જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરને ફરી ખાલી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે મરનાર જીવોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઇ હતી. આ અંગે જીવદયાપ્રેમી હિતેષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, બ્યુટીફિકેશનનાનામે મનપા દ્વારા નરસિંહ મહેતા સરોવરના પાળા તોડવાનું શરૂ કરાયું હતું.
બાદમાં સમગ્ર જૂનાગઢમાંથી વિરોધ થયો હતો અને ધારાસભ્ય સંજયભાઇ કોરડિયાએ પણ મનપામાં રજૂઆત કરતા પાળો તોડવાનું બંધ કરાયું હતું. જોકે, મનપાએ ફરી તળાવનો પાળો તોડવાનું કામ શરૂ કર્યું છે. પરિણામે પાણી નિકળી જતા તળાવમાં રહેતા અસંખ્ય માછલા સહિતના જીવો મૃત્યુ પામશે. ત્યારે જે રીતે અંતિમ અવસ્થાએ જીવની સદ્દગતિ માટે પ્રાર્થના કરાય છે.
તેમ નરસિંહ તળાવના મૃત્યુ પામનાર જીવોના આત્માની સદ્દગતિ માટે તમામ સમાજના લોકોએ આવી પ્રાર્થના કરી હતી. ખાસ કરીને જૈન સમાજ દ્વારા નવકાર મંત્રો તેમજ અન્ય જીવદયાપ્રેમીઓ દ્વારા રામનામ ધૂન, યમુનાષ્ટકના સતત 15 મિનીટ સુધી ગાન રજૂ કરાયા હતા.
તળાવ 3 ફૂટ જ ખાલી કરાશે : ધારાસભ્ય
આ અંગે ધારાસભ્ય સંજયભાઇ કોરડિયાનો સંપર્ક કરાયો હતો અને તળાવનો પાળો ફરી તોડવામાં આવતો હોવાની જાણ કરાઇ હતી. ત્યારે સંજયભાઇ કોરડિયાએ જણાવ્યું હતું કે, મારે મહાનગરપાલિકામાં વાત થઇ ગઇ છે. માત્ર 3ફૂટ જ પાળો તોડાશે. આખું તળાવ ખાલી કરવામાં નહિ આવે.
જીવોનું મૃત્યું ન થાય તેની તકેદારી રાખો: કલેકટર
દરમિયાન જિલ્લા કલેકટર રચિત રાજે મનપાના કમિશ્નરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, પ્રાણીની કસ્ટડી જેની પાસે હોય તેની સંભાળ રાખવાની જવાબદારી સંબધિત સંસ્થાએ નિભાવવાની હોય છે. ત્યારે નરસિંહ મહેતા સરોવરમાં આવેલ તમામ જળચર જીવોને મૃત્યુથી બચાવી સલામત સ્થળે ખસેડ્યા બાદ જ કામગીરી કરવા- પાળો તોડવા જણાવાયેલ છે.માટે તળાવનો પાળો તોડવા દરમિયાન જળચર જીવોનું મૃત્યું ન થાય તેની તકેદારી રાખશો અને સલામત સ્થળે ખસેડ્યા બાદ જ આગળની કાર્યવાહી કરશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.