તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી:જૂનાગઢ જિલ્લામાં 17,956 ખેડૂતોને કુલ 1,11,25,86,175 રૂપિયા ચૂકવાયા

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સરકારે ખરીદી કર્યા બાદ નાણાંની ચૂકવણી પણ કરી દેતા ખેડૂતોમાં ખુશી
  • હવે ખેડૂતોને અન્ય વાવેતર માટે નાણાં શોધવા જવું નહી પડે

જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદીની કામગીરી પૂર્ણ થયા બાદ નાણાંની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. આમ, જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીની કામગીરી 100 ટકા પૂર્ણ થઇ છે. તમામ ખેડૂતોને નાણાં ચૂકવાઇ ગયા છે પરિણામે ખેડૂતોને અન્ય વાવેતર કરવા માટે નાણાં શોધવા જવું નહિ પડે. નાણાં મળી જતા હવે વાવતેર માટે બિયારણ, ખાતર, દવા વગેરે ખરીદી શકશે.

આ અંગે ડિસ્ટ્રીક્ટ સપ્લાયર મામલતદાર એન. કે. મોરીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાયું હતું અને 8 માર્ચથી ખરીદી શરૂ કરાઇ હતી.ચણાનો ટેકાનો ક્વિન્ટલનો ભાવ 5,100 રહ્યો હતો. જ્યારે ઘઉંમાં પણ 8 માર્ચથી 31 માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાયું હતું અને 1 એપ્રિલથી ખરીદી શરૂ કરાઇ હતી. 20 કિલો ઘઉંનો ટેકાનો ભાવ 395 રૂપિયા રહ્યો હતો. દરમિયાન હાલ ઘઉં અને ચણાની ટેકાને ભાવે થતી ખરીદી પૂર્ણ થઇ ગઇ છે. સાથે સરકારે નાણાં પણ ચૂકવી દીધા છે. અત્યાર સુધીમાં ચણાના 13,852 અને ઘઉંના 4,104 મળી કુલ 17,956 ખેડૂતોએ પોતાની જણસી ટેકાના ભાવે વેંચી છે. સરકારે ચણાના 68,50,24,350 રૂપિયા અને ઘઉંના 42,75,61,825 મળી કુલ બન્ને જણસીના 1,11,25,86,175 રૂપિયાનું ચૂકવણું પણ કરી દીધું છે. આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરી દેવાઇ છે પરિણામે ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઇ છે. હવે નવું વાવેતર કરવા માટે ખેડૂતોને બિયારણ, દવા, ખાતર વગેરે ખરીદવામાં આસાની રહેશે અને કોઇની પાસે હાથ લંબાવવો નહિ પડે.

કુલ 3,301 ખેડૂતોને બ્લોક કરાયા હતા
ટેકાના ભાવે ચણાની ખરીદીમાં 2,964 ખેડૂતોને તેમજ ઘઉંની ખરીદીમાં 337 ખેડૂતો મળી કુલ 3,301 ખેડૂતોને બ્લોક કરાયા હતા. ખાસ કરીને રજીસ્ટ્રેશનમાં ભૂલ હોય, ખોટા અથવા અધૂરા આધાર પુરાવા રજૂ કર્યા હોય તો તેવા ખેડૂતોને જાણ કરાય છે કે, ડોક્યુમેન્ટ ઘટે છે, સુધારો કરવાનો છે, આધાર પૂરાવા રજૂ કરવાના છે. આવી જાણ કરવા છત્તાં ખેડૂતો દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતા આવા ખેડૂતોને બ્લોક કરી દેવામાં આવે છે.

ચણામાં આ રીતે ખરીદી થઇ
ચણાનું ટેકાના ભાવે વેંચાણ કરવા માટે કુલ 45,240 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 42,276 ખેડૂતોને વેંચાણ માટે આવી જવા એસએમએસથી જાણ કરાઇ હતી. જ્યારે 2,964 ખેડૂતોને બ્લોક કરાયા હતા. દરમિયાન 42,276 ખેડૂતોમાંથી ટેકાના ભાવે વેંચાણ કરવા માટે માત્ર 13,852 ખેડૂતો આવ્યા હતા. સરકારે તેમની પાસેથી 1,34,318.50 ક્વિન્ટલ ચણાની ખરીદી કરી હતી. આ તમામ ખરીદીના મળી કુલ 68,50,24,350 રૂપિયાની ચૂકવણી પણ સરકારે કરી આપી છે. હવે કોઇ ખેડૂતના નાણાં બાકી નથી.

ઘઉંની આ રીતે ખરીદી થઇ
ઘઉંનું ટેકાના ભાવે વેંચાણ કરવા માટે કુલ 7,653 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં 7,316 ખેડૂતોને ઘઉંના વેંચાણ માટે ખરીદી કેન્દ્રો પર આવવા એસએમએસથી જાણ કરાઇ હતી જ્યારે 337 ખેડૂતોને બ્લોક કરવામાં આવ્યા હતા. જોકે, એસએમએસ કરાયેલા 7,316 ખેડૂતોમાંથી ટેકાના ભાવે ઘઉંનું વેંચાણ કરવા માટે માત્ર 4,104 ખેડૂતો જ આવ્યા હતા. સરકારે તેની પાસેથી 2,16,487 ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરી હતી જેના 42,75,61,825 રૂપિયાની ચૂકવણી પણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...