ધરપકડ:રાયજીબાગમાંથી રૂા.1,40,000ની ચોરી કરનાર ચિખલીગર ગેન્ગનો સભ્ય ઝડપાયો

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચાવી બનાવવાના બહાને નજર ચૂકવી હાથ ફેરો કરતા હતા

રાયજીબાગમાંથી ચોરી કરનાર ચિખલીગર ગેન્ગના સભ્યને એલસીબીએ દબોચી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ રાયજીબાગમાં રહેતા શૈલેષ પ્રાણલાલભાઇ તલાટીએ સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 ઇમસોને ચાવી બનાવવા માટે ઘરે બોલાવ્યા હતા. બાદમાં આ બન્ને શખ્સોએ નજર ચૂકવી 1,40,000ની ચોરી કરી હતી. દરમિયાન આવા તસ્કરોને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમશેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન બાતમી મળી કે, આ ચોરીમાં દાહોદનો પોપટસિંગ ઉર્ફે મલખાનસિંગ ચિખલીગર અને એક અજાણ્યો શખ્સ સંડોવાયેલો છે. હાલ પોપટસિંગ નામનો શખ્સ હાઉસીંગ બોર્ડમાં ચાવી બનાવવા માટે આંટાફેરા મારી રહ્યો છે. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા, એ.ડી. વાળા, ડી.એમ. જલુ અને સ્ટાફે જઇ આરોપીને ઝડપી લીધો હતો.

દરમિયાન તેની પાસેથી 25,500ની રોકડ તેમજ 1 મોબાઇલ ફોન કિંમત 1,000નો મળી આવતા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી તાળાની ચાવી બનાવવાના બહાને નજર ચૂકવી હાથફેરો કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે અને અત્યાર સુધીમાં 8 થી વધુ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી છે.

અન્ય સમાચારો પણ છે...