રીઢો ગુનેગાર:ખુનના ગુનામાં પેરોલ પર છૂટી 6 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, ઓક્ટોબર-2016માં રાજકોટ જેલમાંથી છૂટ્યો’તો

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ પેરોલ ફર્લો સ્ક્વોડે મહારાષ્ટ્રમાંથી ઝડપ્યો

જૂનાગઢ પેરોલ ફર્લો સ્ક્વોડે ખુનના ગુનામાં પેરોલ પર છૂટી 6 વર્ષથી ફરાર રહેલા આરોપીને મહારાષ્ટ્રના ભૂસાવળમાંથી ઝડપી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં દોલતપરાના જીવા કાસમ પીપરવડિયા સામે કેસ નોંધાયો હતો.બાદમાં તે પાકા કામના કેદી તરીકે મધ્યસ્થ જેલ રાજકોટમાં સજા કાપી રહ્યો હતો.

દરમિયાન ઓકટોબર 2016માં તે 10 દિવસની પેરોલ રજા મંજૂર કરાવી રાજકોટ જેલમાંથી છૂટયો હતો પરંતુ મુદ્દત પૂરી થવા છત્તાં હાજર થવાના બદલે ફરાર રહ્યો હતો. બાદમાં એલસીબી પીઆઇ એચ.આઇ.ભાટીની સૂચના બાદ પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઇ વી.કે. ઉંજીયા, એએસઆઇ પ્રદિપભાઇ ગોહિલ,સંજયભાઇ વઘેરા,દિનેશભાઇ છૈયા, સંજયભાઇ ખોડભાયા વગેરેએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી મહારાષ્ટ્રના ભૂસાવળ ગામે નામ બદલીને રહે છે. બાદમાં તેને ભૂસાવળથી ઝડપી લઇ રાજકોટ જેલ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...