પોલીટીકલ:ભાજપની દૃષ્ટિએ જૂનાગઢ લોકસભા બેઠક જોખમી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની 5 લોકસભા બેઠકો પર અત્યારથીજ કેન્દ્રિય મંત્રીઓને પ્રભારી બનાવાયા

જૂનાગઢ શહેર ભાજપના કાર્યકરોમાં આજે ભારે ઉત્તેજના હતી. આજે જૂનાગઢની હોટલ સરોવર પોર્ટીકો ખાતે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલની પત્રકાર પરિષદ વખતે ભાજપના લગભગ તમામ સિનીયર આગેવાનો મોજુદ હતા. અને બધા તેમની સાથે લગભગ દિવસભર રહ્યા. કારણકે, જૂનાગઢ લોકસભા બેઠક ભાજપની દૃષ્ટિએ જોખમી છે.

ભાજપમાંથી મળતા સુર મુજબ, જૂનાગઢ લોકસભા બેઠક ભાજપ માટે જોખમી ગણાય છે. કારણકે, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓની વિધાનસભા બેઠકો લગભગ કોંગ્રેસ પાસે છે. 2019 માં પણ જૂનાગઢ બેઠક જોખમી ગણાતી હતી. અને જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભા બાદ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખાસ સુચના આપી હતી. ત્યારબાદ વિજય રૂપાણીએ સતત 3 દિવસ સુધી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સંખ્યાબંધ મીટીંગો યોજી હતી. પરિણામે જૂનાગઢ બેઠક બચી ગઇ.

અત્યારે ભાજપ હાઇકમાન્ડે જૂનાગઢમાં કેન્દ્રિય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ભાજપ સંગઠનમાંથી જયંતિભાઇ કવાડિયાને પ્રભારી બનાવ્યા છે. તેઓ વખતોવખત જૂનાગઢની મુલાકાતે આવતા રહેશે. અને અગ્રણીઓ, કાર્યકરો, શહેરનાં ગણમાન્ય નાગરીકો, જ્ઞાતિ સમાજો, સંતો સહિતની મુલાકાતો લેતા રહેશે અને તેના આધારે હાઇકમાન્ડને રીપોર્ટ કરતા રહેશે. ટૂંકમાં, જોખમી ગણાતી જૂનાગઢ લોકસભા બેઠકને સલામત બનાવવાની કવાયત ભાજપે અત્યારથીજ શરૂ કરી દીધી છે.

આજે કેન્દ્રિય મંત્રીએ જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક યોજી જેમાં વનવિભાગના અધિકારીને જે રીતે સુચનાઓ આપી અને સવાલો કર્યા એ ભાજપના કમીટેડ મતદારોનો વનવિભાગ સામેનો રોષ ઠંડો પાડવાની કોશીશના ભાગરૂપે પણ જોવાઇ રહ્યું છે. ખાસ કરીને જંગલમાં આવેલી હિંદુ ધાર્મિક જગ્યાને વનવિભાગે તાળાં માર્યા છે. ક્યાંક તો લાઇટના કનેક્શન પણ કાપી નાંખ્યા છે. અને બીજા અનેક સામે કાર્યવાહી કરે એવી જેતે જગ્યા સાથે સંકળાયેલા લોકોમાં ભિતી છે.

વળી વનવિભાગ દબાણ કરેલી વર્ગ વિશેષની જગ્યાઓમાં કાર્યવાહી માટે ફરકતું પણ ન હોવા સાથે હિંદુ ધર્મની જગ્યાઓનેજ નિશાન બનાવતું હોવાની અવારનવાર રોષપૂર્ણ રજૂઆતો થાય છે. અમુક કાર્યકરો તો ત્યાં સુધી કહે છેકે, વનવિભાગના વલણને કારણે આગામી ચૂંટણીમાં ભાજપે લોકોના રોષ ભોગ બનવું પડે તો પણ નવાઇ નહીં. જોકે, આગામી દિવસોમાં કેન્દ્રિય મંત્રી અને સંગઠનના પ્રભારીની મુલાકાતો વખતે નવા ધડાકા કેટલા થાય છે એના તરફ સહુની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...