અકસ્માત:માળિયાહાટિનાના વિરડી ગામ પાસે સ્કૂલ બસ રોડ પરથી ઉતરી જતા પલટી ગઈ, 16 વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પલટી મારી ગયેલ સ્કુલ બસ - Divya Bhaskar
પલટી મારી ગયેલ સ્કુલ બસ
  • ઇજાગ્રસ્તો પૈકી 8 ગંભીર જણાતા જૂનાગઢ રીફર કરવા તજવીજ હાથ ધરવામાં આવી
  • અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી

જૂનાગઢના માળીયાહાટીના તાલુકાના વિરડી ગામના પાટીયા પાસે આજે મોડી સાંજે કીડીવાવ ગામની શૈક્ષણિક સંકુલની સ્કુલ બસ રસ્તા પરથી ઉતરી જતા પલ્ટી મારી ગઈ હતી. જેમાં સવાર 24 વિદ્યાર્થિનીઓમાંથી 16ને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે 108 મારફત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી. ઇજાગ્રસ્તો પૈકી 8 વિદ્યાર્થીનીઓ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવેલ હતી.

આ અકસ્માતની પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળ તાલુકાના કીડીવાવની શેક્ષણિક સંસ્થાની વિદ્યાર્થિનીઓ સાથેની સીટી રાઈડ બસ સાસણ ગીર ખાતેથી એક શિબિર પતાવી પરત ફરી રહી હતી. ત્યારે આજે સાંજના છએક વાગ્યા આસપાસ માળીયાહાટીના તાલુકાના વિરડી- અમરાપુર રોડ પરથી સીટી રાઈડ બસ પસાર થઈ રહી હતી તે સમયે એકાએક ચાલકએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પરથી નીચે ઉતરી જતા પલટી મારી ગઈ હતી. ત્યારે રોડ પરથી પસાર થઈ રહેલ અન્ય વાહનચાલકો અને રાહદારીઓ બચાવવા અર્થે દોડી ગયા હતા.

બસમાં સવાર 24 પૈકી ઇજાગ્રસ્ત બનેલ 16 વિદ્યાર્થીનીઓને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ મારફત નજીકના માળીયા હાટીનાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડેલ હતી. જ્યાં ફરજ પરના તબીબ ડો.જે.પી.સામતાએ ઇજાગ્રસ્તો ને પ્રાથમિક સારવાર આપી હતી. ઘાયલોમાંથી 8 વિદ્યાર્થીનીઓ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવા તજવીજ હાથ ધરી છે. આ અકસ્માતની જાણ થતા પીએસઆઇ મંધરા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...