દરખાસ્ત:ધોરાજી રોડ ઉપર સુખપુરની જમીનમાં નવી જીઆઈડીસી બનાવવાની દરખાસ્ત મુકાઈ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે અનેક યોજનાઓ બની શકે

ઇકોસેન્સેટિવ ઝોનના કારણે ઉદ્યોગો નથી વિકસી શક્યા તેવા જૂનાગઢમાં આવનારા સમયમાં ઉદ્યોગ માટે પ્રોત્સાહક યોજનાઓ અને સરકારની મદદ નહીં મળે તો આ નગર માત્ર નિવૃત લોકોના આશિયાના જેવું બની જશે. આવી વાસ્તવિકતા વચ્ચે જૂનાગઢ માટે એક સારી વિચારણા સરકાર દ્વારા 6 મહિનાથી ચાલી રહી છે.

જો તે આગળ વધશે તો જૂનાગઢમાં ઉદ્યોગ શરૂ થશે અને એક નવી દિશા ખુલશે. લઘુઉદ્યોગ ભારતીના ચેરમેન અમૃત દેસાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢમાં ઇકોસેન્સેટિવ ઝોનથી દૂર નવી જીઆઈડીસીના નિર્માણ માટે વિચારણા ચાલી રહી છે. તેના માટે સુખપુર ગામની ધોરાજી રોડ ઉપરની જમીન સરકાર દ્વારા ફાળવવામાં આવે તેવી દરખાસ્ત પણ થઇ છે, જેને મંજૂરી મળી જશે તો આવનારા દિવસોમાં જૂનાગઢમાં જીઆઈડીસી-3 નો પ્રારંભ થશે. જૂનાગઢમાં લઘુ ઉદ્યોગ અને એગ્રો બેઇઝ ઉદ્યોગો માટે ઉજળી તક છે.

હાલ તો જૂનાગઢમાં એવા કોઈ ઉદ્યોગો નથી જેમાં રોજગારીની મોટી તક ઉભી થાય. આવનારા સમયમાં આ સ્થિતિને બદલવી પડશે તેના માટે તૈયારીઓ અને વિચારણા શરૂ થઇ ગઈ છે. આ મામલે જીઆઈડીસી દ્વારા મિટિંગ બોલાવાઇ હતી જેમાં તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જૂનાગઢ ખેતી પ્રધાન જિલ્લો છે. એ ઉપરાંત અહીં જંગલ-પર્વત અને વન્યજીવ સૃષ્ટિ છે. એટલે અહીં મોટા ઉદ્યોગો સ્થપાય તેવી શક્યતા નહિવત છે.

જૂનાગઢ જીઆઇડીસી -1 કોમર્શિયલ બન્યું અને વિભાગ 2 ઇકોસેન્સેટિવ ઝોનમાં છે
જૂનાગઢમાં ઉદ્યોગો માટે જરૂરી એવી સુવિધા ઉભી કરવી અનિવાર્ય છે. અહીં જીઆઇડીસી 1 વિભાગ શહેરની વચ્ચે આવી જતા તેમાં કોમર્શિયલ પ્રવૃત્તિ વધી છે. જયારે જીઆઇડીસી- 2 ઇકોસેન્સેટિવ ઝોનમાં હોવાથી મંજૂરીઓ મેળવવી મુશ્કેલ બની રહી છે. એવા સંજોગોમાં જીઆઇડીસી-3 વિકસાવવામાં આવે તો એ ઇકોસેન્સેટિવ ઝોનથી દૂર હોવી જોઈએ. એટલે ધોરાજી રોડ ઉપરની શક્યતાઓ વધી છે. આમ જૂનાગઢના વિકાસ માટે જીઆઇજીસી-3 બનાવવું આવશ્યક બની ગયું છે.

લાંંબાગાળાની યોજના છે
જોકે આ લાંબા ગાળાની યોજના જેવું છે.કારણ કે, સરકાર જમીન ફાળવે એ પહેલાસુખપુર ગ્રામપંચાયત તેનો ઠરાવ કરે પછી આગળ વધે. જોકે આ કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતાઓ છે.

કૃષિલક્ષી ઉદ્યોગોની શક્યતા
જૂનાગઢમાં કૃષિ ઉત્પાદનોને લગતા ઉદ્યોગો માટે ઉજળી તક છે. કૃષિ ઉત્પાદનના પ્રોસેસિંગ યુનિટ અને તેને લગતા ઉદ્યોગો શરૂ થશે તો ખેડૂતોને પણ પ્રોત્સાહન મળશે. ત્યારે કૃષિલક્ષી ઉઘોગોની દિશામાં કામગીરી કરવામાં આવે તો વિકાસની ગતી તેજ બની શકે તેવી શકયતા જણાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...