જેલમાં વસ્તુ પહોંચાડવાનો નવો માર્ગ:જૂનાગઢ જેલમાં પાન-મસાલા અને મોબાઈલ પહોંચાડવા માટે બહારના ભાગેથી પોટલું બાંધી ફેંકવામા આવ્યું, CCTVના કારણે પર્દાફાશ થયો

જૂનાગઢ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેલના કાચા કામના ચાર કેદીઓ સામે ફરિયાદ નોંધાવવામા આવી

જૂનાગઢની જેલના સીસીટીવી કેમેરા જેલર દ્વારા તપાસી રહેલ હતા. જેમાં એક પોટલું જેલની બહારથી અંદર ફેકતું દેખાયું મળેલ હતું. જેના આધારે જેલના સ્ટાફે બેરેક નં.14 માં તપાસ કરતા એક પોટલુ મળી આવેલ જેમાં માવા,તમાકુની પડીકી, બીડી, પાન મસાલા સહિતનો મુદામાલ મળી આવ્યા હતા. આ ઉપરાંત એક કાચા કામના કેદી પાસેથી એક સાદો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે અંગે જેલરે દ્વારા ચાર કાચા કામના કેદીઓ સામે ફરીયાદ નોંધાવી છે. તો જેલમાંથી વારંવાર માવા, ગુટકા, બીડી અને મોબાઈલ જેવી વસ્તુઓ મળી આવતી હોવાથી સુરક્ષા સામે સવાલો સર્જાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જિલ્લા જેલના જેલર એફ.એસ.મલેક આજે સવારના જેલના સીસીટીવી ફૂટેજ તપાસી રહેલ હતા. ત્યારે સવારે તેમાં 7:45 વાગ્યા આસપાસના સમયગાળાના ફૂટેજમાં એક પોટલું બહારના ભાગથી જેલની અંદરમાં ફેંકવામાં આવ્યાનું જોવા મળેલ હતું. આ પોટલું ત્યાં સફાઈ કામ કરતા કાચા કામના કેદી નરેશ હસમુખ સોલંકીએ લઈ સર્કલ નં.33 ના ધાબા પર ઉભેલા મુકેશ મૂળજી વાઘેલા તરફ ફેંક્યું હતું. બાદમાં તે બેરેક નં.14 માં લઇ ગયો હતો .બાદમાં જેલના સ્ટાફે ત્યાં જઈ પોટલું ખોલી તપાસ કરતા તેમાંથી 24 માવા, 58 તમાકુની પડીકી, 58 પાન મસાલાની પડીકી, 20 જૂડી બીડી અને ચૂનાના પાઉચ મળી આવ્યા હતા. આ ઉપરાંત બેરેકમાં રહેતા કાચા કામના આરોપી બહાદુર ઉર્ફે કાણીયો સામંત લાલુની તલાશી લેતા તેણે છુપાવેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

આ અંગે જેલર એફ.એસ.મલેકએ કાચા કામના કેદી મુકેશ મૂળજી વાઘેલા, નરેશ હસમુખ સોલંકી, અબ્દુલ ગની અને બહાદુર ઉર્ફે કાણીયા સામે ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...