આસ્થાભેર ઉજવણી:ગીર સોમનાથના કોડીનારમાં એક કલાક સુધી ભવ્ય આતશબાજી કર્યા બાદ 45 ફુટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરાયુ

વેરાવળએક મહિનો પહેલા
રાવણના દહન કરાયાની તસવીર
  • વિજયાદશમી પર્વે કોડીનારમાં ભગવાન શ્રી રામ, લક્ષમણ અને હનુમાનજી સાથે વિવિધ ફ્લોટ્સની ભવ્ય શોભાયાત્રા નીકળી
  • કોરોનાને લઈ બે વર્ષ બાદ પર્વની ઉજવણી થતા શહેર અને પંથકવાસીઓ ઉત્સાહભેર સામેલ થયા

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં વર્ષો જૂનો પરંપરાગત વિજયાદશમી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. શહેરના જંગલેશ્વર મંદિર ખાતેથી એક વિશાળ શોભાયાત્રા નીકળેલ જે સમી સાંજે રાવણ દહનના સ્થળ એવા નદીના મેદાન ખાતે પહોંચ્યા ત્યારે એકાદ કલાકની ભવ્ય આતશબાજી બાદ સૌરાષ્ટ્રમાં સૌથી મોટા 45 ફૂટ ઊંચા રાવણનાં પૂતળાનું ભવ્ય આતશબાજી સાથે દહન કરાયું હતુ. આ ઉજવણીમાં સામેલ થવા અને રાવણ દહનનો કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં શહેર અને પંથકના લોકો ઉમટયા હતા.

જિલ્લાના કોડીનારમાં છેલ્લા 34 વર્ષથી વિજયા દશમી પર્વ ભવ્યતી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. સને.1984 માં 65 ફૂટ ઉંચા રાવણનું પૂતળું બનાવી દહન કરવામાં આવેલ જે એક રેકોર્ડ છે. આ વખતેની ઉજવણી અંગે વિજયા દશમી મહોત્સવ સમિતિના કાર્યકર અમિત જાની અને કાળુભાઇ બારોટએ જણાવ્યું હતુ કે, કોડીનારમાં ગત વર્ષે કોરોના કાળનાં કારણે વિજયા દશમીનો કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો.

આ વર્ષે સૌરાષ્ટ્રના સૌથી મોટો અને ઉંચા 45 ફૂટના રાવણનું પૂતળું બનાવી ભવ્ય આતશબાજી વચ્ચે રાવણ દહન કાર્યક્રમ ધામ ધુમથી ઉજવવાનું આયોજન કરાયું હતું. જે મુજબ અમારી કોડીનાર વિજયાદશમી મહોત્સવ સમિતિના નેજા હેઠળ બપોરે શહેરના જંગલેશ્વર મંદિર ખાતેથી વિવિધ ફ્લોટ્સ સાથે ભગવાન રામચંદ્રજીની સવારી શોભાયાત્રા સ્વરૂપે નીકળી હતી. આ શોભાયાત્રામાં પ્રભુ શ્રીરામજી, લક્ષમણજી, હનુમાનજીની બગી સાથે કોરોના દર્દીઓને સારવાર આપતા ડોક્ટર, નાગપાસમાંથી લક્ષમનજીને છોડવાતા ગરુડજી, સ્વામી વિવેકાનંદ, શિવાજી, રાણી લક્ષ્મીબાઈ સહિતનાં જીવંતપાત્રો અને ઢોલ ત્રાંસાનાં સથવારે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર પાંચેક કલાક ફરી હતી. બાદમાં સમી સાંજે શહેરમાંથી પસાર થતી શિંગવડા નદીનાં પટાંગણના મેદાનમાં શોભાયાત્રા પોહચી હતી. ત્યારે એકાદ કલાક સુધી ભવ્ય આતશબાજી બાદ કરાયા બાદ 45 ફૂટ ઊંચા તૈયાર કરાયેલા રાવણનું દહન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે કોડીનાર શહેરમાં વિજય દશમી પર્વની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ આ વર્ષે કોરોના હળવો હોવાથી કોડીનારમાં વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. જેમાં સમસ્ત હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારી આલમ અને શહેરીજનોમાં ભારે ખુશીનો માહોલ પ્રવર્તેલ હોવાથી શોભાયાત્રામાં અને રાવણ દહનના સ્થળ પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમમાં વહીવટ તંત્ર તેમજ કોડીનાર પોલીસ સ્ટાફએ પણ ચાંપતો બંદોબસ્ત જાળવી રાખ્યો હતો.આસુરી શક્તિ પર દૈવી શક્તિનાં વિજયનું આ પર્વ કોડીનારની જનતાએ રંગે ચંગે ઉજવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં એકત્રિત થયેલ મેદનીએ સ્વયં શિસ્તના દર્શન કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...