નિર્ણય:મનપાની સાથે શહેરમાં 14 સ્થળે થશે આધારકાર્ડની કામગીરી, મનપા સુધી લાંબા નહિ થવું પડે

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના સંક્રમણના ભય વચ્ચે મનપા કચેરીએ થતી ભીડને ઓછી કરવા લેવાયો નિર્ણય
  • શહેરીજનોને ઘરની નજીક જ ઝોનલ ઓફીસમાં મળશે સેવા : કમિશ્નર

જૂનાગઢમાં મહાનગરપાલિકા ઉપરાંત શહેરના અન્ય 14 સ્થળોએ પણ આધારકાર્ડની કામગીરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. આ અંગે કમિશ્નર રાજેશ તન્ના અને મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા યુનીક આઇડેન્ટિફિકેશન માટે 12 અંકોના નંબર આપવામાં આવ્યો છે. આવા આધારકાર્ડ નંબર દ્વારા બેન્કખાતું ખોલવું, નવો મોબાઇલ નંબર મેળવવો, એલપીજી કનેકશન મેળવવું તેમજ સરકારની ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર (ડીબીટી) યોજનાનો લાભ મેળવી શકાય છે.

દરમિયાન મહાનગરપાલિકા ખાતે તો આધારકાર્ડની કામગીરી ચાલુ જ છે, પરંતુ શહેરીજનોને ઘર નજીક સેવા ઉપલબ્ધ થાય અને મનપા સુધી લાંબા ન થવું પડે તે માટે શહેરમાં અન્ય 14 જગ્યાએ પણ આધારકાર્ડની કામગીરી શરૂ કરાય છે. ત્યારે આધારકાર્ડમાં નામ નોંધાવવા, નવો આધાર નંબર મેળવવા તેમજ જરૂરી ફેરફાર માટે અરજદારોને ઘરની નજીક જ સેવા મળી શકશે.

આમાં જોષીપરા ઝોનલ ઓફિસ, દોલતપરા ઝોનલ ઓફિસ, ટીંબાવાડી ઝોનલ ઓફિસ, તાલુકા સેવા સદન, દાણાપીઠની તાલુકા શાળાની આંગણવાડી, સંજય નગર ગાંધીગ્રામની આંગણવાડી, ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ, આઇટીઆઇ પાસેના બીઆરસી ભવન, દિવાન ચોકની બેન્ક ઓફ ઇન્ડિયામાં, રાયજીબાગ પાસેની આઇસીઆઇસી બેન્ક, જોષીપરાની સૌરાષ્ટ્ર ગ્રામિણ બેન્ક, બહાઉદીન કોલેજ પાસેની બેન્ક ઓફ બરોડામાં, રાયજીબાગ શોપીંગ સેન્ટરની એક્સિસ બેન્ક અને ઝાંઝરડા ચોકડી સ્થિત શુભ કોમ્પ્લેક્સના સીએસસી આધાર સેવા કેન્દ્ર ખાતે અજરદારો સંપર્ક કરી શકે છે.

કામનું ભારણ પણ ઘટશે
અત્યાર સુધી મોટાભાગના અરજદારો આધારકાર્ડની કામગીરી માટે મહાનગરપાલિકા ખાતે જ આવતા હતા, પરિણામે મનપાના કર્મચારીઓ પર કામનું પણ ભારણ વધી જતું હતું અને અજરદારોને પણ મુશ્કેલી થતી હતી. હવે 14 સ્થળે કામગીરી થઇ રહી છે. પરિણામે અજરદારો મહાનગરપાલિકાના બદલે સ્થાનિક સ્તરે જ કામગીરી માટે જશે. આમ, મનપા ખાતે ભીડ ઓછી થશે જેથી કામનું ભારણ ઘટશે અને અજરદારોને ઝડપથી આધારકાર્ડ મળી શકશે.

કોઇ મુશ્કેલી હોય તો મનપાનો સંપર્ક કરવો
14 સ્થળે આધારકાર્ડની કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા સૂચના અપાઇ ગઇ છે. ત્યારે લોકો સ્થાનિક સ્તરે જ આધારકાર્ડ માટે જાય તે જરૂરી છે. જોકે, કોઇ મુશ્કેલી જણાય તો અરજદારો મહાનગરપાલિકાનો સંપર્ક કરી શકે છે.

મનપા ખાતે થતો ધસારો ઘટશે
સામાન્ય રીતે મોટાભાગના અરજદારોને અન્ય જગ્યાએ આધારકાર્ડ બને છે તેની જાણકારી નથી હોતી. પરિણામે અરજદારો સીધા મહાનગરપાલિકાની ઓફિસે ધસારો કરે છે. હવે શહેરમાં અન્ય 14 સ્થળે પણ કામગીરી કરવામાં આવતા મહાનગરપાલિકા ખાતે થતો ધસારો ઘટશે અને કામગીરી પણ ઝડપથી થઇ શકશે.

લોકોના સમય, નાણાંની પણ બચત થશે
ખાસ કરીને શહેરના વિવિધ 14 સ્થળોએ આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવી છે પરિણામે અરજદારોને મહાનગરપાલિકા સુધી આવવું નહિ પડે. સ્થાનિક સ્તર પર આધારકાર્ડની કામગીરી ઉપલબ્ધ થતા લોકના સમય અને નાણાંની બચત થશે. અહિં ભીડ ઓછી હોય કામગીરી પણ ઝડપથી થશે જેથી અરજદારોને ઘણી રાહત રહેશે.

અન્ય સમાચારો પણ છે...