ગુજરાત રાજ્યમાં તા. 14 માર્ચથી ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેના આયોજનને લઇ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પરીક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી, જૂનાગઢ અધિક જિલ્લા કલેક્ટર એલ.બી. બાંભણિયા, જિલ્લા શિક્ષણાધિકારી વાઢેર, પ્રાથમિક શિક્ષણાધિકારી ઘુંચલા, શિક્ષણ સંઘના પ્રમુખ, મંત્રીઓ અને એવોર્ડ વિજેતા શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યુ કે, વિદ્યાર્થી પરીક્ષાના સમય કરતા વહેલું પેપર પુરું કરી નીકળી ન જાય તેનું ધ્યાન રાખવું. તેમજ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર મોડા ન પહોંચે તે માટે વાહન વ્યવહાર માટે એસટી વિભાગને એકસ્ટ્રા બસ અને નવા રૂટ પર બસો દોડાવવા કહ્યુ હતું. વિદ્યાર્થીઓ કે વાલીઓને સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર પરથી મદદ મેળવવી. કોઇ પણ ઘટના કે સમસ્યા ઉભી ન થાય તે માટે વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓને તકેદારીની સૂચના આપી હતી.
વિશેષમાં કહ્યું કે, ખોટી અફવાઓ ન ફેલાય, પરીક્ષાનું સારુ આયોજન થાય, વિદ્યાર્થીઓ ભય મુક્ત પરીક્ષા આપે તેવા વાતાવરણનું નિર્માણ થાય તે જોવા જણાવ્યુ હતુ. અધિક જિલ્લા કલેક્ટરએ અધિકારીઓને જણાવ્યું કે, પરીક્ષા સંચાલન માટે રાખવાની સાવચેતી અંગે આપવામાં આવેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું, પરીક્ષા સંબંધિત તૈયારીની રુપરેખા, વિદ્યાર્થી સંખ્યા, કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા વગેરે, તમામ પરીક્ષા સ્થળો ઉપર ઉપલબ્ધ સી.સી.ટી.વી વ્યવસ્થા ચાલુ હાલતમાં હોય તેની ચકાસણી થાય તે સુનિશ્વિત કરવું.
પરીક્ષા કેન્દ્રો અને ઝોનલ કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા, સીઆરપીસી કલમ- 144 પરીક્ષા સ્થળથી 100 મીટર અંતરે ઝેરોક્ષ પ્રતિબંધ અને પરીક્ષા સ્થળમાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ અંગેના જાહેરનામા પ્રસિદ્વિ કરવા. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહન વ્યવહારની સગવડો, સતત વીજ પૂરવઠો ચાલુ રહે તે માટેના આયોજનના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં બોર્ડની પરીક્ષા જૂનાગઢ અને કેશોદ બે ઝોનમાં લેવાશે. તમામ કેન્દ્રો ઉપર સી.સી.ટી.વી. કેમેરાની દેખરેખ રહેશે. તેમજ જૂનાગઢ જિલ્લામાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઇ તે માટે હેલ્પલાઇન નંબર, કાઉન્સેલરો અને વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓ દેખરેખ રાખશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.