• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Adequate Amount Of Water Available Till The Month Of August In All Five Demos Of Gir Somnath, Water Will Be Provided To The Farmers Who Are Planting In Advance.

પાણી માટે નહીં મારવા પડે વલખા:ગીર સોમનાથના પાંચેય ડેમોમાં ઓગષ્ટ માસ સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ, આગોતરૂ વાવેતર કરતા ખેડૂતોને પાણી અપાશે

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના મુખ્ય પાંચેય ડેમો હાલ 20 થી 60 ટકા સુધી ભરેલા હોવાનું સિંચાઈ વિભાગે જણાવતા લોકોને રાહત
  • તાજેતરમાં જ હિરણ-2 અને શિંગોડા બે ડેમોમાંથી 43 ગામના ખેડૂતોના પાકો માટે પાણી છોડવામાં આવ્યું

ઉનાળાના આકાર તાપ વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર પીવાના પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. એવા સમયે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પાંચેય મુખ્ય જળાશયો (ડેમો)માં પીવા તથા સિંચાઈ માટે પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. આ જથ્થો આગામી ઓગષ્ટ માસ સુધી ચાલી શકે તેટલો હોવાથી લોકો અને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર ન હોવાનું સિંચાઈ વિભાગમાંથી જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં કોરવણ ( આગોતરું વાવેતર ) કરવા માટે પણ વધુ પાણી આપવાનો નિર્ણય લઈ તે માટેનું આયોજન કરાયું છે. જેના પગલે જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે. ઉનાળાની સીઝનના હાલ અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અનેક જળાશયો તળીયા જાટક થવાની કગાર પર પહોંચી ગયા છે તો નદી-નાળાઓ સુકાઈ ગયા છે. જેથી લોકો અને ખેડૂતો પાણી માટે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. એવા સમયે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય પાંચેય જળાશયો (ડેમો)માં આગામી ઓગષ્ટ માસ સુધી ચાલે તેટલો પુરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ.પી.કલસરિયાએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું કે, હાલ ખેડૂતોને પણ સિંચાઈ માટે પુરતુ પાણી આપવામાં આવી રહ્યુ છે. ત્રણ દિવસ પહેલા જ હિરણ -2 (ઉમરેઠી) ડેમમાંથી ખેડૂતોના લહેરાતા પાકો માટે જરૂરી પાણી છોડવામાં આવ્યું હતું. જેનો લાભ વેરાવળ અને તાલાલા પંથકના 23 ગામના ખેડૂતોની હજારો વિઘા ખેતીની જમીન અને તેમાં લહેરાતા પાકોને મળ્યો હતો. આગામી દિવસોમાં વરસાદ ખેંચાય તેવી પરિસ્થિતિ સર્જાય તો પાકોની જરૂરીયાત મુજબ એક વખત પાણી છોડવાનું આયોજન કરી શકીશું.

વધુમાં જણવ્યું કે, તાજેતરમાં કોડીનાર પંથકને લાગુ પડતા ગીર જંગલમાં આવેલા શિંગોડા ડેમમાંથી પણ સિંચાઈ માટે પાણી છોડાયું હતું. જેનો તાલુકાના 20 ગામના ખેડૂતોને સીધો ફાયદો થયો હતો. આ ઉપરાંત વધુ આનંદની વાત એ છે કે, શિંગોડા ડેમમાંથી આગામી દિવસોમાં કોરવણની વાવણીને અનુલક્ષીને પાણી છોડવામાં આવશે. જેથી આ વિસ્તારમાં કોરવણ એટલે કે આગોતરું વાવેતર કરતા ખેડૂતોને ખૂબ જ ફાયદેમંદ રહેશે.

ગીર સોમનાથ જિલ્લામાં કુલ પાંચ જળાશયો આવેલા છે.

આ તમામ જળાશયોની તા. 25.05.2022 સ્થિતિના આંકડાઓ પર એક નજર

(1) હિરણ-1 કમલેશ્વર ડેમ - હાલનો જથ્થો 320.789 mcft - 45 ટકા ભરેલો

(2) હિરણ-2 ઉમરેઠી ડેમ - હાલનો જથ્થો 244.687 mcft - 18 ટકા ભરેલો

(3) શિંગોડા ડેમ -

હાલનો જથ્થો 374.048 mcft - 30 ટકા ભરેલો

(4) રાવલ ડેમ -

હાલનો જથ્થો 577.310 mcft - 60 ટકા ભરેલો

(5) મચ્છુન્દ્રી ડેમ -

હાલનો જથ્થો 517.960 mcft - 45 ટકા ભરેલો

અત્રે નોંધનીય છે કે, ઉનાળાની કાળઝાળ ગરમી અને અગનવર્ષા વચ્ચે લોકોને પીવાના પાણી માટે અનેક સ્થળોએ વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વસેલા અને કુદરતી ખોળે આવેલા જિલ્લા મુખ્ય પાંચ જળાશયોમાં પુરતી માત્રામાં પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય જેમાંથી આગામી દોઢ થી બે માસ સુધી જિલ્લા વાસીઓની જરૂરીયાત સંતોષી શકાય તેમ હોવાના સિંચાઈ વિભાગના દાવાથી લોકો અને ખેડૂતોમાં ચિંતાની લાગણી દુર થઈ છે. હવે જો કુદરત રૂઠે અને વરસાદ ખેંચાય તો જ પીવાના પાણીની સમસ્યા સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...