વેરાવળમાં સેવાભાવી અને નામના ધરાવતા લોહાણા સમાજના તબીબ અતુલ ચગે 12મી ફેબ્રુઆરીના રોજ તેમની હોસ્પિટલના ઉપરના માળે આવેલા મકાનમાં જ પંખે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. જેમણે બે લીટીની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં જૂનાગઢના સાંસદ અને તેમના પિતાના કારણે જીવન ટુંકાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં આજે સાંસદ રાજેશ ચુડાસમાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. સાંસદે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમારે પારિવારિક સંબંધો હતા. ડોક્ટર અતુલ જ્યારે પરિવારથી દૂર હતા ત્યારે મારો પરિવાર ટિફિન મોકલતો હતો. મારા પર જે આક્ષેપો થયા છે તે અંગે મારે શું કહેવું? પોલીસને જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું સહકાર આપીશ. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.
15થી 17 વર્ષ મારા ઘરેથી ટિફિન ગયું: સાંસદ
આ મામલે સાંસદ રાજેશ ચુડાસમાએ આજે જણાવ્યું હતું કે, ડો. ચગે આત્મહત્યા કર્યા બાદ તેમના પરિવાર પર આફત આવી છે. ભગવાન તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. ડો. ચગ સાથે અમારે 35 વર્ષથી પારિવારિક સબંધો હતા. હું જ્યારે રાજકારણમાં ન હતો ત્યારથી અમારા સબંધો હતા. તેઓ એકાંત જીવન જીવતા અને તેમના પરિવરથી દૂર રહેતા ત્યારે 15થી 17 વર્ષ મારા પરિવાર દ્વારા તેમણે ટિફિન જતું હતું. ત્યારે એમના પુત્ર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ માટે જ્યાં જરુંર પડે ત્યાં સહકાર આપવા તૈયાર છું અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
સાંસદ રાજેશ ચુડાસમના નિવેદન બાદ ડોક્ટર જલ્પન રૂપાપરાએ પ્રતિક્રિયા આપી
આ અંગે ડોક્ટર જલ્પન રૂપાપરાએ જણાવ્યું હતું કે, જે હું સ્ટેટમેન્ટ આપુ છું તેમાં કોઈ પ્રકારનું રાજકીય પ્રભાવ હેતુ બોલતો નથી અને કોઈ પ્રકરાનું રાજકીય પક્ષ સાથે લેવા દેવા નથી. હું તટસ્થ માણસ છું અને સાંસદ સાથે કોઈ અંગત અદાવત પણ નથી. હું જે સત્ય જાણું છું અને ડો. અતુલ ચગ મારા અંગત મિત્ર હતા અને એને જે આપઘાત કરવો પડ્યો અને તેને ન્યાય મળી રહે માટે હું આ સ્ટેટમેન્ટ આપું છું. રાજેશ ચુડાસમા એ જે પીડીએફ વાઇરલ કરી છે અને તેમાં લખેલું છે કે રહસ્યમય સુસાઇડ નોટ પરંતુ સ્યુસાઇડ નોટ રહસ્યમય છે જ નહીં. સ્યુસાઇડ નોટ બે લીટીની છે અને બહુ જ ક્લિયર છે અને ડોક્ટર અતુલ જગના હાથે જ લખાયેલી સુસાઇડ નોટ છે. તેમના હેન્ડરાઇટિંગ હું સારી રીતે ઓળખું છું. અને સાહેબની જે હોસ્પિટલ છે તેમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે તો આજે સીસીટીવી કેમેરા લગાવેલા છે. તેમાં હું નથી માનતો કે કોઈ પ્રકારનું કોઈ દ્વારા ફેરબદલી કરાય હોય. એ ઘટના સમયનું સીસીટીવી બેકઅપ પણ પોલીસ પાસે છે અને ડો.આપઘાત કર્યો ત્યારે દરવાજો પણ અંદર થી બંધ હતો. સુસાઇડ નોટમાં કોઈપણ પ્રકારના છેડા થયા હોય તેની શક્યતા જ નથી.
ચાર ચેક બ્લેન્ક હતા: ડોક્ટર જલ્પન રૂપાપરા
બીજી તરફ હો સાંસદ દ્વારા આપેલ પ્રતિક્રિયા બાબતે તેમને જણાવ્યું હતું કે નારણભાઈ ચુડાસમાએ જે ચેક આપેલા છે તેનો ક્યાંય ઉલ્લેખ નથી. મેં પોતે જોયેલા છે કે ચાર ચેક આપેલા હતા જે બ્લેન્ક હતા અને જેમાં નારણભાઈ ચુડાસમા ની સિગ્નેચર હતી તો હું નથી માનતો કે કોઈ વ્યક્તિ જો આર્થિક વ્યવહાર કોઈ પ્રકારનો ના હોય તો ચાર ચાર કોરા ચેક કોઈને આપે.અને એ જે કવર છે જે સાંસદ રાજેશભાઈ ચુડાસમાનું ઑફિસિયલ કવર હતું તેમાં મે જોયેલા.. અને જો કોઈપણ પ્રકારનો આર્થિક વ્યવહાર ન થયો હોય તો પોતાના ઓફિશ્યલી કવરમાં આ પ્રકારના કોરા ચેક કોઈપણ વ્યક્તિ ન આપે તેવું ડોક્ટર જલ્પન રૂપાપરાએ જણાવ્યું હતું..
સ્યુસાઇડ નોટમાં સાંસદ અને તેમના પિતાનું નામ
વેરાવળનાં ડો. અતુલ ચગે ગત 12 ફેબ્રુઆરીના સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઇડ નોટમાં 'હું નારણભાઈ તથા રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું' એમ લખ્યું હતું. ડોક્ટરના પુત્ર હિતાર્થે 17 ફેબ્રુઆરીના રોજ વેરાવળ સિટી પોલીસમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચૂડાસમા અને તેના પિતા નારણભાઇ ચૂડાસમા વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. જોકે, પોલીસે ફરિયાદ નહોતી લીધી.
વેરાવળ પોલીસના ચાર અધિકારીઓ સામે પગલાં લેવાયા
પોલીસે ફરિયાદ ન લેતા 22 ફેબ્રુઆરીના ગુજરાતના ડીજીપી, જૂનાગઢ રેન્જ આઇજી, ગીર-સોમનાથ એસપી, ડીવાયએસપીને મેઈલ દ્વારા જાણ કરાઈ હતી કે, વેરાવળ સિટી પીઆઇને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ફરિયાદ દાખલ કરવા હુકમ કરો અન્યથા અમારે અહીંના અધિકારીઓ સામે હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ ઓફ કોર્ટ દાખલ કરવી પડશે. એફઆઇઆર દાખલ ન થતાં વેરાવળ સિટી પીઆઇ સુનીલ ઈશરાણી, ડીવાયએસપી વી.આર.ખેંગાર, એસપી મનોહરસિંહ જાડેજા, રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા વિરૂદ્ધ હાઈકોર્ટના એડવોકેટ રાજેશ કાનાણી તેમજ સિનિયર કાઉન્સિલ યોગેશભાઈ લાખાણી દ્વારા કોર્ટ ઓફ કન્ટેમ્પટની એપ્લિકેશન ફાઈલ કરાઈ હતી.
વધુ સનાવણી 28 માર્ચે થશે
જેની પ્રથમ સુનાવણી ગત 13 માર્ચના રખાઈ હતી. ત્યારબાદ વધુ વિગતો એકઠી કરી ફરી ગત 15 માર્ચના રોજ સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલ દ્વારા કોર્ટ પાસેથી પોલીસ દ્વારા એફઆઇઆર કરવી કે ન કરવી તે અંગે 2 દિવસનો સમય મંગાયો હતો. જેને કોર્ટ દ્વારા નકારી ચારેય અધિકારીઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલંઘન કરવા કંટેમ્પટ ઓફ કોર્ટ શા માટે ન કરવી એવી નોટીસ ઇસ્યુ કરી છે અને આગામી તા.28 માર્ચના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.