• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • A Quantity Of Illegally Sold Biodiesel Was Seized At A Truck Workshop At Veraval Bypass Intersection, Worth Rs. Muddamal Of Rs 15.20 Lakh Seized

કાર્યવાહી:વેરાવળ બાયપાસ ચોકડી પર ટ્રક વર્કશોપમાં ગેરકાયદેસર વેચાતો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો, રૂ. 15.20 લાખનો મુદ્દામાલ જપ્ત

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થળ પર તપાસ કરી રહેલ પોલીસ અધિકારીઓ - Divya Bhaskar
સ્થળ પર તપાસ કરી રહેલ પોલીસ અધિકારીઓ
  • એએસપીએ બાતમીના આધારે દરોડો પાડી પર્દાફાશ કર્યો
  • 12 હજાર લીટર બાયોડીઝલના જથ્થા સહિત 15.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
  • સ્થળ પરથી વેચાણ કરી રહેલા અગ્રણી ટ્રાન્સપોર્ટર સહિત ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા

વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર તાલાલા ચોકડી પાસે ગત મોડીરાત્રીના એક ટ્રક વર્કશોપમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાયો ડીઝલ વેચાણના પંપ પર એએસપીએ ખુદ દરોડો પાડી સપાટો બોલાવ્યની આકરી કાર્યવાહી કરી છે. જેમાં એએસપી ઓમપ્રકાશ જાટએ ખુદ એક ટ્રકમાં બાયોડીઝલ ભરતા જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસો.ના હોદ્દેદાર સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. સ્થળ પરથી 12 હજાર લીટર બાયોડીઝલના જથ્થો, સીનટેક્સની ટાંકી, ઇલેક્ટ્રીક ફ્યુલ પંપ, પીક અપ ગાડી, ટ્રક, મોટર સહિત કુલ રૂ.15.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર બાયોડીઝલનું વેંચાણ કરતા રંગેહાથ પકડાયેલા આરોપી સતીષ વાળાને ત્યાંથી એક માસ અગાઉ પણ શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો પકડાયેલ હોવાનું સામે આવ્યુ છે.

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું બેફામ વેંચાણ થઈ રહ્યું હોવાની વારંવાર ફરીયાદો ઉઠતી હતી. દરમ્યાન ગતરાત્રીના જિલ્લામાં બાયોડીઝલ વેંચાણની પ્રવૃત્તિ ડામી દેવા માટે બનાવેલી પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન તે ટીમના કરશનભાઈ મુસારને બાતમી મળેલી કે, વેરાવળ સોમનાથ બાયપાસ રોડ પર તાલાલા ચોકડી પાસે બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. જે માહિતીના આધારે ગત મોડીરાત્રે એએસપી ઓમપ્રકાશ જાટએ પીઆઈ આહીર સહિતના સ્ટાફને સાથે બાયપાસ રોડ પર તાલાલા ચોકડી પાસે સતનામ પાર્કની સામે આવેલ રાધાકૃષ્ણ નગર વિસ્તારમાં એક ટ્રક વર્કશોપ પર દરોડો પાડયો હતો.

આ દરમિયાન સમયે વર્કશોપમાં સતીષ પુનભાઈ વાળા, પરબત રાજશીભાઈ સોલંકી બાયોડીઝલનું વેંચાણ કરી રહ્યા હતા. જ્યારે ડ્રાઇવર રામ કોડીયાતર પોતાની ટ્રક નં. (GJ-25-T-8982)માં બાયોડીઝલ ભરાવી રહ્યો હતો. વર્કશોપમાં અન્ડરગ્રાઉન્ડ લોખંડના ટાકામાં, પીક અપ ગાડીમાં રાખેલ સીનટેક્સની ટાંકીઓમાં પીળા કલરનું શંકાસ્પદ બાયોડીઝલનો અંદાજે 12 હજાર લીટરનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ટ્રક વર્કશોપના કમ્પાઉન્ડમાં અન્ય બે ટ્રકો પણ બાયોડીઝલ ભરાવવા આવેલ હોવાનું સામે આવ્યું હતું.

આ જથ્થા રાખવા અંગે જરૂરી લાયસન્સ સાહિના આધારો માંગતા તે ન હોવાનું ગેરકાયદેસર બાયોડીઝલ પંપ ચલાવતા સતીષ વાળાએ જણાવ્યું હતું. જેથી સ્થળ પરથી અંદાજે 12 હજાર લીટર બાયોડીઝલ કિં. રૂ.7.20 લાખ તથા એક ટ્રક, મહિન્દ્રાની પીક અપ ગાડી, બે ઇલેક્ટ્રીક મોટરવાળો ડીજીટલ ફ્યુલ પંપ, ઇલેક્ટ્રીક મોટર, પીવીસી પાઇપ, બે મોબાઈલ મળી કુલ રૂ.15.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આજે સવારે જપ્ત કરાયેલા બાયોડીઝલના જથ્થામાંથી સેમ્પલ લઈ પૃથકરણ માટે મોકલવા માટે મામલતદારએ કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે પીઆઈ એન.એમ. આહીરએ જણાવ્યું હતુ કે, બાયોડીઝલના ગેરકાયદેસર વેંચાણના પર્દાફાશમાં સ્થળ પરથી સતીષ પુનભાઈ વાળા, પરબત રાજસીભાઇ સોલંકી, ટ્રક ચાલક રામ કોડીયાતરની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ટ્રક વર્કશોપ આરોપી સતીષના સંબંધી બાબુભાઇ કાળાભાઈ વાળાની માલિકીનું હોવાનું સામે આવ્યું હોવાથી તેમને આરોપી બનાવવી અટક કરવા તજવીજ હાથ ધરી છે.

આરોપી સતીષ વાળા અગાઉ ગીર સોમનાથ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનનો પ્રમુખ હતો. એક માસ પૂર્વે સતીષ વાળાને ત્યાંથી મોટીમાત્રામાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો પકડાયો હતો. તે સમયે લેવાયેલ નમૂનાને.પૃથક્કરણ માટે મોકાયેલ હોય જેનો રીપોર્ટ આવવાનો બાકી છે.

આરોપી સતીષ વાળા પર એક માસ પહેલા પડેલ દરોડા બાદ થોડા સમય માટે તેણે ગેરકાયદેસર બાયોડીઝલ વેંચાણની પ્રવૃત્તિ બંધ કરી દીધી હતી. બાદ છેલ્લા થોડા દિવસોથી ફરી બાયોડીઝલ વેચવાનું શરૂ કર્યું હતું. આજે જપ્ત કરાયેલ બાયોડીઝલનો જથ્થો મોરબીની એક પેઢી પાસેથી લીધો હોવાનું પ્રાથમીક પૂછપરછમાં જાણવા મળેલ હોવાનું પીઆઈ એન.એમ. આહીરએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં જવાબદાર પોલીસ સહિતના તંત્રની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું બેફામ વેચાણ થઈ રહેલ છે. આ ગેરકાયદેસર વેંચાણ કોઈ રોકટોક વગર ચાલે તે માટે જવાબદાર તંત્ર અને પોલીસની ખાસ બ્રાન્ચને નિયમિત પ્રસાદી ધરવામાં આવે છે. જેના લીધે અત્યાર સુધીમાં જિલ્લામાં એકપણ સ્થળે બાયોડીઝલનું વેચાણ થતું હોવા સમયે સ્થાનીક પોલીસ કે બ્રાન્ચએ દરોડો પાડી શકી નથી. તેવા સમયે એએસપીએ દરોડો પાડી બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કરતા સ્થાનીક પોલીસ અને બ્રાન્ચની કામગીરી શંકાના દાયરામાં આવી હોવાની જાણકારોમાં છડેચોક ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...