કાર્યવાહી:બિલખામાં 3 વર્ષ પહેલાં યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદ

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા માંગી માથામાં લોખંડના પાઇપના ફટકા માર્યા હતા

જૂનાગઢ તાલુકાના બીલખામાં 3 વર્ષ પહેલાં થયેલી યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવાઇ છે. બીલખામાં બસ સ્ટેશન પાસે આવેલી એક તમાકુની દુકાને નવા પીપળિયાનો બહાદુરભાઇ સોમાતભાઇ લાલુ (ઉ. 53) આવ્યો હતો. અને રૂ. 2500 માંગ્યા હતા. દુકાને બેઠેલા જસમતભાઇ કાનજીભાઇ રામોલિયાએ તેના પુત્ર ગીરીશને ફોન કરી પૂછતાં તેણે રૂપિયા આપવાની ના પાડતાં જસમતભાઇએ બહાદુરભાઇને રૂપિયા આપવાની ના પાડી દીધી હતી.

આથી બહાદુરભાઇ બપોરે બેથી અઢી વાગ્યાના અરસામાં ફરી દુકાને ગયા હતા. અને ગિરીશ પાસે 2500 રૂપિયા માંગી તેના માથામાં લોખંડના ફટકા મારી દીધા હતા. બાદમાં તેણે સ્થળ પર રહેલા ફેનીલ, મેહુલભાઇ, સુભાષગીરી અને ખુદ ગીરીશના મોબાઇલ ફોન લઇ લીધા હતા. ત્યારબાદ તેણે સ્ટેમ્પ વેન્ડરની દુકાને પણ મારામારી કરી હતી.

અને એગ્રોની દુકાનેથી બિયારણના 10 પેકેટ પણ મફતમાં પડાવી લીધા હતા. આ બનાવમાં સારવાર દરમ્યાન ગીરીશનું મોત થતાં બહાદુરભાઇ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ચાલી જતાં સરકારી વકીલ નિરવ પુરોહિતની દલીલોને ધ્યાને લઇ પ્રીન્સિપલ સેશન્સ જજ રીઝવાના બુખારીએ તેને આજીવન કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ કુલ રૂ. 7,200 નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...