આંગડીયા લૂંટ મામલો:ઉનાની આંગડીયા લૂંટનું પ્‍લાનીંગ કરનારો આરોપી અંબાજીથી ઝડપાયો, રૂ.7.10 લાખની રકમ રીકવર કરવામાં આવી

ગીર સોમનાથ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉનામાં સાત મહિના પહેલા આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 60 લાખની લૂંટ ચલાવી હતી
  • લૂંટમાં સંડોવાયેલા સાત પૈકી પાંચ આરોપીઓ અત્‍યાર સુધીમાં ઝડપાયા, નાસતા ફરતા બે આરોપીની શોધખોળ ચાલુ

ગીર સોમનાથના ઉનામાં 7 મહિના પહેલા થયેલી રૂપિયા 60 લાખની આંગડીયા લૂંટમાં સામેલ માસ્‍ટર માઇન્‍ડ એવા આરોપીને બે જિલ્‍લાની પોલીસ ટીમોએ ટીમવર્કથી અંબાજીથી ઝડપી લીધો હતો. તેની પાસેથી લૂંટની રૂ.7.10 લાખની રકમ રીકવર કરવામાં આવી છે. આ લૂંટ પ્રકરણને અંજામ આપનારા સાત આરોપીઓ પૈકી અત્‍યાર સુધીમાં જિલ્‍લા પોલીસે અગાઉ પાંચને પકડી ચુકી છે અને હજુ બે પકડવા તપાસ કરી રહી છે. તો લૂંટાયેલા 60 લાખમાંથી 25 લાખની રકમ અત્‍યાર સુધીમાં રીકવર થઇ છે.

ઉનામાં ગત તા.19-10-21ના રોજ વ્‍હેલીસવારે આંગડીયા પેઢીના કર્મચારી એસટી બસમાં જઈ રહ્યો હતો. તે સમયે બુકાનીધારી લૂંટારૂઓએ તેની પાસે આવી માર મારી રોકડ રકમ તથા સોનાના પાર્સલ મળી રૂ.60 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા. તે સમયે જુદી-જુદી ચાર પોલીસની ટીમોએે તપાસ હાથ ધરી થોડા દિવસોની અંદર ચાર આરોપીઓને ઝડપી લઇ રૂ.13 લાખની રકમ-મુદ્દામાલ રીકવર કર્યો હતો. ત્‍યારબાદ આ ગુનામાં ફરાર મૌલીકસિંહ, ભરતસિંહ અને પ્રકાશસિંહ નાસતા ફરતા હોવાથી તેની શોધખોળ ચાલુ હતી.

એએસપી ઓમપ્રકાશ જાટ
એએસપી ઓમપ્રકાશ જાટ

આ અંગે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, લૂંટના આરોપીઓ અંગે માહિતી મળતા ઉના પોલીસની ટીમને ઉતર ગુજરાત મોકલવામાં આવી હતી. જયાં આ ટીમે દસ દિવસનું રોકાણ કરી સ્‍થાનીક પોલીસ સાથે સંકલનમાં રહી ટેકનીકલ સર્વેલન્‍સ અને હયુમન ઇન્‍ટેલીજન્‍સની મદદથી આરોપીઓ અંબાજી ખાતે રહેતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે અંબાજીના પીઆઇ ડી.વી.પટેલની સાથે રહી લૂંટના આરોપી પ્રકાશસિંહ ચતુરસિંહ ઝાલા રહે.હિંમતનગર વાળાને ઝડપી લેવામાં આવેલ હતો. આ આરોપી પાસેથી રોકડા રૂ.2.50 લાખ તથા બેંકમાં રાખેલ રૂ.4.60 લાખ મળી કુલ રૂ.7.10 લાખ રીકવર કરવામાં આવેલ હતા. આરોપી પ્રકાશસિંહને ઉના ખાતે લાવી કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રીમાન્‍ડ ઉપર સોપેલ છે.

પકડાયેલો પાંચમો આરોપી પ્રકાશસિંહ ઝાલાએ લૂંટની ઘટનાનું પ્‍લાનીંગ કરવાથી લઇને અંજામ આપવા સુધીનું ફુલ પ્રુફ પ્‍લાનીંગ તૈયાર કરેલ હતું. લૂંટ કરવા માટે માણસો ગોતી ટીમ બનાવી કોણે શું શું કરવાનું પ્‍લાનીંગ કરી સમજાવી લૂંટની ઘટનાને અંજામ આપ્‍યો હતો. આરોપી પ્રકાશસિંહ શાતીર ગુનેગાર છે અને તેની સામે સને.2021 માં સિદ્ધપુર પોલીસમાં લૂંટનો તથા હિંમતનગર પોલીસમાં નકલી સીબીઆઇ અધિકારી બનીને ખંડણી ઉઘરાવાનો મળી બે ગુના નોંધાયા છે. ત્‍યારબાદ તેણે ઉના લૂંટની ઘટનાને અંજામ આપ્‍યો હોવાનું એએસપી જાટે જણાવ્યું હતું.

પોલીસ ટીમોની ટીમવર્કનું પરીણામ

આ ઘટના અંગે એએસપી ઓમપ્રકાશ જાટએ વઘુમાં જણાવેલ કે, આ લુંટમાં સામેલ મોટાભાગના આરોપીઓ ઉતર ગુજરાત તરફના હોવાથી તપાસની શરૂઆતથી લુંટારૂઓને પકડવા ગીર સોમનાથ પોલીસ માટે ચનોતી હતી. જો કે, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના જીલ્‍લાની પોલીસ ટીમના સંકલન અને ટીમવર્કથી લુંટમાં સામેલ સાત પૈકી પાંચ આરોપીઓને ઝડપવામાં ગીર સોમના પોલીસને સફળતા મળી છે. હજુ પણ બાકી બંન્‍ને આરોપીઓ વ્‍હેલીતકે ઝડપાઇ જશે તેવી આશા વ્‍યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...