વેરાવળ શહેર અને પંથકના બે જુદા જુદા કિસ્સાઓમાં માસુમ બાળકોને પોતાની પાસે રાખી પતિ સહિતના સાસરીયાઓ દ્વારા ઘરની બહાર કાઢી મુકવામાં આવી હતી. આ બંન્ને કિસ્સામાં 181 અભયમ ટીમએ મદદે આવી માતૃત્વના પ્રેમથી વંચિત બાળકોને તેમની માતાઓને કબ્જો અપાવવાની સાથે સમાધાન કરાવી તુટતી ગૃહસ્થી બચાવવાની ઉમદા ફરજ નિભાવી છે. આમ વેરાવળ સોમનાથના 181 અભયમ સેવાના સ્ટાફએ ફરજ નિષ્ઠાથી મહિલાઓની જરૂરિયાત સમયે મદદ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં રહેતા એક પરિવારમાં પતિ દ્વારા બાળક સાથે પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી. જે અંગે પીડિતાના ભાઈએ 181 અભ્યમ સેવા પાસે મદદ માંગી હતી. જેને લઈ અભ્યમ ટીમના કાઉન્સિલર ભારતી પરમાર, મહિલા પોલીસ અલ્પા ડોડીયા, પાઇલોટ અલ્પેશ બામણીયા ત્વરીત સ્થળ પર પહોંચી ગયા હતા. પીડિતાનું કાઉન્સલીંગ અને તેના ભાઈ સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે, પરિણીતા માનસિક રીતે થોડી નબળી હોય અને તેણીને બે સંતાનો છે. તેમનો પતિ અવાર નવાર માર મારતો તેમજ ઘરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પાડતો ન હતો. છેલ્લે પતિ દ્વારા માર મારી એક દોઢ વર્ષના બાળકને પોતાની પાસે રાખી ઘરેથી કાઢી મુકેલ હતી. બાદમાં પતિને બોલાવી કાયદાકીય માર્ગદર્શન આપવાની સાથે સમજાવી સમાધાન કરાવતા તે સાથે રાખવા તૈયાર થઈ ગયો હતો. બાદમાં પહેલા બાળકનો કબ્જો માતાને અપાવેલ બાદમાં બંન્નેને ઘરે મોકલ્યા હતા.
જ્યારે બીજા કિસ્સામાં વેરાવળ તાલુકાના એક ગામમાંથી પરિણીતાએ અભ્યમ સેવા પાસે મદદ માંગી હતી. જેના આધારે 181 ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ત્યાં પરિણીતાનું કાઉન્સેલિંગ કરતા આ મહિલાના છ વર્ષ પૂર્વે લગ્ન કરી સાસરે આવી હતી અને બે સંતાનો છે. પરંતુ તેના સાસુ, નણંદ દ્વારા મહિલાના પતિના કાન ભંભેરણી કરી ઝઘડા કરાવતા હોવાથી થોડો સમય પહેલા પરિવારથી અલગ રહેવા જતા રહ્યા હતા. તેમ છતાં પણ પતિ, સાસુ, નણંદ દ્વારા મહિલાને વારંવાર માનસિક શારિરીક ત્રાસ આપી રહેલ હતા. બેએક દિવસ પહેલા મહિલા સાથે ત્રણેયએ મારકૂટ કરી બે વર્ષના બાળકને જબરજસ્તી લઈ ઘરની બહાર કાઢી મુકી હતી.
જે વિગતના આધારે 181 ના સ્ટાફએ પતિ, સાસુ અને નણંદને કાયદાકીય માહિતી આપી સમજાવ્યા હતા. બાદમાં સમાજના આગેવાનોની હાજરીમાં બંન્ને પક્ષોને સામસામે બેસાડી નાના મોટા ઝઘડા થતા એવા પ્રશ્નોનું વાતચીતથી નિરાકરણ લાવી સમાધાન કરાવ્યુ હતુ. બાદમાં સાસરિયાઓ પાસેથી બે વર્ષના બાળકનો કબ્જો માતાને અપાવી ભવિષ્યમાં ફરી કોઈ માનસિક શારિરીક ત્રાસ નહીં આપે તેવી લેખિત બાંહેધરી લઇ સુખદ સમાધાન કરાવેલ હતુ. આમ, 181 અભ્યમ ટીમે કરેલ કામગીરીએ બે માસુમ બાળકોને માતૃત્વનો પ્રેમ અપાવવાની સાથે તુટતા ઘર બચાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.