વેરાવળમાં સંબંધના નાતે કટકે કટકે લઈ ગયેલ રૂ.50 લાખની રકમ પરત આપવા પિતા-પુત્રએ આપેલ ચેકો રિટર્ન થયા બાદ રકમ પરત આપવા ગલ્લા તલ્લા કરી રહેલ હતા. આ અંગેનો કેસ જ્યુડી. મેજી. કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષની દલીલો બાદ આરોપી પિતા-પુત્રને છ માસની સજા તથા રૂ.5 હજારનો દંડ તેમજ રૂ.50 લાખની રકમ ફરિયાદીને વળતર તરીકે ચુકવવા અને જો વળતરની રકમ આરોપીઓ ન ચુકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ છે. આ હુકમના પગલે ચેક આપી પૈસા ન આપવાની માનસિકતા ધરાવતા લોકોમાં ફફડાટ પ્રસરેલ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળમાં રહેતા ભરતભાઇ કિશનભાઈ ખોરાબા પાસેથી સંબંધોના નાતે તુલસીભાઈ કોટીયા અને તેના પુત્ર અમિેતે જરૂરિયાત હોવાથી કટકે કટકે કુલ રૂ.50 લાખની રકમ હાથ ઉછીની લીધેલ હતી. જે નાણાની ઉઘરાણી કરતા તુલસીભાઈ અને અમિતે અનેક વાયદાઓ કરી ઘણો સમય પસાર કરાવ્યો હતો ત્યારબાદ તેમની પેઢીના ખાતાના રૂ.15 લાખ અને રૂ.35 લાખની રકમના બે ચેકો ભરતભાઇ કિશનભાઈ ખોરાબાના નામના એકાઉન્ટ પે ના લખી આપેલ હતા. જે ચેક ભરતભાઇએ બેંકમાં રજૂ કરતા ચેક વગર વસુલાતે રિટર્ન થયેલ હતા.
જેથી ભરતભાઈએ એડવોકેટ પ્રવિણભાઈ ડાંગોદરા, દિલીપ વ્યાસ, ધર્મેન્દ્ર ચાવડા મારફત પ્રથમ પિતા-પુત્રને ડીમાન્ડ નોટિસ મોકલી હતી. તેમ છતાં નાણા નહી આપતા વેરાવળની મહે. જ્યુડી. મેજી. (ફ.ક.) સાહેબની કોર્ટમાં ધી નેગો. ઇન્સ્ટ્રુ. એકટની કલમ-138 હેઠળ ફરિયાદ દાખલ કરેલ હતી. જેમાં કેસ ચાલી જતા બંન્ને પક્ષોની દલીલો બાદ મહે. જ્યુડી. મેજી. પી.એન.લાખાણી સાહેબે આરોપી તુલસીભાઈ જાદવભાઈ કોટીયા અને અમીત કોટીયા રહે.વેરાવળને તકસીરવાન ઠેરવી છ માસની સજા તથા રૂ.5 હજારનો દંડ તથા રૂ.50 લાખની રકમ ફરિયાદીને વળતર તરીકે ચુકવવા હુકમ કરેલ હતો. અને જો વળતરની રકમ આરોપીઓ ન ચુકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.