તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામડાઓમાં બેકાબૂ કોરોના:સોરઠના ગામડામાં એકને કોરોના બાદ આખું ઘર કોરોનાગ્રસ્ત, બહારગામથીજ કોરોના ગામમાં આવ્યો

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • દિવ્યભાસ્કરે સોરઠના 16 તાલુકાના 11 ગામના લોકો સાથે કરી વાત

સોરઠના ગામડાઓમાં કોરોના વકર્યો છે. મોટા શહેરોમાંથી ટ્રાન્સમીશન થયાનું દિવ્ય ભાસ્કરે 16 તાલુકાના 11 ગામના લોકો સાથે વાત કરી હતી. જેમાં દરેક કિસ્સામાં કોરોના એક યા બીજી રીતે બહારગામ જવાને લીધે અથવા ત્યાંથી ઘરનું કોઇ સભ્ય આવવાને લીધે એકને કોરોના લાગુ પડ્યા બાદ આખા ઘરને ચેપ લાગ્યાનું બહાર આવ્યું છે. સ્વજનની તબિયતને લીધે તેની સાથે હોસ્પિટલે રોકાયા બાદ કોરોના લાગુ પડ્યા હોય એવા કિસ્સા પણ અનેક જોવા મળ્યા છે. ટૂંકમાં ગામડામાં જેમને કોરોના લાગુ પડ્યો છે એ તમામની પાછળ ટ્રાવેલ હિસ્ટ્રી જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

બહારગામથી આવતા વેપારીઓ કોરોના લગાડી ગયા
મારે બુટ-ચંપલની દુકાન છે. અને અમદાવાદ-જૂનાગઢથી વેપારીઓ આવતા હોય છે. તો ઘરાકી પણ રહેતી હોઇ એમાંથી ચેપ લાગ્યો. શરૂઆતમાં તાવ સાથે માથું દુખ્યું. એટલે રિપોર્ટ કરાવતાં પોઝિટીવ હોવાની ખબર પડી. જોકે, મને ફક્ત હોમ ક્વોરન્ટાઇન જ કર્યો છે. - નિલેશભાઇ હરિભાઇ ઝાલા, ઘંટિયા, તા. સુત્રાપાડા

જૂનાગઢ એક દિવસ હોસ્પિટલે રહ્યા એમાં ચેપ લાગ્યો
મારા મોટા બાપુજીની તબિયત બરાબર ન હોવાથી જૂનાગઢ હોસ્પિટલે ખસેડ્યા હતા. ત્યાં તેમની સાથે એક રાત રોકાવાનું થયું. પછી પાછા આવ્યા તો બીજા દિવસે શરદી-ઉધરસ થયા. ઘરના એક સભ્યને પોઝિટીવ આવતાં બધાના રિપોર્ટ કરાતાં મને પણ પોઝિટીવ આવ્યો. -વિવેક મનસુખભાઇ ડામસિયા, કાલસારી, તા. વિસાવદર

જૂનાગઢ ખરખરાના કામે ગયા અને કોરોના લાગ્યો
શુક્રવારે રાત્રે અમે જૂનાગઢ ખરખરાના કામે ગયા હતા. ત્યાંથી બીજે દિવસે રાત્રે પાછા આવ્યા. એજ રાત્રે તાવ આવ્યો. એટલે રવિવારે ઊના ખાનગી હોસ્પિટલે બતાવ્યું. ત્યાંથી કોરોનાનો રિપોર્ટ કરાવવા કહ્યું. તો બીજા દિવસે દેલવાડા સીએચસીમાં રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટીવ આવ્યો. - કલ્પેશભાઇ બ્રહ્મભટ્ટ, દેલવાડા, તા. ઊના

હું તો ગામમાંથી ક્યાંય બહાર નથી ગયો, છત્તાં પોઝિટીવ
વંથલી તાલુકાના શાપુરનો એક યુવાન કહે છે, હું તો ગામમાંથી ક્યાંય બહાર નથી ગયો. ગામમાંજ ફરતો હતો. ખાલી તાવ આવતો હતો. અને ડોક્ટરે કહ્યું એટલે રિપોર્ટ કરાવ્યો. એમાં રેપિડ ટેસ્ટમાં બે વાર નેગેટિવ આવ્યો. પછી લોહી અને સિટી સ્કેન કરાવ્યું તેમાં રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જોકે, હવે તો ઘણું સારું છે.

ગોરપદું કરું છું, પણ ક્યાંથી ચેપ લાગ્યો એની ખબર નથી
હું કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુરમાં રહું છે. મને, મારા મોટાભાઇને, પિતાને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. પણ કેવી રીતે એની ખબર નથી. અમે ગોરપદું કરીએ છીએ. આથી કદાચ કથામાં અથવા કોઇ જોવડાવવા આવ્યું હોય તો કદાચ એમાંથી પણ લાગ્યો હોઇ શકે. અત્યારે તો ક્વોરન્ટાઇન થયા છીએ.

કોરોનાની સારવાર દરમ્યાન મગજમાં હેમરેજથી મોત
સુરત રહેતા મેંદરડા સામાકાંઠાના વતની મહેશભાઇ જગુભાઇ પાનસુરિયા થોડ દિવસ પહેલાંજ મેંદરડા આવ્યા. 2 દિ પછી ઉધરસ ઉપડી. આથી કોરોનાની ટ્રીટમેન્ટ માટે જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા. તો કોરોનાની 5-6 દિવસની સારવાર દરમ્યાન જ તેમને મગજમાં હેમરેજ થતાં મૃત્યુ થયું.

રાજકોટ હોસ્પિટલમાં 2-3 દિ રોકાયો એમાં ચેપ લાગ્યો
માળિયા હાટીના તાલુકાના ગડુનો એક 38 વર્ષિય યુવાન રાજકોટ સગાને હોસ્પિટલમાં દાખલ કર્યા હોઇ ત્યાં બે થી ત્રણ દિવસ રોકાયો હતો. ત્યાંથી આવ્યા બાદ સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણો દેખાતાં રિપોર્ટ કરાવ્યો. તો કોરોના પોઝિટીવ આવ્યો. જોકે, તેની કોઇ ગંભીર અસર નથી. પણ આ લક્ષણ વિનાનો પોઝિટીવ છે એમ ડોક્ટરે કહ્યું.

વિસાવદર ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાનો ચેપ લાગ્યો
હું મારા સગાને લઇને વિસાવદર એક ખાનગી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેની સારવાર માટે ત્યાં રોકાયા હતા. અને ત્યાંથી આવ્યા બાદ બે ત્રણ દિવસે મારી તબિયત પણ બગડી. એટલે રિપોર્ટ કરાવ્યો તો તેમાં કોરોના પોઝિટીવ આવ્યો. એટલે હોમ ક્વોરન્ટાઇન થયો છું. -વિપુલભાઇ છગનભાઇ કાવાણી, જિ.પં. ઉપપ્રમુખ, વાજડી, તા. વિસાવદર

જૂનાગઢથી પાછા આવ્યા અને ઘરમાં બધાંની તબિયત બગડી
અમે પરિવારજનો જૂનાગઢ સગાંને ત્યાં આવેલા. પાછા આવ્યા બાદ તાવ, માથાનો દુ:ખાવો અને શરીરમાં કળતર થવા લાગ્યું. મારા મમ્મી-પપ્પાને પણ તકલીફ થઇ. આથી ટેસ્ટ કરાવ્યો. તો બધાને કોરોના પોઝિટીવ આવ્યો. મમ્મી-પપ્પાએ તો કોરોનાની રસી પણ લીધી છે. -સમીક્ષાબેન, કાણેક, તા. માળિયા હાટીના

અમદાવાદથી આવ્યા ને સીધા ક્વોરન્ટાઇન થવું પડ્યું
અમદાવાદ નોકરી કરતી એક વ્યક્તિ વેરાવળ તાલુકાના એક ગામડાના વતની છે. તે નોકરીમાં રજા મૂકીને ગામડે આવ્યા. પણ બસમાંથી ઉતરીને ઘેર જતાં પહેલાં કોરોના રિપોર્ટ કરાવવા વેરાવળ સરકારી હોસ્પિટલે ગયા તો પોઝિટીવ રિપોર્ટ આવ્યો. જોકે, તેમને લક્ષણ વિનાનો કોરોના છે. એટલે હોમ ક્વોરન્ટાઇન થયા છે.

માણાવદરમાં કોરોના બોમ્બ ફુટ્યો, એક જ દિવસમાં 60 પોઝીટીવ કેસ નોંધાયા
હાલ રાજ્યભરમાં દિનપ્રતીદીન કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અને સોરઠ ભરમાં કેસોમાં ઉતરોતર વધારો થતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે માણાવદર શહેરમાં એક જ દિવસમાં 60 થી વધુ પોઝીટીવ કેસ નોંધાતા સમગ્ર પંથકમાં કાળો કેર વર્તાયો છે. માણાવદર ગામમાં એક જ દિવસમાં 60થી વધું કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. પરંતુ જોવા જેવી વાત એ છે કે સરકારી ચોપડે ઓછા કેસ બતવવામાં આવતા એક ચર્ચાનો વિષય બન્યો છે. જેની સામે કોરોના પોઝીટીવ લોકો શહેરમાં ખુલ્લે આમ હરતા ફરતા જોવા મળે છે. જેની સામે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેના લીધે પોઝીટીવ કેસોમાં ઉતરોતર વધારો થતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માણાવદરમાં કોરોના બોમ્બ ફુટતાં સ્થાનિકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ લોકોની માંગ છે કે પહેલાની જેમ કન્ટેન્મેન્ટ ઝોન અને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે જેથી અન્ય લોકોને સંક્રમીત થતાં અટકાવી શકાય. ઉપરાંત જ્યાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.

વડાલમાં સ્વૈચ્છિક લોકડાઉન મર્યાદિત કલાકો ખુલ્લી રહેશે
વડાલમાં ગ્રામ પંચાયત અને વેપારી એસોસિએશનની મિટીંગ મળી હતી. જેમાં સર્વાનુમતે એવું નક્કી થયું હતું કે, સવારે 7 થી 10 સુધી અને બાદમાં સાંજે 5 થી 8 દુકાન ખુલ્લી રાખી શકાશે. સવારે 10 થી સાંજે 5 સુધી તમામ દુકાનો બંધ રાખવાની રહેશે.

માળિયામાં વધુ 30 એન્ટીજન પોઝીટીવ કેસ નોંધાયા
માળિયા હાટીના છેલ્લા થોડા દિવસ થયા કોરોનાએ માજા મૂકી દિવસેને દિવસે કોરોનાના એન્ટીંજન્ટ દર્દીઓની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. બીજા દિવસે શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાં 30 જેટલા એન્ટીંજન ટેસ્ટ પોઝિટિવ નોંધાતા સ્થિતી વણસી છે.

ગ્રા.પં.ના સરપંચ નટુભાઈ સીસોદીયા, ચેમ્બર પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, ચેતનભાઈ પાલા દ્વારા આવતીકાલે એક મિટિંગનું આયોજન કરાયું છે. જેમાં આરોગ્ય તંત્રના સૂચન મુજબ આવતા દિવસોમાં કોરોનાના કેસમાં બઢતી અટકાવવા લેવા પડતા પગલાં માટે ચર્ચા કરી પ્રયાસો હાથ ધરાશે.

પુત્રના અસ્થિફૂલ પધરાવી હરિદ્વારથી પાછા આવતાં ચેપ લાગ્યો
ગયા વર્ષે પુત્રનું અકસ્માતે મૃત્યુ થયા બાદ તેના અસ્થિફૂલ પધરાવવા હું પત્ની સાથે હરિદ્વાર ગયો હતો. પાછા આવીને બીજાજ દિવસે સવારમાં ટાઢ ચઢી, માથું ભારે, આંખો લાલ હતી અને પાણી નિકળતા હતા. અમારા બંનેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જોકે, હવે જોકે, સારું છે. - કિશોરભાઇ શીલુ, હોમગાર્ડ, ભેંસાણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો