માંગરોળ બેઠકનો ચૂંટણી જંગ:આપના ઉમેદવારે કહ્યું- અહીં સીધી ટક્કર આપ અને ભાજપ વચ્ચે, ભાજપને અહીં ડર લાગ્યો એટલે સ્ટાર પ્રચારકો ઉતારવા પડ્યા

જુનાગઢ9 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરસોરથી પ્રચાર પ્રસારના પડઘમો પણ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા કોઈ પણ ભોગે ચૂંટણી જીતવા પોત પોતાના કાર્યકર્તાઓને કામે લગાડવામાં આવ્યા છે. મતદારોને રિઝવવા માટે ડોર ટુ ડોર પ્રચારથી લઇ રુઠણા મનામણાની કોઈપણ રમત રાજકીય પક્ષો રમવા તૈયાર થઈ ગયા છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમારે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસને આમ આદમી પાર્ટીથી ડર લાગી રહ્યો છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને માંગરોળની બેઠક ભાજપને જીતાડવા માટે અહીં પ્રચારમાં મોકલવામાં આવ્યા હોય આનાથી વિશેષ ડરનો દાખલો બીજો શું હોઈ શકે.?

વધુમાં પિયુષ પરમારે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારી ભાજપથી લોકો થાકી ગયા છે તો બીજી તરફ વહેંચાઈ ગયેલી કોંગ્રેસ ચુંટણી મેદાને નથી.ત્યારે માંગરોળ વિધાનસભામાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. તો વધુમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમારે જણાવ્યું હતું કે માંગરોળ વિધાનસભા બેઠકના મતવિસ્તારમાં માત્ર એક જ અવાજ થઈ રહ્યો છે કે એક મોકો કેજરીવાલને એક મોકો આમ આદમી પાર્ટીને.

કૉંગ્રેસ પાસે તમામ બુથ પર ચૂંટણી એજન્ટો પણ નથી
જ્યારે બે ટર્મથી કોંગ્રેસ વિજેતા બનતી હતી ત્યારે માંગરોળના ધારાસભ્ય પાસે યુવાધનનો સપોર્ટ હતો. પિયુષ પરમાર એ પણ જણાવ્યું હતું કે પોતે પણ એ સમયે કોંગ્રેસના સૈનિક હતા. કૉંગ્રેસ માટે કામ કરતા હતા ત્યારે હાલના ઉમેદવાર બાબુ વાજાને યુવાધને જીત અપાવી હતી.પરંતુ હાલ કોંગ્રેસના ઉમેદવાર બાબુ વાજા પાસે એક પણ યુવા કાર્યકર નથી. અને ચેલેન્જ ફેકતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમારે જણાવ્યું હતું કે 130 મતદાન બુથ પર કોંગ્રેસના ઉમેદવાર બાબુ વાજા પાસે બુથ એજન્ટો પણ નથી.તો લડાઈ માં કોંગ્રેસ છે જ નહિ તેવું આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમારે જણાવ્યું હતું પરંતુ રાજકીય પક્ષો પોતાના હિતમાં હંમેશા વાત કરતા હોય છે ત્યારે ચૂંટણીનું પરિણામ આવતા જ નક્કી થશે કે માંગરોળ વિધાનસભાના ધારાસભ્યનો તાજ કોના શિરે જાય છે.

અન્ય સમાચારો પણ છે...