એડમિશન માટે પડાપડી:જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કોલેજ 360 બેઠકો માટે અધધ 1300 વિદ્યાર્થીઓએ અરજી કરી, અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેશે

જુનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજમાં નજીવા દરની ફી અને સુવિધાઓ હોવાથી પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં પડાપડી
  • પ્રથમવાર જનરલ મેરીટ 77, ઓબીસી 71 %, એસસી 68 % અને ઇડબ્લ્યુએસ 44 % ટકાએ અટકયુ

વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરવાનું આકર્ષણ છે એવા સમયે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં પ્રવેશ માટે વિધાથીઓની પડાપડી જોવા મળી રહી છે. જેમાં કોલેજની 360 જગ્યાઓ ઉપર એડમીશન મેળવવા માટે 1300 વિધાર્થીઓએ અરજી કરી છે. આ વખતે પ્રથમવાર પ્રવેશ માટેનું મેરીટ રેકોર્ડ બ્રેક ટકાવારીએ અટકયુ છે. જેમાં જનરલ મેરીટ 77 % , ઓબીસી 71 %, એસ.સી.68 % અને ઇડબ્લ્યુએસ 44 % ટકાએ અટકયુ છે.

જૂનાગઢની બહાઉદીન વિનયન કોલેજનું ઇ.સ.1898 માં અંગ્રેજ સરકારના એજન્ટ એ.કે .હન્ટરે ખાતમુહૂર્ત કર્યું હતુ. સવાસો વર્ષથી આ કોલેજ કાર્યરત છે. અને ગુજરાતની જૂનામાં જૂની એવી કોલેજ છે કે જેનું ખાતમુહૂર્ત થયા બાદ અત્યાર સુધી બિલ્ડીંગનો કોલેજ તરીકે જ ઉપયોગ થઈ રહયો છે. આ ઐતિહાસિક કોલેજને હેરિટેજનો દરજ્જો પણ મળ્યો છે. આ કોલેજમાં ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, મનોજ ખંઢેરિયા તેમજ અનેક ઉદ્યોગપતિ, વકીલો, ધારાસભ્યો પણ અભ્યાસ કરી ચુક્યા છે.

રેકર્ડબ્રેક ટકાવારીએ મેરીટ અટકયું
થોડા સમય પહેલા ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ આવ્યુ ત્યારબાદ બહાઉદીન આર્ટ્સ કોલેજમાં ઓનલાઇન પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં મુદત દરમ્યાન કોલેજની કુલ 360 જગ્યા ઉપર એડમીશન મેળવવા માટે 1300 વિદ્યાથીઓએ અરજી કરી હોવાનું સામે આવ્યુ છે. આ અંગે કોલેજના પ્રિન્સિપાલ ડો.બારસીયાએ જણાવ્યું હતું કે આ વખતે આર્ટસમાં પ્રવેશ માટે પ્રથમ વાર આટલી અરજી આવી છે અને પ્રથમ સંખ્યમાં વિક્રમજનક મેરીટ અટકયું છે. જેમાં જનરલમાં 77 ટકા, ઓબીસીમાં 71 ટકા, એસસીમાં 68 ટકા, એસટીમાં 49 ટકા અને ઇડબ્લ્યુએસમાં 44 ટકાએ મેરીટ અટકયું છે.

કોલેજની લાયબ્રેરીમાં 55 હજાર પુસ્તકો
વધુમાં જણાવેલ કે, કોલેજમાં જીપીએસસી પાસ સ્ટાફ છે અને એક પણ જગ્યા ખાલી નથી. કોલેજની લાયબ્રેરીમાં 55 હજારથી વધુ પુસ્તક છે. દર ગુરુવારે રુદ્રાક્ષ કાર્યક્રમ ચાલે છે. જેમાં એક સફળ વ્યક્તિના અનુભવો ઓનલાઇન શેર કરવામાં આવે છે. દર મંગળવારે કોલેજના સમય પૂર્વે મૂલ્યલક્ષી લેવામાં આવે છે. જે પ્રિન્સીપાલ લે છે. જેમાં શીલ ચારિર્ત્યની વાતો ઉદાહરણ સાથે કરી વિધાથીઓને જ્ઞાન આપવામાં આવે છે.

કોલેજમાં નજીવા દરની ફી માં શિક્ષણ સાથે સુવિધા
બહાઉદીન સરકારી આર્ટસ કોલેજમાં બહેનોની સત્રની ફી માત્ર રૂ.5 છે. હોસ્ટેલમાં રહેવા માટે સત્રની ફી માત્ર રૂ.65 છે. બસની સુવિધા ફ્રી મળે છે. લોકો મોંઘુ શિક્ષણ સારૂ માને છે પરંતુ કોઈ ખાનગી કોલેજમાં જીપીએસસી પાસ અધ્યાપક નહીં હોય અને ત્યાં આટલી ઓછી ફી પણ નહીં હોય અને ત્યાં આટલી ઓછી ફીમાં અભ્યાસ કરાવવામાં પણ આવતુ નહીં હોય તેવું સારૂ શિક્ષણ બહાઉદીન કોલેજમાં સુવિધા સાથે આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...