આજથી સિંહદર્શનનો પ્રારંભ:ચાર મહિના બાદ ગીર અભયારણ્યનાં દ્વાર ખૂલ્યાં, એશિયાટિક લાયન જોવા ઓનલાઇન બુકિંગ ફરજિયાત; પ્રવાસનું AtoZ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • ચોમાસાની સીઝન અને સિંહ સહિતનાં પ્રાણીઓના સંવનનકાળને કારણે 15 જૂનથી 15 ઓકટોબર સુધી વેકેશન હતું
  • DCF દ્વારા પ્રવાસીઓના વાહનને લીલીઝંડી આપવામાં આવી

સાસણ ગીર અને ગિરનાર સફારી પાર્કમાં વસવાટ કરતા એશિયાટિક લાયનનું ચાર મહિનાનું વેકેશન આજે પૂર્ણ થતાં પ્રવાસીઓ માટે અભયારણ્યનાં દ્વાર ખોલવામાં આવ્યાં હતાં, આજથી પ્રવાસીઓ એશિયાટિક લાયનને નિહાળી શકશે અને સાથે જંગલમાં સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિનો પણ લુપ્ત ઉઠાવી શકશે. પ્રથમ દિવસે 60 પરમિટ અગાઉથી જ બુક હોવાથી DCF દ્વારા લીલીઝંડી બતાવી પ્રવાસીઓને સિંહદર્શન માટે રવાના કરવામા આવ્યા હતા.

ગીર જંગલની સફારીનો જીપ્‍સી કારમાં લહાવો લેતા પ્રવાસીઓ.
ગીર જંગલની સફારીનો જીપ્‍સી કારમાં લહાવો લેતા પ્રવાસીઓ.

ચાર મહિનાના વેકેશન બાદ આજથી સિંહદર્શનનો પ્રારંભ
ચોમાસાની સીઝન અને સિંહ સહિતનાં પ્રાણીઓના સંવનનકાળને લીધે પ્રાણીઓને ખલેલ ન પહોંચે તથા ચોમાસાની સીઝનમાં ગીર જંગલના રસ્તા પર જઈ શકાય એવું ન હોવાથી સાસણ ગીર અભયારણ્ય દર વર્ષે તા.15 જૂનથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે અને ચોમાસાની સીઝન પૂર્ણ થયા પછી ગીર અભયારણ્ય જંગલ અને ગિરનાર જંગલની નેચર સફારી તેના નિયત રૂટ સાથે પ્રવાસીઓ માટે ખૃૂલે છે. એ મુજબ આજે તા.16 ઓકટોમ્‍બરથી પ્રવાસીઓ માટે બન્‍ને જંગલ સફારી ખુલ્લી મૂકવામાં આવી છે. આજથી લઇ આગામી તા.29 ફેબ્રુઆરી સુધી સિંહદર્શન માટે શિયાળુ સત્ર ગણવામાં આવે છે. આ સત્રમાં સિંહદર્શન માટેનો સમય વહેલો હોય છે, જેમાં ગીર જંગલમાં જવા માટે સવારની ટ્રિપનો સમય 6:45 અને 9:45 અને સાંજે 3:30 પછીનો હોય છે, જેને લીઘે પ્રવાસીઓને વધુ ને વધુ ગીરના સિંહોને જોવાનો લહાવો મળી શકે.

જંગલના રાજા સિંહને નિહાળતા પ્રવાસીઓ.
જંગલના રાજા સિંહને નિહાળતા પ્રવાસીઓ.

સિંહદર્શન સાથે પ્રવાસીઓ કુદરતી સૌંદર્યને માણી શકશે
આજે સાસણ ગીર ખાતે વહેલી સવારે 6:45 વાગ્‍યાની ગીર જંગલ સફારીની પ્રથમ ટ્રિપને ડીસીએફ મોહન રામે લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ તકે વન વિભાગના અધિકારી, કર્મચારી અને પ્રવાસીઓ મોટી સંખ્‍યામાં હાજર હતા. આ તકે ડીસીએફ મોહન રામે જણાવેલ કે, સાસણ ગીર અને ગિરનાર સફારીની મુલાકાત લેવા ઇચ્‍છતા દેશ-વિદેશના પ્રવાસીઓને કુદરતી સોદર્ય સાથે સિંહ દર્શનનો અનેરો લ્‍હાવો મળશે. કારણ કે, ચાલુ વર્ષે ગીર જંગલમાં પડેલ ભારે વરસાદના કારણે હજુ ગીર જંગલ વિસ્‍તારના નદી નાળાઓમાં પાણીના ખળખળ ધોધ વહેતા જોવા મળી રહ્યા છે તો લીલોતરી પણ વધુ પ્રમાણમાં ખીલી હોવાથી કુદરતી સોદર્યનો અદભુત નજારો જોવાનો લ્‍હાવો મળશે. લીલોતરીના કારણે જંગલનું કુદરતી સોદર્ય સોળે કળાએ ખીલ્‍યુ હોવાથી સિંહ સહિતના તમામ પ્રાણીઓ ખુશખુશાલ જોવા મળશે.

ગીર અભયારણ્યમાં સિંહ પરિવારની તસવીર.
ગીર અભયારણ્યમાં સિંહ પરિવારની તસવીર.

આજે સવારની પ્રથમ ટ્રીપમાં ગીર જંગલના અલગ-અલગ રૂટ પર ગયેલા તમામ પ્રવાસીઓ સિંહ, સિંહણ અને બાળ સિંહ સહીતનાં વન્યજીવો અને કુદરતી સોદર્યના દર્શન કરી રોમાંચિત થઇ ગયા હતા. સિંહદર્શન કરવા જતા પ્રવાસીઓએ સરકાર દ્વારા કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતનું પાલન કરવાનું રહેશે.

ગીર જંગલમાં મિજબાની માણતો સિંહ.
ગીર જંગલમાં મિજબાની માણતો સિંહ.

સાસણ ગીર જંગલ સફારી અને ગિરનાર નેચર સફારીમાં ઓનલાઈન પરમિટ અનિવાર્ય
દેશ-વિદેશમાંથી એશિયાટીંક સિંહોના દર્શનનો લ્‍હાવો લેવા આવતા પ્રવાસીઓ માટે સાસણ ગીર જંગલમાં જવા માટે સવારે 6 અને 9 વાગ્‍યે તથા બપોરે 3 વાગ્‍યે ટ્રીપનું આયોજન કરાયેલ છે. ત્રણેય ટ્રીપમાં 60-60 ટ્રીપો મળી એક દિવસની કુલ 180 ટ્રીપો પ્રવાસીઓ માટે ઉપલબ્‍ઘ હોય છે. જયારે જૂનાગઢ ખાતે શરૂ કરાયેલ ગિરનાર સફારી પાર્કમાં દિવસની 12 ટ્રીપ ઉપલબ્‍ઘ છે. બંન્‍ને જંગલ સફારીની ટ્રીપો માટે પ્રવાસીઓ વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in પરથી પરમિટ બુક કરી શકે છે.

ગીર અભયારણ્યના સિંહની ફાઈલ તસવીર.
ગીર અભયારણ્યના સિંહની ફાઈલ તસવીર.

સ્થાનિક લોકોની રોજગારીમાં વધારો થવાની આશા
અત્રે નોંઘનીય છે કે, સાસણ ગીર જંગલ અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આજથી ખૂલ્‍લું મુકવામાં આવતા સાસણ ગીરના 178 જેટલા ગાઈડ અને 70 થી વધુ જિપ્સી ચાલકોના ધંધા-રોજગાર ફરી ધમધમતા થયા છે. તો સાસણ ગીરના સ્થાનીક હોટેલ-રિસોર્ટ ઉઘોગોને પણ વેગ મળશે. કારણ કે, હાલ કોરોના હળવો હોવાથી હવે લોકો છુટથી હરવા ફરવા નિકળી રહયા છે. ગત મહિને જન્‍માષ્‍ટમી પર્વે જ તેની ઝલક રાજયના તમામ પર્યટનો સ્‍થળોએ ઉમટેલ પ્રવાસીઓની ભીડથી જોવા મળી હતી. જેના લીઘે આગામી દિવાળી તહેવારોના મિની વેકેશનમાં મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ સાસણ ગીરની મુલાકાતે આવશે તેવી આશા સ્‍થાનીક વેપાર સાથે જોડાયેલા લોકો વ્‍યકત કરી રહયા છે.

દેવળિયા પાર્ક.
દેવળિયા પાર્ક.

દેવળિયા પાર્ક અને આંબરડી પાર્કમાં પણ સિંહદર્શન થઈ શકે છે
સાસણ ગીર આવતા ઘણા પ્રવાસીઓને ઘણી વખત જંગલ સફારી હાઉસફુલ થઈ જતી હોવાથી લ્હાવો મળતો નથી. જેને ધ્યાને રાખી વન વિભાગ દ્વારા સાસણમાં દેવળીયા પાર્ક અને અમરેલી જિલ્લાના ધારી પાસે આંબરડી પાર્ક વિકસાવવામાં આવ્યો છે. આ બંન્ને જંગલના ચોક્કસ કોર્ડન કરેલ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. જેમાં ત્રણ થી લઈ આઠ જેટલા સિંહ સહિતના વન્યપ્રાણીઓ પ્રવાસીઓને ચોક્કસ જોવા મળે છે. આ બંન્ને પાર્કમાં પ્રવેશ માટે પાર્કના. એન્ટ્રી ગેટ પરના કાઉન્ટર પરથી જ પ્રવાસીઓને ટિકિટ મળે તેવી વ્યવસ્થા કાર્યરત હોય છે. જેનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાભ લઇ છે.

અન્ય સમાચારો પણ છે...