી થાય તો માત્ર 5 ટકા જ એન્જીનિયરો પ્રેક્ટિસ કરી શકશે, બાકીનાને બેરોજગાર થવાની સંભાવના

જૂનાગઢ ખાતે જીસીપીસીઇના નવા કાયદાના વિરોધમાં સિવીલ એન્જીનિયરોની બેઠક મળી હતી. આ બેઠકમાં નવા કાયદાને કાળો કાયદો ગણાવી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ ગુજરાત કાઉન્સિલ ઓફ પ્રોફેશનલ સિવીલ એન્જીનિયર્સ દ્વારા રાજ્યભરના સિવીલ એન્જીનિયરો માટે નવો કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદાની જોગવાઇ મુજબ જૂના અને નવા તમામ એન્જીનિયરોએ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવી તે કાઉન્સિલની પરીક્ષા ફરજીયાત પાસ કરવાની રહેશે.

હાલમાં ચાલતા જે તે સત્તા મંડળના લાયસન્સ રદ્દ કરવામાં આવશે અને ફક્ત કાઉન્સિલની પરીક્ષા પાસ કરેલા એન્જીનિયરો જ નકશા પાસ કરાવી શકશે અને પ્રેક્ટિસ કરી શકશે!! ત્યારે આ કાયદાની અમલવારી થાય તો રાજ્યના તમામ સિવીલ એન્જીનિયરોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના 350થી વધુ રજીસ્ટ્રર અને 1000 જેટલા અન્ય સિવીલ એન્જીનિયરો પર નવા કાયદાની લટકતી તલવાર રહેશે. માટે સિવીલ એન્જીનિયરોએ નવા કાયદાને કાળો કાયદો ગણાવી તેનો વિરોધ કર્યો છે. દરમિયાન જૂનાગઢ ખાતે સિવીલ એન્જીનિયર એસોસિએશનની એક બેઠક મળી હતી.

એસોસિએશન પ્રમુખ વિનુભાઇ અમિપરાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સિનીયર સભ્ય જે.એન.પોશિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સિવીલ એન્જીનિયર હરેશભાઇ પણસારા, સુરેશ બદરકિયા, હિતેશભાઇ ચુડાસમા, ગિરીશભાઇ કણસાગરા, જીજ્ઞેશભાઇ ભીમજીયાણી, ઇસ્માઇલ દલ, મુકેશભાઇ આરદેશણા, રાજ્યગુરૂભાઇ, હિતેષભાઇ ગજ્જર, હરગોવિંદભાઇ ચૌહાણ વગેરેએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

ખાસ કરીને જે.એન. પોશિયાએ જણાવ્યું હતું કે, જો આ કાયદાની અમલવારી થાય તો માત્ર 5 ટકા એન્જીનિયરો જ પ્રેક્ટિસ કરી શકશે અને બાકીના એન્જીનિયરો બેકાર થઇ જશે. જ્યારે હરેશભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, અસહકારની લડતમાં અને સરકારમાં પ્રશ્નોની રજૂઆતમાં હું તમામ એન્જીનિયરોની સાથે છું. જ્યારે અધ્યક્ષીય સંબોધન કરતા વિનુભાઇ અમિપરાએ જણાવ્યું હતું કે, આ કાયદાને રદ કરાવવા રાજ્યના તમામ એન્જીનિયરોને સાથે લઇને ગાંધીચિંધ્યા માર્ગે અસહકારની લડત કરીશું.

રજીસ્ટ્રર 350 અને અન્ય 1,000થી વધુ એન્જીનિયરો છે
જૂનાગઢ શહેરમાં 150 અને જિલ્લામાં 200થી વધુ મળી કુલ 350 જેટલા રજીસ્ટ્રર સિવીલ એન્જીનિયરો છે. જ્યારે રજીસ્ટ્રર થયેલા ન હોય તેવા 1,000થી વધુ સિવીલ એન્જીનિયરો છે જેને આ કાયદાથી મુશ્કેલી ઉભી થાય તેમ છે.

લાયસન્સ વિનાના એન્જીનિયરોને પણ લાગુ પડે છે
આ નવો નિયમ માત્ર લાયસન્સ વાળા સિવીલ એન્જીનિયરોને જ નહિ લાયસન્સ વિનાના એન્જીનિયરોને પણ લાગુ પડે છે. આમ, તમામ એન્જીનિયરો માટે આ નવો કાયદો મુશ્કેલી ઉભી કરશે.

કાયદા સામે આ રીતે લડત કરાશે
આ કાયદાને રદ કરાવવા માટે જૂનાગઢ એન્જીનિયર એસોસિએશનએ જે તે સત્તા મંડળને આવેદન આપવા, કોઇએ પણ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન ન કરાવવા, સમગ્ર રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાના એન્જીનિયરો ભેગા મળી ગાંધીનગર ખાતે રજૂઆત કરવા અને જરૂર પડ્યે આ કાયદાને રદ કરવા માટે સરકાર સામે ધરણાં, ઉપવાસ આંદોલન વગેરે કરવા નિર્ણયો કર્યા
છે. - વિનુભાઇ અમિપરા, પ્રમુખ, સિવીલ એન્જીનિયર એસોસિએશન.

અન્ય સમાચારો પણ છે...