ગુજરાતમાં કચ્છ, જામનગર અને પોરબંદર બાદ હવે જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠેથી શંકાસ્પદ પેકેટો મળી આવતા ચકચાર મચી છે. આ પેકટોમાં ડ્રગ્સ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પોલીસે પેકેટની તપાસ માટે FSLમાં મોકલી આપ્યા છે. વધુ બિનવારસી પેકેટ મળવાની સંભાવનાના પગલે જૂનાગઢ પોલીસે દરિયાકાંઠઆ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢ પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા શંકાસ્પદ પેકેટ મળ્યા
જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગત મોડી સાંજથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસને મળેલી બાતમીને આધારે જૂનાગઢ એસ.ઓ.જી ની ટીમ દ્વારા આ ઓપરેશનને એક્ટિવ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા માંગરોળના નવી બંદર વિસ્તારમાં બનતી નવી જેટીના દરિયા કિનારા પાસેથી અર્ધ સળગેલી હાલતમાં બે પેકેટ અને બાકીના ચાર પેકેટ મળી કુલ છ પેકેટનો બિનવારસી હાલતમાં કબજે કર્યા હતા.
દરિયાકિનારાની તપાસ કરતા કુલ 39 બિનવારસી પેકેટ મળ્યા
દરિયા કિનારા વિસ્તારમાંથી શંકાસ્પદ પેકેટ મળી આવતા જૂનાગઢ પોલીસ સતર્ક બની ગઈ હતી અને દરિયાઈ સુરક્ષા કરતી એજન્સીઓને પણ સતત કરી દેવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને માંગરોળ, ચોરવાડ, શીલ સહિતના દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે પોલીસને ફરીથી 32 જેટલા શંકાસ્પદ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. કુલ 39 જેટલા પેકેટો અત્યાર સુધીમાં મળી આવ્યા છે આ અંગે પોલીસે એફએસએલને જાણ કરી અને આ નશીલો પદાર્થ ચરસ જ છે કે અન્ય કોઈ બીજી વસ્તુ તે અંગે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
શંકાસ્પદ પેકેટ પર કોફી કંપનીનું નામ
જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠેથી જે શંકાસ્પદ પેકેટ કબજે કરવામાં આવ્યા છે તેમાંના મોટાભાગના પેકેટ પર 'NABOB' નામની કોફી કંપનીનું નામ લખેલું છે. કોફીના ઓરિજિનલ પેકેટ છે કે, પછી પેકેટના રેપરનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ કરાયો છે. આ અંગે FSL તપાસ બાદ ખુલાસો થઈ શકશે.
જે શંકાસ્પદ પેકેટ મળ્યા છે તેમાં ચરસ હોવાની આશંકા- SP
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠેથી બાતમીના આધારે 8 પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દરિયાકાંઠાનું સર્ચ હાથ ધરતા કુલ 39 પેકેટ મળી આવ્યા છે. જૂનાગઢમાં આ રીતે શંકાસ્પદ પેકેટનો જથ્થો પ્રથમવાર મળી આવ્યો છે. આ પેકેટમાં ચરસ હોવાની આશંકા છે. FSLમાં તપાસ માટે શંકાસ્પદ પેકેટ મોકલી આપવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.