જૂનાગઢના ઝાંઝારડા ગામમાં આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કીંગમાં વાહનોમાંથી પેટ્રોલની ચોરી થતી હતી. આથી તેના સીસી ટીવી કેમેરા ચેક કરતી વખતે એક અજાણ્યા શખ્સની એક બ્લોકમાં અવરજવર નજરે ચઢી ગઇ. આ વાતની એ ફ્લેટના રહેનારને ખબર પડતાં તેને તેની પત્ની સાથે થયો ડખ્ખો. આ વાત પત્ની મારફત તેના પ્રેમી સુધી પહોંચી. આથી પ્રેમીએ યુવાનની હત્યાનો પ્રયાસ કરતાં હવે કસ્ટડીની હવા ખાવાનો વખત આવ્યો છે. જૂનાગઢના ઝાંઝરડા ગામે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા હિરેનભાઇ ચીમનલાલ ભૂત મધુરમ પાસે સીરામીક ટાઇલ્સની દુકાન ધરાવે છે.
તેઓ ગત તા. 12 મે 2022 ના રોજ રાત્રે 9 વાગ્યે દુકાન બંધ કરી પોતાને ઘેર આવતા હતા. ત્યારે શ્રીજી પાર્ક પાસે વોંકળાના પુલ પર તેમની પાસે એક કાળા કલરની કાર આવીને ઉભી રહી હતી. અને તેમાંથી 5 શખ્સો ઉતર્યા હતા. અને હિરેનભાઇને ઘેરી લઇ તલવાર, છરી જેવા ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો.
આ બનાવમાં હિરેનભાઇને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે પહેલાં જૂનાગઢ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. બનાવની ગંભીરતા પારખી તાલુકા પોલીસના પીએસઆઇ ઉંજીયા રાજકોટ પહોંચ્યા હતા. અને હિરેનભાઇની ફરિયાદના આધારે વેરાવળ રહેતા સરકારી વકીલ નિગમ જેઠવા અને 4 અજાણ્યા શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.
આથી પોલીસે રાતોરાત વેરાવળથી નિગમ જેઠવા સહિતનાને ઉપાડી લીધા હતા. બનાવ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, નંદનવન એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી થતી હતી. આથી તેના સીસી ટીવી કેમેરા ચેક કરાતાં તેમાં એક ફ્લેટમાં એક અજાણ્યો શખ્સ પ્રવેશતો નજરે ચઢ્યો હતો. આ વાત હિરેને ફ્લેટમાં રહેનારને કરતાં ફ્લેટમાં રહેનાર પતિ-પત્ની વચ્ચે ડખ્ખો થયો હતો. આ વાતની પત્નીએ પોતાને મળવા આવનારને જાણ કરી હતી. આથી આખી ટોળકી હિરેન પર હુમલો કરવા પહોંચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.