ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ધોરણ 9ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. વિદ્યાર્થીએ યુવતીના કપડા પહેરી આત્મહત્યા કરી લેતા આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ અને પરિવારજનો ચકરાવે ચડ્યા છે. મૃતક વિદ્યાર્થીએ 15મી ઓગસ્ટના દિવસે સવારે પિતાની લેબોરેટરી પર બે કલાક સુધી રોકાયા બાદ ઘરે આવી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોબાઈલ ગેમના કારણે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાની પરિવારજનોએ આશંકા વ્યકત કરવામા આવી રહી છે. પોલીસે હાલ વિદ્યાર્થીનો મોબાઈલ કબજે કરી FSLમાં તપાસ માટે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.
મૃતકના પહેરવેશને લઈ આત્મહત્યાનું રહસ્ય ઘેરાયું
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના સાજનનગર વિસ્તારમાં રહેતા અને લેબોરેટરી ચલાવતા દિલીપભાઈ નંદવાણાના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે.મોટો પુત્ર ભાવનગર ખાતે અભ્યાસ કરે છે. તો નાનો પુત્ર તરુણ પરિવાર સાથે જ ઉનામાં રહી સ્થાનિક ખાનગી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. ગઈકાલે 15મી ઓગસ્ટ હોય દિલીપભાઈ પોતે મોટા પુત્રને તેડવા માટે ભાવનગર ગયા હતા. જ્યારે નાનો પુત્ર સવારે બે કલાક તેમના પિતાની લેબોરેટરી પર ગયો હતો. જ્યાંથી બપોરે ઘરે પરત ફર્યો હતો અને ઘેર આવી માતાને રાઈસ બનાવવાનું કહી મકાનના ઉપલા માળે પોતાના રુમમાં મોબાઈલ સાથે ગયો હતો.
દોઢેક વાગ્યા આસપાસ જમવાનું તૈયાર થતા માતાએ પુત્રને બોલાવેલ પરંતુ તે આવેલ નહીં અને રૂમનો દરવાજો અંદરથી બંઘ હતો. જેથી તેની માતાએ પાડોશીના મોબાઇલમાંથી તરૂણ પાસે રહેલા મોબાઇલમાં કોલ કરેલ જે સતત રીસીવ ન થતા નો રીપ્લાય આવતો હતો. જેથી પાડોશીઓને બોલાવી રૂમનો દરવાજો તોડતા તરૂણ (ઉ.વ.16) યુવતીના પહેરવેશ પહેરલ હાલતમાં ગળાફાંસો ખાઘેલ સ્થિતિમાં જોવા મળેલ હતો. જેથી તે સમયે હાજર સૌ કોઇ મૂંઝવણમાં મુકાયા હતા. આ અંગે તુરંત પોલીસને જાણ કરતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવેલ હતો. બાદમાં તરૂણના મૃતદેહને ઉતારી સરકારી હોસ્પિટલે પીએમ અર્થે લઇ જવામાં આવેલ હતો. આ ઘટનાની જાણ થતા સામાજીક આગેવાનો પણ દોડી આવ્યા હતા.
આત્મહત્યા પાછળ મોબાઈલ ગેમ કારણભૂત હોવાની આશંકા
16 વર્ષીય તરૂણએ કયા કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ તે ઘેરૂ રહસ્ય બની ગયુ છે. ત્યારે પોતાના વ્હાલસોયાને ગુમાવનાર પરિવારજનોએ ગળાફાંસો અંગે તરૂણએ મોબાઇલમાં કોઇ ગેમનો ટાસ્ક પુરો કરવામાં જીવન ટુંકાવી લીધું હોવાની આશંકા વ્યકત કરી છે. આ ઘટના અંગે પોલીસ જીણવટભરી તપાસ કરી ગળાફાંસો ખાવા પાછળનું સાચું કારણ બહાર લાવે તેવી માંગણી કરી છે.
મોબાઈલની તપાસ માટે FSLમાં મોકલવામા આવશે
પરિવારજનોની આશંકાને ધ્યાન પર રાખી પોલીસ દ્વારા મૃતક તરુણના રુમમાં તપાસ હાથ ધરવામા આવી હતી. મૃતકનો મોબાઈલ કબજે કરી તપાસ માટે FSLમાં મોકલવા માટે તજવીજ હાથ ધરવામા આવી છે.
ભાઈ સાથે ત્રિરંગી ઢોકળા ખાવાની ઈચ્છા અધૂરી રહી
મૃતક તરુણનો મોટોભાઈ ભાવનગરથી રાત્રે ઘરે આવવાનો હોય મૃતકે બપોરના સમયે જ પોતાની માતાને કહ્યું હતું કે, આજે ભાઈ આવવાનો છે અને પંદરમી ઓગસ્ટ છે તો ત્રિરંગી કલરના ઢોકળા બનાવજો. જો કે, કોઈ કારણોસર તરુણે પોતાની આ ઈચ્છા પૂર્ણ થાય તે પહેલા જ આત્મહત્યા કરી લેતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.