ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર તાલુકાના આંબળાશ ગીર ગામે ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે ઉપયોગી ઓર્ગેનિક ખેતીના પ્રચાર માટે સરપંચ ભરત વાછાણીના અધ્યક્ષ સ્થાને ઉમીયા પટેલ સમાજમાં ખેડૂત સભા યોજાઈ હતી. આ ખેડુત સભામાં મુખ્ય અતિથિ તરીકે ખગોળ શાસ્ત્રી પરેશ ગૌસ્વામીએ ભાગ લીધો હતો. ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કરવા સંકલ્પ કર્યોહતો.
સભામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, આજે ખેતીમાં ખેડૂતો રાસાયણિક ખાતર અને દવાનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ખેત જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. પરીણામે ખેડૂત અને ખેતી નબળી પડતી જતી હોય છે. ખેડૂત અને ખેતીની સમૃધ્ધી માટે દેશી ખાતર, ગૌ મુત્ર વપરાશ સાથે ઓર્ગેનિક ખેતી કરવાનો અનુરોધ કર્યો હતો. ઓર્ગેનિક ખેતી માટે જીવામૃત કેવી રીતે બનાવવું તેની વિગતો અને તેનાથી મળતા લાભોની વિસ્તૃત વિગતો જણાવી હતી.
પીપળવા ગીર ગામના પ્રગતિશીલ ખેડૂત હરદાસ બામરોટીયાએ ઓર્ગેનિક ખેતી અપનાવવાથી મળતા લાભોની સાફલ્ય ગાથા જણાવી હતી. ખેડૂત સભામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી માટે સંકલ્પ કર્યો હતો. ખેડૂત સભાનાં પ્રારંભે સરપંચ ભરત વાછાણીએ સ્વાગત પ્રવચન કરી સૌનું અભિવાદન કર્યું હતું. અંતમાં એડવોકેટ ભરત અધેરાએ આભાર દર્શન કરી ખેડૂત સભાનું સમાપન કર્યું હતું. આ ખેડૂત સભામાં નારણ પંપાણીયા, ધીરુ સુરેજા, ડો.જમનભાઈ, ધવલ લાડાણી, ઘનશ્યામ અઘેરા, નીતુ કમાણી, ધીરુ રામોલિયા, ભાવેશ સોલંકી સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.