ગિરનારની લીલી પરિક્રમા:19મીએ સવારે 7 સુધી જ પ્રવેશ મળશે; અન્નક્ષેત્રોના અભાવે રાશન સાથે લાવનાર પરિક્રમાર્થીઓએ બીજાને પણ જમાડ્યાનો સંતોષ મેળવ્યો

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીરનારની પરિક્રમામાં કલેક્ટરના આદેશ મુજબ તા. 19 નવેમ્બર 2021 ના રોજ સવારે 7 વાગ્યા સુધીજ પ્રવેશ મળી શકશે. ત્યારપછી વનવિભાગ ગેટ બંધ કરી દેશે. અને તમામે સાંજ સુધીમાં જંગલ છોડી દેવાનું રહેશે. એ પછી બોરદેવી ગેઇટ પણ બંધ થઇ જશે એમ સુત્રોનું કહેવું છે.ગીરનારની પરિક્રમામાં આવતા અડધાથી વધુ લોકો કાચું રાશન સાથે લાવે છે. અને જંગલમાં જાતેજ રાંધીને ભોજન કરે છે. આ લોકો સામાન્ય રીતે રોટલી, રોટલા, શાક, કઢી, ખીચડી જેવી રસોઇ બનાવતા હોય છે.

ગૃપના લોકોની રસોઇ બનાવી હોય તેમાં સાથે એકલ દોકલ આવેલા યાત્રાળુનો પણ સમાવેશ થઇ જાય છે. આખો દિવસ ચાલ્યા હોય એટલે ભૂખ પણ સારી એવી લાગે અને ઉંઘ પણ સારી આવે. પણ આખું વર્ષ કામની ઘટમાળમાંથી થોડા દિવસ પ્રકૃતિના ખોળે પરિવાર-મિત્રો સાથે વિહરવાનો આનંદ આગામી વર્ષ માટે જાણેકે મનનું ચાર્જીંગ કરી દે છે. તેમાંય સાથે ચાલતા સાવ અજાણ્યા પરિક્રમાર્થીઓને કોઇ અપેક્ષા અને ઉંચ નીચનો ભેદ રાખ્યા વિના જમાડવાનું પુણ્ય આપોઆપ મળી જાય છે.

પરિક્રમામાં જાતે રાંધનાર કોઇ પણ વ્યક્તિ પાસે જઇને ખાવાનું કોઇ માંગે એટલે કોઇ ના નથી પાડતું. નિજાનંદમાં મસ્ત રહેવાની આવી મોજ પર તંત્ર ગમે એટલું નિયંત્રણ ભલેને મૂકે. આવનાર ક્યારેય રોકાવાના નથી.

રસ્તામાં પાણી અને રહેવાની તકલીફ પડી
અમે છેલ્લા 32 વર્ષથી પરિક્રમામાં આવીએ છીએ. પતિ-પત્ની 32 વર્ષથી કાચું રાશન સાથેજ લાવે છે. અને જાતે રાંધે છે. તેઓ કહે છે, અન્નક્ષેત્ર નથી છત્તાં અમને ભોજનની તકલીફ નથી પડી. પણ પાણીની અને રહેવાની ખુબજ તકલીફ પડી. અમે જે 3 દિવસે પરિક્રમા પૂરી કરતા એ આ વખતે દોઢ દિવસમાં પૂરી કરવી પડી. -જમનાબેન મનજીભાઇ પરસાણિયા, અમરેલી જિલ્લો

ઝીણાબાવા મઢીનાં મહંતને જમાડવાનું પુણ્ય
અમારા કુટુંબના 15-20 સભ્યો છેલ્લા 48 વર્ષથી પરિક્રમામાં આવે છે. રાશન સાથેજ હોય છે. અમે ક્યારેય અન્નક્ષેત્રમાં નથી જમતા. જાતેજ રાંધીએ અને કોઇ એકલ દોકલ યાત્રાળુ હોય તો તેને જમાડીએ પણ છીએ. આ વખતે ઝીણાબાવાની મઢીના મહંતને પણ સાથે જમાડ્યા. - ધીરૂભાઇ ગોપાલભાઇ શેખ, બોટાદ

​​​​​​​સંતોએ ટ્રેક્ટર ભરી બુંદી-ગાંઠિયા મોકલ્યા
​​​​​​​પરિક્રમામાં અસંખ્ય ભાવિકો આવે છે. આ વખતે અન્નક્ષેત્રો નથી. અને ધાર્મિક સ્થળોએ રાશન મર્યાદિત છે. બીજી તરફ 36 કિમી લાંબા ડુંગરાળ રૂટ પર ચાલતાં ભૂખ કકડીને લાગેજ. આથી ભવનાથનાં મહંત હરીગીરીજી, ચાંપરડાના મુક્તાનંદજી, તનસુખગીરીજી સહિતના સંતોએ ટ્રેક્ટરો ભરીને બુંદી-ગાંઠિયા મોકલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...