આજે વિશ્વ પ્રખ્યાત એશિયાટિક સિંહોને નિહાળી બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન અભિભૂત બની ગયા હતા. વહેલી સવારે આમિર ખાને પરિવારજનો સાથે દસથી વધુ વાહનોમાં સાસણમાં જંગલ સફારીનો લહાવો લીઘો હતો. અલગ અલગ રૂટ પર 10થી વધુ સિંહો જોયા હતા. ગીરમાં સિંહ દર્શન કર્યા બાદ આમિર ખાને જણાવ્યું હતું કે, વેડિંગ એનિવર્સરી મનાવવા માટે ક્યાં જઇએ તો અમે ગુજરાતમાં ગીરને પસંદ કર્યું હતું અને અહીં આવ્યા હતા. અમે આના વિશે ઘણું સાંભળ્યું હતું અને ખરા અર્થમાં અમને તેના કરતા વધારે મળ્યું છે. અમે ખુશનસીબ છીએ કે સિંહ જોવા મળ્યા. હું લોકોને કહીશ કે જ્યારે પણ મોકો મળે ત્યારે અહીં આવવું જોઇએ.
ગીર આવશો તો એ જોવા મળશે જે રેર અને ભારતનું ગૌરવ છે
ગીરમાં સિંહ દર્શન કર્યા બાદ આમિર ખાને પત્રકારોને જણાવ્યું હતું કે, ગીર આવવાનો પહેલીવાર મોકો મળ્યો છે. 28 ડિસેમ્બરે મારી અને કિરણની વેડિંગ એનિવર્સરી છે. આ તકે અમને લાગ્યું કે અમારે ગીરની મુલાકાત કરવી જોઇએ. અમે ઘણું સાંભળ્યું હતું અને અમે જે સાંભળ્યું હતું, તેના કરતા વધારે અમને મળ્યું છે. આ ખુબ સુંદર જગ્યા છે. અમે ખુશનસીબ છીએ કે અમને સિંહ જોવા મળ્યા છે. અલગ અલગ એક્શન જોવા મળી. ખૂબ જ મજા આવી. હું લોકોને કહીશ કે જો તમે ગીર આવશો તો તમને એ જોવા મળશે જે રેર છે અને આપણા ભારતનું ગૌરવ છે. હું લોકોને કહીશ કે જો મોકો મળે તો અહીં આવવું જોઇએ.
10થી વધુ વાહનોમાં જંગલ સફારી કરી
બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાન તેમની વેડિંગ એનિવર્સરીની ઉજવણી અર્થે પરિવારજનો સાથે વિશ્વ પ્રખ્યાત સાસણ ગીરની મુલાકાતે શનિવારે સાંજે આવી પહોંચ્યા હતા. સાસણ ગીરમાં આવેલી વુડઝ હોટલમાં રાત્રી રોકાણ કર્યું હતું. આજે રવિવારે વહેલી સવારે 6 વાગ્યે આમિર ખાન પરિવારજનો સાથે હોટલથી સાસણ ગીરના નેશનલ પાર્ક પહોંચ્યા હતા. જયાં તેમનું જંગલમાં સફારી કરવા જવા માટે અગાઉથી બુકિંગ હોવાથી દસથી વધુ જીપ્સી સહિતની કારોમાં જંગલના રાજા સિંહો જોવા ગીર જંગલની સફારીમાં નીકળ્યાં હતાં.
આમિર ખાને ગીર જંગલની વિશેષતા જાણી
જંગલમાં સફારી દરમ્યાન આમિર ખાન સાથે વનવિભાગના ટ્રેકર્સ સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો. સ્ટાફ પાસેથી આમિર ખાને ગીર જંગલની વિશેષતા જાણી હતી. અંદાજે સવા બે કલાક સુઘી આમિર ખાન તેના પરિવારજનો સાથે જંગલ સફારીના જુદા-જુદા રૂટો પર ફરી જંગલના રાજા સિંહ-સિંહણને ટહેલતા અને આરામ ફરમાવતા નિહાળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.