દારૂનો જથ્થો ઝડપાયો:સાબલપુર પાસેથી 11,45,280નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ દારૂ, ટ્રક સહિત કુલ 18.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢ એલસીબીએ ટ્રકમાં લવાયેલ 11.45 લાખના દારૂ સાથે 1 શખ્સને ઝડપી લીધો છે. જ્યારે દારૂ મંગાવનાર 2 શખ્સની શોધખોળ હાથ ધરી છે. દારૂની બદીને નાબુદ કરવા રેન્જ આઇજીપી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટની સૂચના બાદ એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાતમી મળી કે, હોળી ધૂળેટીના પર્વ સબબ જીજે 14 ઝેડ 0787 નંબરના ટ્રકમાં દારૂની હેરફેર થવાની છે. આ દારૂ રાજકોટથી જૂનાગઢ લાવવા ટ્રક નિકળી ગયો છે અને સાબલપુર ચોકડી નજીક તેનું કટિંગ થવાનું છે.

બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.જે. પટેલ, પીએસઆઇ જે.જે. ગઢવી, ડી. કે.ઝાલા અને સ્ટાફે સાબલપુર ચોકડીએ વોચ ગોઠવી હતી. ત્યારે ટ્રક પસાર થતા તેને રોકી તલાશી લેતા બટેટાની 20 ગુણીની નીચે છૂપાવેલો વિવિધ બ્રાન્ડનો 2,748 બોટલ ઇંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 11,45,280 થાય છે તે મળી આવ્યો હતો. એલસીબીએ દેવદત બાવકુભાઇ બસીયા(જેતપુરના જીથડી ગામ વાળા)ને ઝડપી લીધો હતો. પોલીસે 11,45,280નો દારૂ, 7 લાખનો ટ્રક, 10,000ના બટેટા, 10,000નો મોબાઇલ તેમજ રોકડા 2,700 મળી કુલ 18,67,980નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વધુ તપાસમાં આ દારૂનો જથ્થો પ્રોહિબીશન બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાએ મંગાવ્યો હોવાની જણાવ્યું હતું. ત્યારે એલસીબીએ ધીરેન અમૃતલાલ કારીયા અને ભગા કરશન ભારાઇને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...