“જીવનરક્ષક” તરીકે અપાયેલી દવાઓની આડઅસર કે શું ?:કોરોના પછી 25 થી 45 વર્ષના લોકોમાં થાપાના ગોળામાં લોહી જ નથી પહોંચતું, દર અઠવાડિયે 10 થી વધુ દર્દી

જૂનાગઢ23 દિવસ પહેલાલેખક: દિવ્યકાંત ભુવા
  • કૉપી લિંક
  • કોરોનાની સારવાર સમયે “જીવનરક્ષક” તરીકે અપાયેલી દવાઓની આડઅસર કે શું ?
  • ઓર્થોપેડિક તબીબોએ કહ્યું, શરૂઆતમાં બીમારી એક્સરેમાં પણ નજરે નથી ચઢતી - પહેલા અને બીજા સ્ટેજ સુધી સારવારની શકયતા છે - પછી ઓપરેશન અનિવાર્ય બની જાય

છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના દર્દીઓમાં થાપાના ગોળામાં લોહી પહોંચતું બંધ થવાની અને ઓપરેશનની ઘટના વધી રહી છે. આ બીમારી અંગે જૂનાગઢના જાણીતા હાડકાના નિષ્ણાંત તબીબોને પૂછતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. તબીબોનું કહેવું છે, આવી ફરિયાદ લઈને આવનારા 99 ટકા દર્દીઓ કોરોનાની બીમારીમાં લાંબાગાળાની સારવાર લીધેલા અને દાખલ થયેલા જ હોય છે. આ પ્રશ્ન ઘણા સમયથી છે પરંતુ છેલ્લા 6 મહિનામાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

વર્ષોથી જૂનાગઢમાં હાડકાના તબીબ તરીકે સેવા આપતા ડો. રમેશ ગજેરાએ કહ્યું હતું કે, પહેલાં 2 કે 3 મહિને એવા દર્દીઓ આવતા જેને થાપાના ગોળામાં લોહી ઓછું પહોંચવાની કે સુકાઈ જવાની આડઅસર રૂપે તકલીફો હોય. પરંતુ છેલ્લા 4 મહિનાથી આવા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેમાં થાપાના ગોળામાં પહોંચતું લોહી ઘટવા લાગે અથવા નસ સુકાઈ જાય. એટલું જ નહીં, ગોળો સુકાઇ જવાના કેસ પણ હોય છે. આ સ્થિતીમાં દર્દીઓને ચાલવામાં તકલીફ પડે, ઉભા રહેવામાં પણ દુખાવો થાય, સતત બેસી રહી શકાય નહીં, આવી ફરિયાદો જોવા મળે.

થાપાના ગોળામાં પહોંચતું લોહી બંધ થવાની અને ઓપરેશનની ઘટના વધી રહી
ડો. ગજેરાના કહેવા મુજબ આ પ્રકારની બીમારી માટે સારવાર લેવા આવતા 99 ટકા દર્દીઓ એવા છે જેને કોરોનાની લાંબાગાળાની સારવાર અને જીવનરક્ષક દવાઓ આપવામાં આવી હતી. આવા દર્દીઓમાં શરૂઆતની બીમારી એક્સરેમાં જોવા મળતી નથી. એટલે એમઆરઆઈ કરાવવું પડે. પરંતુ ત્રીજા અને ચોથા સ્ટેજમાં બીમારી હોય તોજ એક્સરેમાં જોવા મળે છે.

કોરોના પછી આવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો
આવી જ રીતે હાડકાના નિષ્ણાત ડો. કશ્યપ આરદેશણા એ કહે છે કે, કોરોના પછી આવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાની સારવાર માટે દાખલ રહીને લાંબાગાળાની સારવાર લેવી પડી હોય અને જીવનરક્ષક દવાઓ લેવી પડી હોય તેવા દર્દીઓ જ આ પ્રકારની ફરિયાદ સાથે સારવાર માટે આવી રહ્યા છે. જેમાં શરૂઆતના ગાળામાં જો દર્દીઓ યુવાન હોય તો સારવાર કરી શકાય છે. પરંતુ દર્દ આગળ વધી ગયું હોય તો સ્થિતિ બદલે છે અને ઓપરેશન પણ કરવું પડે છે. આ પ્રકારના દર્દીઓમાં યુવા દર્દીઓની સંખ્યા વધુ છે.

પહેલા બીજા તબક્કામાં સારવાર શક્ય
એટલે થાપાના ગોળા બદલવા એ આખરી ઉપાય હોય તોજ અપનાવવો જોઈએ. અન્યથા પ્રાથમિક તબકામાં સારવાર શરૂ કરી દેવામાં આવે તો તેમાંથી છુટકારો મળવાની શક્યતા વધી જાય છે. આ પ્રકારના દર્દમાં પ્રથમ સ્ટેજ હોય ત્યારે એમઆરઆઈ કરાવવાથી ખબર પડે છે. પરંતુ બીજું, ત્રીજું કે ચોથું સ્ટેજ હોય તો એક્સરેમાં પણ જોવા મળી જાય છે. પહેલા બીજા તબક્કામાં સારવાર શક્ય છે.

25 થી 45 વર્ષની વયનાં દર્દીઓ વધારે જોવા મળે
પરંતુ દર્દ આગળ વધી ગયું હોય તો ઓપરેશન કરવું અનિવાર્ય બની જાય છે. આ દર્દ પાછળ જીવનરક્ષક દવાઓ અને સ્ટીરોઈડનો ઉપયોગ વધારે થયો હોય ત્યારે આવું બની શકતું હોય તેવું લાગે છે. જેમાં 25 થી 45 વર્ષની વયનાં દર્દીઓ વધારે જોવા મળે છે. આની કોઈ દવા નથી પરંતુ હાડકાની કઠોરતા જાળવી શકાય ઓપરેશન મોડું કરી શકાય. આજ સુધીમાં આવા 60 થી 70 દર્દીઓ સારવાર માટે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...