ધો. 12 સામાન્ય પ્રવાહના ટોપર્સમાં અત્યાર સુધી સામાન્ય રીતે સીએ અથવા એમબીએ થવાનો ઝોક વધુ રહ્યો છે. પણ આ વખતે ઘણાખરા વિદ્યાર્થીઓમાં યુપીએસસીની પરીક્ષાની તૈયારીનો ઝોક વધુ જોવા મળ્યો છે. જોકે, સીએ થવાની ઇચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓ ઓછા નથી. પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનો માહોલ ઉડીને આંખે વળગે એ રીતનો જોવા મળે છે. અને એ માટે તેઓ ગ્રેજ્યુએશનની સાથેજ યુપીએસસીની તૈયારી કરવા અમદાવાદમાં એડમિશન લેતા જોવા મળ્યા છે.
મારે ભવિષ્યમાં જીપીએસસીની પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર બનવું છે. મેં આખા વર્ષ દરમ્યાન 100 થી વધુ પેપર સોલ્વ કરેલાં. એસએસસીમાં મારો બોર્ડમાં 9 મો રેન્ક હતો અને હવે ધો. 12 માં 7 મો. હું સ્કુલ-ટ્યુશન ઉપરાંત 7 થી 8 કલાકની મહેનત કરતી. મારી બધી તૈયારી રોજેરોજનું વાંચીને લખી અને પછી પેપર સોલ્વ કરીને થતી. મને વિશ્વાસ હતો કે, એ-1 ગ્રેડ આવશેજ. પ્રેક્ટીસને લીધે હું અઢીથી પોણા ત્રણ કલાકમાં પેપર પૂરું કરી લેતી. મારી માતા પણ આજ શૈક્ષણિક સંસ્થામાંથી ભણ્યા છે. - મીરલ જીતેન્દ્રભાઇ ઉનડકટ
મારે એસએસસીમાં એ-2 ગ્રેડ હતો. ત્યારપછી મેં એચએસસીમાં એ-1 ગ્રેડ મળે એજ દિશામાં મહેનત શરૂ કરી. અહીં પ્રદિપભાઇ ખીમાણી સરે કહ્યું એ પ્રમાણે નોટબુકના પહેલા પાને લખી રાખ્યું હતું હું ધો. 12 માં 99.99 પીઆર મેળવીશ. પછી 10 મામાં 6 થી 7 કલાક મહેનત કરતી એ વધારીને 9 થી 10 કલાક કરી. પરીક્ષાનો માર્ચ મહિનો આવ્યો ત્યારે રૂમની દિવાલ પર કેલેન્ડર ચોંટાડી તેમાં રોજ ટીક માર્ક કરતી હવે કેટલા દિવસ બાકી રહ્યા. મારા પિતા રીક્ષા ચલાવે છે. મેં ટ્યુશનની મદદ વિના ફક્ત સ્કુલમાંજ ભણીને એ-1 ગ્રેડ મેળવ્યો છે. અમારી સ્કુલના ટેસ્ટ પેપર ખુબજ અઘરા હોય છે. આથી અમને બોર્ડના પેપર તો ખુબ સહેલા લાગ્યા. મને એકાઉન્ટમાં ખુબજ રસ હોવાથી ભવિષ્યમાં ઓડીટ ઓફિસર બનવાની ઇચ્છા છે. - શાહીન સરદારભાઇ ખોખર
મારે એસએસસીમાં એ-2 ગ્રેડ હતો. એ પછી મેં ધો. 12 માં એ-1 ગ્રેડજ આવે એ માટે મહેનત શરૂ કરી. અને બોર્ડમાં બીજા નંબર સાથે એ-1 ગ્રેડ મેળવ્યો. મેં ક્યારેય કલાકો નથી ગણ્યા. પણ રોજેરોજ વાંચી, લખી અને ન આવડતું હોય એ બોલીને તૈયારી કરતી. અમરે અમારી આલ્ફા હાઇસ્કુલમાં દરેક વિષયનાં 5 થી 6 પેપર સોલ્વ કરાવ્યા હતા. મારા પપ્પા ફાયનાન્સીયલ એડવાઇઝર છે. મારે હવે યુપીએસસીની સીવીલ સર્વીસ પરીક્ષાની તૈયારી કરવી છે. - પ્રિયાંશી જીજ્ઞેશભાઇ કક્કડ
મારે ધો. 10 માં એ-2 ગ્રેડ આવ્યો હતો. એ વખતે હું 6 થી 7 કલાક મહેનત કરતી. પછી મેં એ-1 ગ્રેડ મેળવવા માટે 9 થી 10 કલાક મહેનત કરી. મને ઇકોનોમિક્સ વિષય ચેલેન્જીંગ લાગતો. માારી બધીજ તૈયારી હું રોજ બે વાર લખીને કરતી. ક્લાસમાં અમને છેલ્લે દરેક વિષયના 5-6 પેપર સોલ્વ કરાવ્યા હતા. સૌથી લાંબું પેપર ઇકોનોમિક્સનું મારે પોણા ત્રણ કલાકમાં લખાઇ જતું. જ્યારે એકાઉન્ટનું પેપર તો હું અઢી કલાકમાંજ લખતી. મારે આગળ આઇઆઇએમમાં ભણવું છે. - માનસી અતુલભાઇ ત્રિવેદી
મારો ગોલ પહેલેથીજ સીએ થવાનો છે. એસએસસીમાં એ-2 ગ્રેડ આવ્યો હતો. પણ પછી ધો. 12 માં મેં મહેનત શરૂ કરી ત્યારથી વિશ્વાસ બેસી ગયો કે એ-1 ગ્રેડ તો આવશેજ. છેલ્લે માર્ચ મહિનામાં મેં 50 થી 60 પેપર સોલ્વ કર્યા હતા. રોજ હું 7 કલાકની મહેનત કરતો. મારા મમ્મી-પપ્પા શિક્ષક છે. હું રોજેરોજનું પહેલાં વાંચીને અને પછી લખીને તૈયારી કરતો. મારા માટે જોકે, ગુજરાતી અને ઇંગ્લીશ ચેલેન્જીંગ રહ્યા. મને એટલો કોન્ફીડન્સ હતો કે એક્ઝામ પૂરી થયાના બીજાજ દિવસે હું અમદાવાદ સીએનું ભણવાની ઇન્સ્ટીટ્યુટમાં પહોંચી ગયો હતો. - ઓમ અમિતભાઇ દલસાણિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.