મહંત સહિત ચાર સામે ફરિયાદ:કોડીનારના ઘાંટવડ ગામના ખેડૂતને રૂદ્રેશ્વર આશ્રમના મહંત સહિત ચાર શખ્સોએ માર મારી ધમકી આપી

કોડીનાર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનના મનદુઃખ બાબતે ખેડૂતને ધમકાવનારા મહંત સહિત ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાઈ
  • ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે કોડીનારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

ગીર સોમનાથમાં કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામના સુપ્રસિદ્ધ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત સહિત ચાર શખ્સોએ ગામના એક ખેડૂતને માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવા અંગે ધમકી આપી હતી. જેથી કોડીનાર પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. જેના પગલે પંથકમાં ચર્ચા સાથે ચકચાર જાગી છે.

આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતોનુસાર કોડીનારના ઘાંટવડ ગામના પ્રદિપ ગંભીરસિંહ ઝાલાએ ચગદળ નામની સીમમાં આવેલા અરૂણભાઈ ગોકળદાસ ગટેચાની જમીન ભાગમાં વાવવા રાખેલી છે. જેથી પ્રદિપભાઈ ઝાલા તથા તેનો માણસ પારસ ચુડાસમા બંન્ને ગઈકાલે મંગળવારે બપોરે ટ્રેક્ટર લઈ અરૂણા ગટેચાની જમીન ખેડતાં હતાં.

આ સમયે રૂદ્રેશ્વર આશ્રમના મહંત મુકતાનંદ બાપુ તેની સાથે વલાદર ગામના આકીન મકરાણી, સાંઢણી ધાર ગામના જીતુ ડોડીયા, તથા ઘાંટવડ ગામના દીલીપ વીરા ચારેય લોકો કારમાં ખેતરમાં આવીને આ ખેતર કેમ ખેડો છો તેમ પુછયું હતું.? ત્યારે ફરીયાદી પ્રદિપભાઈએ જણાવ્યું કે મે આ ખેતર ભાગમાં વાવવા રાખ્યું છે. જેથી ઉશ્કેરાઈ જઈ મહંતે પ્રદિપભાઈને માર માર્યો હતો. તેમજ તેને ટ્રેક્ટર ઉપરથી નીચે ઉતારી તમામ ચારેય લોકો ટુટી પડી મારમાર્યો હતો. બાદમાં પ્રદિપભાઈના સાથી પારસ તથા આસપાસમાંથી અન્ય ખેડૂત આવી જતા મહંત સહિત ચારેય શખ્સોએ આ જમીન ખેડવા આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી કારમાં બેસી જતા રહ્યા હતા.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત ખેડૂત પ્રદિપભાઈને અન્ય લોકોએ કોડીનાર દવાખાને સારવારમાં ખસેડ્યાં હતા. આ ઘટનાને લઈ પ્રદીપભાઈએ મહંત મુક્તાનંદ બાપુ, આરફાન મકરાણી, જીતુ ડોડીયા, દિલીપ વિહા સામે ઉપરોક્ત વિગતો સાથે ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...